Friday, December 24, 2010

ભારતમાં ૭૦૦ વર્ષ પહેલા સૂફી સંગીતની શરૂઆત થઇ હતી

વારસી બ્રધર્સે અમદાવાદની સ્કૂલના બાળકો સામે ભારતીય પરંપરાગત સૂફી સંગીતના સૂરો રેલાવ્યા હતા. વારસી બ્રધર્સ સૂફી સંગીત માટે વર્લ્ડમાં જાણીતુ છે. છેલ્લા ૪૦ વર્ષથી તેઓ સૂફી સંગીતના સૂરો રેલાવે છે.
આજે વેસ્ટર્ન મ્યુઝિક અને મોર્ડન ફિલ્મોને કારણે આપણું કલ્ચર અને પરંપરાગત સૂફી સંગીત ભૂલાઇ રહ્યંુ છે. ત્યારે ખાસ બાળકો સૂફી સંગીત, કવાલી અને દોહા શું છે એ જાણતા થાય એ માટે વારસી બ્રધર્સે આજે ત્રિપદા સ્કૂલમાં પર્ફોમન્સ કર્યું હતું. સાત સભ્યોના આ ક્લાસીકલ સંગીત રેલાવતા ગુ્રપે ધમાધમ મસ્ત કલન્દર, અલી કા પહેલા નંબર જેવી કવાલી ગાઇને વાતાવરણને આનંદમય બનાવી દીઘું હતું.

'મશહુર હર તરહ સે તેરા નામ હો ગયા,
મોલ્લા કહી રહીમ, કહીં રામ હો ગયા'
ઉત્તરપ્રદેશના રામપુરના વર્લ્ડમાં જાણીતા કવાલી મ્યુઝિકલ ગ્રુપ વારસી બ્રધર્સે અમદાવાદમાં સૂફી કવાલીના સૂરો રેલાવ્યા હતા


આ ગુ્રપના લીડર હાજી મહંમદ એહમદખા વારસી કહે છે કે, ભારતમાં ખ્વાજા મોઇમુદીન ચિસ્તી અજમેરીએ ૭૦૦ વર્ષ પહેલા સૂફી સંગીતની પરંપરાની શરૂઆત કરી હતી. ભારતીય ક્લાસીકલ સંગીતથી સારું સંગીત વિશ્વમાં ક્યાંય નહીં મળે. તેમણે લતા અને જગજિતના સૂરોના પણ વખાણ કર્યા હતા. આ ગુ્રપના અન્ય એક સભ્ય ખાલીદ હુસેન વારસી કહે છે કે, હિન્દુસ્તાનમાં ઘરે ઘરે સંગીત સંભળાય છે.
આપણું જીવન સંગીત સાથે જોડાયેલું છે. બાળક રડતું હોય એમાંથી પણ સંગીતના સૂરો રેલાય છે. વારસી બ્રધર્સ કહે છે કે, ગાના યે દે જો દિલ કો અચ્છા લગે ઔર રૂહ કો સકુન મિલે. શાસ્ત્રીય સંગીતમાં ભગવાન સાથે લગન લાગી જાય છે. જો સાચો તાલ મળી જાય તો તબલાં પણ ફાટી જાય છે. ફિલ્મોને કારણે આજે ઓરિજનલ કવાલીમાં ઘણું પરિવર્તન આવી ગયું છે. કવાલીમાં સંત, મહાત્મા અને બુઝુર્ગોની વાતો અને તેમની રચનાઓ તથા દુહા બોલવામાં આવે છે. તબલાં વાદક વારીસ નવાઝ તબલાંના સૂરો રેલાવીને દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વારીસ નવાજ કહે છે કે, ક્લાસીક ઇન્સ્ટ્રુમેન્ટમાંથી જે સૂરો નીકળે એ સૂરો આજની ઓરકેસ્ટ્રામાં સાંભળી શકાતા નથી. અંતે વારસી બ્રધર્સે, અબ તો જાતે હૈ મે કહે સે મીર, ફિર મિલેંગે અગર ખુદા લાયા તો, શેર સંભળાવીને સૂફી સૂરને વિરામ આપ્યો હતો. વારસી બ્રધર્સ અમદાવાદમાં અવારનવાર આવતા રહે છે. ગુજરાતની કોઇ જગ્યા એવી નહીં હોય જ્યાં વારસી બ્રધર્સ ના ગયા હોય.

અમે ભારતીયોને જાપાનીઝ શિખવીએ છીએ

‘ભારતીય સંસ્કતિના મૂળ બહુ ઊંડા છે તેને જાણવા માટે આખી જીંદગી પણ ટુંકી પડે.’ દેશ અને તેની સંસ્કૃતિ ખૂબ મોટી અને ઉંડાણમાં છે. તેને એક વાક્યમાં બતાવવું ખૂબ મુશ્કેલ છે. આ શબ્દો છે ૬ દિવસ માટે અમદાવાદની મુલાકાતે આવેલા જાપાનીઝ દંપતી યોશિમિ કોજીમાં અને જુનિચિ કોજીમાના ૩ મહિના માટે ઇન્ડિયાની મુલાકાતે આવેલા આ દંપતીએ ૬ દિવસ સુધી અમદાવાદની વિશેષતાઓ જાણવા માટે આવ્યા હતા. યોશિમિ અનેક વાર ભારતની મુલાકાતે આવ્યા છે. જ્યારે જુનિચી બીજી વખત મુલાકાતે આવ્યા છે. આ વખતે આ દંપતિ રહીને ભારતીયોને જાપાનિઝ શીખવે છે. પણ બીજી તરફ આ દંપતિ પણ હિન્દી શીખીને ભારતીય સંસ્કૃતિ સાથે નિકટતા કેળવી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિને કલ્ચર જાણવા અને ભારતીય લોકોને સમજવા લોકોને સમજવા માટે યોશિમિને પ્રથમ જાપાનમાં જ હિન્દી ભાષા શીખી લીઘી હતી.ત્યારબાદ ભારતમાં ં આવીને વઘુ ઊંડાણમાં હિન્દી ભાષાનો અભ્યાસ કર્યો હતો. અત્યારે યોશિમિ સારી રીતે હિન્દી લખી- વાંચી અને બોલી શકે છે. યોશિમિ કહે છે કે, હું ગુજરાતી બોલી નથી શકતી પરંતુ સાંભળીને સમજી શકું છું. ગુજરાતી સાંભળવાની મને બહુ મજા આવે છે.
અમદાવાદની મુલાકાતે આવેલા જાપનીઝ દંપતિ યોશિમિ કોજીમા અને જુનિચિ કોજીમા જાપાનમાં ભારતીયોને જાપાનીઝ ભાષા શિખવે છે. અમદાવાદ આવતા પહેલા આ દંપતિ હિન્દી શિખીને આવ્યા છે. જાપાનીઝ ભાષાથી ટેવાયેલા કોજીમા દંપતિ બહુ મીઠાશ ભર્યુ હિન્દી બોલે છે

અમદાવાદના સાબરતમી આશ્રમ અને ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાત થકી તેઓ કહે છે કે અહીં અમને ખૂબ શાંતિનો અનુભવ થયો અને ગાંધીજીની શક્તિ અને પ્રભાવ આજે પણ છે જ. અને ચરખો કાંતવો, ભજન બોલવા જેવી ગાંધીજીની પરંપરા આજે પણ ચાલુ છે. એ જોવાનું અમને સૌભાગ્ય મળ્યું છે.
આ દંપતિને અમદાવાદમાં પોળોની સાંકડી અને આડા-અવળી ગલીઓ ખૂબ જ ગમે છે. ગઇકાલે અમે અમદાવાદની પોળોમાં ફર્યા હતા.આ અંગે જુનિચી કોજીમા કહે છે, અમદાવાદમાં રસ્તાઓ પર ચાલતા હાથીઓ, ઘોડાઓ, ગાય, ઓટો, સાઇકલ જેવી વસ્તુઓ જાપાનમાં જોવા નથી મળતી. આ જોઇને અમારો વિચારો જ બદલાઇ ગયા. વિશેષમાં આ દંપતિ કહે છે કે, ભારતમાં રસ્તા પર જિંદગી ગુજરાતા ગરીબ લોકો અને સારી ગાડીઓ ચલાવતા અમીર લોકોને પણ જોય શકાય છે. જાપાનમાં આ અંતર જોવા નથી મળતું. જ્યારે અહીં બઘું જ સામે જોઇ શકાય છે, એટલે જ ભારત મહાન છે. સામાન્ય રીતે જાપાનીઝ લોકો લાંબુ જીવન જીવે છે એ પ્રશ્રના જવાબમાં તેઓ કહે છે કે એનું કારણ એ છે કે જાપાનમાં પ્રાયમરી હેલ્થ ટ્રીટમેન્ટ ખૂબ વધી ગઇ છે અને હેલ્થ ઇન્સ્યોરન્સ સિસ્ટમ હોવાથી લોકો ઓછા ખર્ચે પણ સારો ઇલાજ મેળવી શકે છે. ૧૯૪૫ પછી જાપાનમાં એક પણ યુદ્ધનો બનાવ નથી બન્યો. આર્થિક પ્રગતિ ઝડપી થઇ ગઇ છે, જેથી જનતાની રહેણી- કરણીમાં પણ સુધારો આવ્યો છે.
જુનિચી કોજીમાં જ્યારે પ્રથમ વખત ભારત આવ્યા ત્યારનો એક પ્રસંગ યાદ કરે છે. તે કહે છે કે, મારે જોધપુરથી જયપુર ફ્લાઇટમાં જવાનું હતું પરંતુ ફ્લાઇટ મોડી પડી. બધાં લોકો ફરીથી હોટલમાં જતા રહ્યા, પછી મે કાઉન્ટર પર જઇને પૂછ્યું કે ફ્લાઇટ ક્યારે આવશે ત્યારે મને એવો જવાબ મળ્યો કે ભગવાનની મરજી... આ બનાવ પછી મેં ઘડિયાળ પહેરવાનું છોડી દીઘું અને મને ઇન્ડિયન લોકો પ્રત્યે આદર થવા લાગ્યો. વઘુમાં યોશિમી કહે છે કે, ‘અમારે ત્યાં બુઘ્ઘ ઘર્મ વઘુ પ્રચલિત છે. ભારત ભગવાન બુઘ્ઘનો દેશ છે.એ દ્રષ્ટિએ પણ અમને આ દેશમાં ફરવું વઘુ ગમે છે.જો કે એહીં અનેક ઘર્મો અને માન્યતાઓ પ્રચલિત છે.આ તમામ પાસાઓને બારીકાઈથી જોવાની પણ એક મજા છે.અમદાવાદ એક રંગીને શહેર છે.અહીંની રંગીની અમને વઘુ ગમે છે.અહીં તમારા દરેક પ્રકારના સાત્વિક રસોને આવકાર મળે છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

ગીતાજ્ઞાન થકી અનોખી મેમરી કોમ્પિટિશન

એક તરફ બાળકો વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહ્યા છે. વધારે પડતા ઇંગ્લિશ કલ્ચરને કારણે બાળકો શાસ્ત્રિય અને પ્રાચીન સંસ્કૃત ભાષાને ભૂલી રહ્યા છે. આધુનિક્તા સાથે સાથે સંસ્કૃતિ અને શાસ્ત્ર પણ જોડાય એ હેતુથી લક્ષ પ્રેરણા ડિવાઇન ફાઉન્ડેશન દ્વારા ગીતા જયંતી નિમિત્તે દૂન બ્લોસમ એકેડેમી ખાતે ભાગવત ગીતાના શ્લોક પર એક અનોખી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં અમદાવાદની કુલ ૨૦ સ્કૂલના ૫થી ૧૨ ધોરણના ૨૧૦ બાળકોએ ભાગ લીધો હતો.
અમદાવાદની ૨૦ સ્કૂલના કુલ ૨૧૦ બાળકોએ ભાગવત ગીતાના અધ્યાય ૨, ૭ અને ૧૨માંથી સંસ્કૃત શ્લોકોની તૈયારી કરીને ભાગ લીધો હતો.આજે ઓનલાઈન અને મેનુ ડ્રિવન સોફ્ટવેરના જમાનામાં પણ વિદ્યાર્થીઓ યાદશક્તિને લગતી હરિફાઈમાં ભાગ લઈને પોતાની તીવ્ર યાદશક્તિનો પરિચય આપે છે

બાળકોને ભગવાન ક્રિષ્નાની લાઇફ, તેમના માતા-પિતા, ગીતા વિશેનું જ્ઞાાન મળે તે માટે તથા બાળકો અંગ્રેજીની સાથે સંસ્કૃત ભાષાને ભૂલી ન જાય તે હેતુથી આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગવત ગીતાના ૨, ૭ અને ૧૨માં અધ્યાયમાંથી બાળકોએ સંસ્કૃત શ્લોકની તૈયારી કરીને ઓરલ શ્લોક કોમ્પિટિશન, પ્રશ્ર લખવાની કોમ્પિટિશન તથા ક્વીઝ કોમ્પિટિશનમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. આ કોમ્પિટિશનમાં ભાગ લેનાર ટર્ફ હાયરસેકન્ડરી સ્કૂલનો અનમોલ પંડયા કહે છે કે, આજે યંગસ્ટર્સને શાસ્ત્રોમાં રસ નથી અને ભાગવત ગીતા શું છે એ પણ જાણતા નથી. તેથી આવી કોમ્પિટિશન દ્વારા બાળકોન ે સંસ્કૃત સાથે ઘરોબો થાય છે.જેને કારણે બાળકો સંસ્કૃત વાંચતા પણ થાય છે.
દિવસેને દિવસે આપણી યાદશક્તિ ઓછી થઈ રહી છે.કારણ માત્ર ટેકનોલોજી અને સગવડતા છે.

આજે એક્ઝામ સમયે બાળકો નર્વસ થઇ જાય છે. એ સમયે તેમને કંઇ સૂઝ પડતી નથી. બાળકોની નિર્ણય શક્તિનો વિકાસ કરવા અને નિર્ભિકતા, સાહસ અને ધેર્ય જેવા ગુણો બાળકોમાંં આવે એ માટે ભાગવત ગીતા કોમ્પિટિશન કરવામાં આવી. આજે સંસ્કૃત બોલવું અઘરું છે. ત્યારે ઓરલ શ્લોક કોમ્પિટિશનમાં પ્રથમ નંબરે આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલનો હિમાંશુ ચુતર્વેદી કહે છે કે, બાળકોને શાસ્ત્રો જે જ્ઞાાન આપી શકે એ જ્ઞાાન અન્ય કોઇ બુક્સ કે પબ્લિકેશન ના આપી શકે. તેથી આવી કોમ્પિટિશન થવી જરૃરી છે. આ કોમ્પિટિશનમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકોએ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જો બાળકો ગીતાને મિત્ર બનાવશે તો જીવનની દરેક પરીક્ષામાં સફળ બનશે. આ અંગે દૂન બ્લોસમ એકેડમીના પ્રિન્સિપાલ નિરજ તાયડે કહે છે કે, વેસ્ટર્ન કલ્ચરની સાથે હિન્દુ સંસ્કૃતિને સાથે રાખીને એજ્યુકેશન આગળ વધવુ જોઇએ. આપણી સંસ્કૃતિ અને શાસ્ત્રોનું જીવનમાં શું મહત્ત્વ છે એ બાળકો જાણતા થાય તે માટે આવી કોમ્પિટિશન જરૃરી છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

ચાઈલ્ડ લેબર્સમાંથી બેગર્સ બને તે પહેલા હું પહોંચી જાઊં છું

આજે ઘણાં બાળકો એવા છે કે જેમને ભણવું છે પરંતુ પોતાની પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે ભણી શકાતુ નથી. તો ઘણાં બાળકો એક- બે ધોરણ ભણીને પેટ ભરવા માટે મજૂરી કરવા લાગી જાય છે. ત્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં સમાજકાર્ય વર્ષ-૨માં અભ્યાસ કરતો યોગેશ પવાર પોતાના ફિલ્ડ વર્કના ભાગરૂપે જુહાપુરા વિસ્તારના સંકલિતનગરના સ્લમ એરિયાના ચાઇલ્ડ લેબરોને સમજાવીને શાળાએ મોકલવાનું કાર્ય કરી રહ્યો છે.

વિદ્યાપીઠના સમાજકાર્ય વિભાગમાં આભ્યાસ કરતો યોગેશ પવાર બાળ ભિક્ષુકો અને બાળ મજૂરોને શાળાએ મોકલવાનું કામ કરી રહ્યો છે.અનેક જરૂરીયાતવાળા મા-બાપને સમજાવીને મહામુસીબતે યોગેશ બાળમજૂરોને શાળાએ મોકલવાનું કામ કરે છે

આ અંગે યોગેશ પવાર કહે છ ેકે, જુહાપુરા વિસ્તારમાં ૯૦થી ૯૫ ટકા લધુમતી કોમ્યુનિટીના લોકો રહે છે. અને ૨૦૦૨ના રમખાણો થયા ત્યાર બાદ સ્થાનિક લોકોની સ્થિતિમાં હજુ જોઇએ તેવો સુધારો થયો નથી. ખાસ કરીને આ વિસ્તારમાં બાળ- મજૂરીની સમસ્યા વઘુ પડતી છે. તેથી સમાજકાર્યના ભાગરૂપે મેં આ બાળ મજૂરો પર કામ કરવાનું નક્કી કર્યું.
છેલ્લા ત્રણ મહિનાથી વિદ્યાર્થી કાર્યકર તરીકે યોગેશે સાત બાળકોેને અને તેમના માતા-પિતાને સમજાવીને તેમને ફરીથી સંકલિતનગર પ્રાથમિક શાળામાં એડમિશન કરાવ્યું. ૧૩ વર્ષનો શેખ ફૈેજાન મિઠાઇની દુકાનમાં ચાંદીનું વરખ ચડાવવાનું કામ કરતો હતો. પરિવારની ખરાબ આર્થિક સ્થિતિને કારણે તેમના માતા-પિતા તેમને સ્કૂલે મોકલવાને બદલે કામે મોકલતા હતા. ત્યાર પછી યોગેશે તેના માતા-પિતાને સમજાવીને સ્કૂલમાં એડમિશન અપાવ્યું. અને આજે ફેઝાન કામ છોડીને ભણવામાં લાગી ગયો.ફૈેઝાન કહે છે કે, હું આગળ ભણીને ડોક્ટર બનવા માગુ છું. એવી જ રીતે ૧૪ વર્ષનો શાકીર યુસુબ પણ ઘરે ઘરે ડંકી બેસાડવાનું ફિટિંગ કામ કરતો હતો. જે આજે ભણવા જાય છે અને ભણીને પોલીસ બનવા માગે છે. ૧૫ વર્ષની ઉમેરા કુતુબુદ્દિન અને ૧૪ વર્ષની આફરીન બાનુને પણ યોગેશે સમજાવીને સ્કૂલનો રસ્તો ચીંઘ્યો. ગઇ કાલે જ તેમણે શબનમ શેખ, મુબસ્શેરા શેખ અને ખાલીક શેખને સમજાવીને સ્કૂલમાં એડમિશન કરાવડાવ્યું. જેમના પિતાન ેદારૂની લતને કારણે તેમને રખડવાનો વારો આવ્યો હતો. તેમની મતાા શાહિદાબાનું અમીર પિરવારોનું ઘરકામ કરીને પોતાના છોકરાનું પેટ ભરે છે. શાહિદાબેન કહે છે કે, યોગેશભાઇએ મને મારા રકડતા છોકરાને નિશાળે મોકલવા માટે સમજાવ્યું અને આજે મારા ત્રણેય છોકરા સ્કૂલે જાય છે.આ અંગે સંકલિતનગર પ્રા. શા.ના પ્રિન્સિપાલ મુમતાઝબેન વોરા કહે છે કે, બાળકોનું ભવિષ્ય ઉજવળ થાય અને તેઓ બાળમજૂરી કરવાને બદલે સ્કૂલે જાય એ માટે યોગેશભાઇ તેમના મા- બાપને સમજાવીને જાગૃત કરવાનું ઉત્તમ કામ કરે છે

વિદેશની તક ઠુકરાવી ગામડા ભણી કારકિર્દી બનાવી

આજે યુવાનો એજ્યુકેશન મેળવીને મોટી ઓફરો સાથે વિદેશમાં સેટ થવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે પાલિતાણા નજીક આવેલા પીઠલપુર ગામના ૩૦ વર્ષના પ્રતિપાલસિંહ ગોહિલે યુવાનોને સુંદર મજાનું ઉદાહરણ પૂરું પાડયું છે. સેન્ટ ઝેવિયર્સ લોયલા કોલેજ અમદાવાદમાંથી માસ્ટર ઓફ સાયન્સની પદવી મેળવ્યા પછી પ્રતિપાલસિંહ કોઇ કંપનીમાં જોબ કરવાને બદલે પોતાના બાપદાદાનો વારસો સચવાય તથા ગામડાના ખેડૂતોમાં અવેરનેસ લાવવાના હેતુથી ખેતી કરવાનું પસંદ કર્યું.

માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કરીને વિદેશની તક છોડીને પાલિતાણા નજીકના પીઠલપુર ગામના ૩૦ વર્ષના પ્રતિપાલસિંહ ગોહિલે પોતાના ગામમાં ખેતીવાડીનું કામ સંભાળ્યું


લોકો કહે છે કે જો ખેતી જ કરવી હતી તો પછી આટલું ભણ્યો શું કામ? ત્યારે પ્રતિપાલસિંહ કહે છે કે, ભારત ખેતી પ્રધાન દેશ હોવા છતાં આજના યુવાનો એજ્યુકેશન લઇને શહેર તરફ વળ્યા છે, જેના કારણે અનેક મુશ્કેલીઓ ઊભી થઇ છે. યુવાનો ખેતી તરફ વળતા થાય અને રૃરલ એરિયાનું સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ થાય એ હેતુથી પ્રતિપાલે ખેતી કરવાનું પસંદ કર્યું છે. ગામડાની નેરો માઇન્ડ માનસિકતાને કારણે શરૃઆતમાં તેમને ઘણી મુશ્કેલીઓ પણ પડી હતી. છેલ્લા પાંચ વર્ષથી તે ટકાઉ ખેતી કરે છે. પાંચ વર્ષ પહેલા સારા પેકેજ સાથે જોબની ઓફર અને વિદેશ જવાની તકને ઠુકરાવીને નેટીવ પ્લેસમાં રહેવાની ઇચ્છાને કારણે પ્રતિપાલે એજ્યુકેટેડ ફાર્મર બનવાનું પસંદ કર્યું.
જ્યારે તેમણે ખેતી કરવાની શરૃઆત કરી હતી ત્યારે તેમની પાસે ૭૦ વીઘા સૂકી જમીન હતી. અત્યારે તેમની પાસે ૮૨ વીઘા પિયત જમીન છે. પ્રતિપાલસિંહ કહે છે કે, બિયારણ અને દવાની કંપનીઓ ખેડૂતોને છેતરતી હતી. સ્ટાન્ડર્ડ કંપનીનું બિયારણ ખેડૂતો સુધી પહોંચતુ નહોતું. જેના વિશે મેં ખેડૂતોને અવેર કર્યા. અને છેલ્લા બે વર્ષથી મારા ગામમાં ખેડૂતો સરકારમાન્ય બિયારણ વાપરે છે. તેમનું માનવું છે કે જો સુકા વિસ્તારમાં સરકાર તરફથી પાણી આપવામાં આવે તો જે લોકો ગામડામાંથી શહેરમાં આવે છે એ લોકોનું માઇગ્રેશન થવાનું બંધ થઇ જશે.
રૃરલ ઇન્ડિયાનો ટકાઉ વિકાસ થાય અને યુવાનોને ખેતી તથા પોલિટિક્સમાં રસ લેતા કરવા માટે પ્રતિપાલસિંહે ખેતી કરવાનું પસંદ કરીને આજના યુવાનોને એક નવોજ રસ્તો બનાવ્યો છે, કારણ કે આજે ખેડૂતો સામે થતી છેતરપિંડીને કારણે ખેડૂતોને એજ્યુકેટેડ અને અવેર કરવાની ખાસ્સી જરૃર છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

Thursday, December 9, 2010

માલિકો બદલાઈ ગયા પણ ભાડૂઆત તો એના એ જ

મેગા સિટી અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ જ ભાવ વધારો થયો છે. સામાન્ય રીતે એક બેડરૂમ,હોલ, કિચન ફ્લેટનું ભાડૂ ઓછામાં ઓછું ૫૦૦૦થી ચાલુ થાય છે. ત્યારે આશ્ચર્યની વાત એ છે કે શહેરના જૂના ભાડૂઆતો આજે પણ રૂ.૫ થી લઇને ૭૦-૮૦ રૂપિયા જ માસિક ભાડૂ ચૂકવીને રહે છે.
હાલની નવી પેઢીમાં લોકો આ વાતને માનવા તૈયાર નથી.


શહેરમાં આશરે એક લાખ જેટલા મકાનો એવા છેે જેનું ભાડૂ રૂ.૫,રૂ.૧૦ કે વઘુમાં વઘુ રૂ.૫૦ છે.ઘણાં મકાનોના તો માલિકો બદલાઇ ગયા છે પણ ભાડૂઆતો હજી જૂના જ છે.ચાળીસ વર્ષ પહેલાના અમદાવાદમાં માલિકો સામે ચાલીને ભાડૂઆતને બોલાવવા જતા હતા. આજે ૫૦,૦૦૦ ભાડૂ ચૂકવનારે પણ અનેક કરારો કરવા પડે છે

અમદાવાદના કોટ વિસ્તારમાં છેલ્લા ૭૫ વર્ષથી લુણસાવાડ,ઘી કાંટામાં આવેલા કે.કે. શાહના ડેલામાં રહેતા જશુભાઇ પંચાલ કહે છે કે અમારી બે પેઢી આ જૂના મકાનમાં જ વીતી ગઈ. વર્ષો પહેલા રૂ.૫ ભાડૂ હતું અને જે આજે વધીને ૧૨ રૂપિયા થયું છે. જશુભાઇ કહે છે કે, અમે ૭૫ વર્ષથી ભાડે રહીએ છે. મકાનના ત્રણ માલિકો બદલાઇ ગયા છે પણ ભાડૂઆતો હજી જૂના જ છે. અને જૂના ભાડા ચૂકવીને જ રહે છે. પહેલાના સમયમાં માલિકો ભાડૂઆતોને સામેથી રહેવા માટે બોલાવતા હતા. ૯૮ વર્ષના શાંતાબાએ પાંચ રૂપિયાના ભાડૂ ચૂકવીને આખી જિંદગી પસાર કરી છે. નિયમ પ્રમાણે તો હવે અમે જ માલિક જેવા બની ગયા છીએ.
મહાદેવવાળો વંડામાં રહેતા ૬૦ વર્ષિય કાનજી મેવાજી ૧૦ રૂપિયા ભાડૂ ભરે છે. કાનજીભાઇ કહે છે કે, મારો જનમ જ આ ભાડાના મકાનમાં થયો હતો. ઓછું ભાડૂ હોવાનું કારણ એ છે કે પહેલા ભાડૂ કમાવાનું સાધન નહોતું. જ્યારે આજે કમાવાનું સાધન બની ગયું છે.લાઈટબીલ અને મ્યુનિસિપલ ટેક્સ કરતા પણ અમારૂં ભાડૂ અનેક ગણું ઓછું છે.હું મારા જૂના મકાન માલિકનો આભારી છેું કે જેમણે મને આટલા ઓછા ભાડામાં રહેવા દીઘો.
અમદાવાદમાં મીલોના વિકાસ સાથે ચાલીઓનો પણ વિકાસ થયો હતો. ચાલીઓના વિકાસ સાથે ગામડાઓમાંથઈ આવનારા અનેક મીલમજૂરો ઓછા ભાડામાં અમદાવાદના રખિયાલ,સરસપુર,ગોમતીપુર,કાલુપુર જેવા વિસ્તારોમાં ઓછા ભાડે રહેતા. મકાન માલિકોની અનેક પેઢીઓ જતી રહી પણ ભાડૂ તો આજે પણ એટલું જ છે.
શહેરમાં ઘનવાન ભાડૂઆતો આવે તો માલિકો થોડું ભાડૂ વધારી દે છે. ૫૦ વર્ષના પહેલાના ભાડૂઆતો છે તેમનું ભાડૂ ૩૦ રૂપિયાછે. જ્યારે ૨૦-૨૫ વર્ષ જૂના છે તેમનું ભાડૂ ૧૨૫ રૂપિયા છે. માત્ર ૭૫ રૂપિયા ભાડું મૂકવતા અમે ૩૫ વર્ષથી ભાડે રહેતા વિનોદચંદ્ર સુથાર કહે ચે કે, પહેલા પૈસાનું મહત્ત્વ નહોતું પણ માણસનું મહત્ત્વ હતું.
માલિક સારા માણસો આવીને શહેરમાં વસે એ માટે ડેલાઓ અને ચાલીઓ બાંધતા. અને એક- બે રૂપિયામાં ભાડે આપતાં? આજના સમયમાં ૧૨,૦૦૦ રૂપિયા ભાડૂ ચૂકવતા પણ માલિકનો કકળાટ સાંભળવો પડે છે ત્યારે જૂના શહેરમાં લોકો ૧૦-૧૫ રૂપિયા ભાડૂ ચૂકવીને શાંતિથી રહે છે. સાથે પ્રાથમિક સુવિધાઓ પણ ભોગવે છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

અમદાવાદના લાખ્ખો સાઈનબોર્ડસનું ગુજરાતીકરણ

અમદાવાદના સી.જી. રોડની વાત હોય કે પછી એસ.જી. રોડની મોટા ભાગના રોડ પર તમને ગુજરાતી સાઇન બોર્ડનું પાટિયું ભાગ્યે જ જોવા મળશે. વૈશ્વિકરણ અને એજ્યુકેશનના કારણે આપણી ગુજરાતી ભાષાનો વપરાશ ઓછો થઇ ગયો છે. અંગ્રેજી આજના સમય માટે જરૂરી છે પરંતુ સાથે ગુજરાતી ભાષાના બોર્ડ પણ હોવા જોઇએ. ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવા અને જીવંત રાખવાના હેતુથી હવે કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શોપિંગ મોલ, સ્કીમના બોર્ડ, દુકાનો વગેરે જગ્યાએ સરકારે ફરજિયાત ગુજરાતી સાઇન બોર્ડ રાખવાનો આદેશ આપ્યો છે. જેને કારણે સાઇન બોર્ડ અને ફ્લેક્ષ બોર્ડનો વ્યવસાય ફરી ગરમી પકડી રહ્યો છે.

આમ તો અમદાવાદમાં નાના-મોટા ફેરફારો તો થતાં જ હોય છે.પરંતુ થોડા જ સમયમાં અમદાવાદના લાખ્ખો સાઈન બોર્ડનું ગુજરાતીકરણ થઈ જશે.રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે અસંખ્ય પેઈન્ટરો અને સાઈન બોર્ડ બનાવનારાઓને રાતોરાત કામનો ખડકલો થઈ ગયો છે


આ અંગે વેપારી કમલેશ ઠક્કર કહે છે કે, ઈંગ્લિશની સાથે ગુજરાતી બોર્ડ રાખવાની ખૂબ જ સારી બાબત છે. આ વાત યંગ જનરેશ માટે નવી છે કારણ કે આજે ઘણા યુવાનોને ગુજરાતી વાંચતા નથી આવડતું, તો યુવાનો પણ ગુજરાતી વાંચતા થશે. ગુજરાતી સાઇન બોર્ડ ફરજિયાત રાખવા બાબતે વેપારીઓ અને સાઇન બોર્ડ બનાવનારાઓ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તો બીજી તરફ આપણને પણ હવે અંગ્રેજી બોર્ડ વાંચવાની ટેવ પડી ગઇ છે.
ફ્લેક્ષ બોર્ડ પ્રિન્ટ કરનાર રાજેન્દ્રસિંહ ચૌહાણ કહે છે કે, ૯૦ ટકા બોર્ડ અંગ્રેજીમાં જ પ્રિન્ટિંગ કરવાના હોય છે, પરંતુ હવે સાઇન બોર્ડ અને ફ્લેક્ષ બોર્ડ બનાવનારને રાત-દિવસ કામ મળી રહેશે. સાઇન બોર્ડ અને ફ્લેક્ષ બોર્ડના બિઝનેસમાં ૫૦ ટકાનો વઘારેે થશે, કારણ કે હવે અંગ્રેજી બોર્ડ બનાવવાની સાથે ગુજરાતી બોર્ડ બનાવવાનો ઓર્ડર પણ મળશે.
ગુજરાત રાજ્ય સ્થાપનાનું સ્વર્ણિમ જયંતિ વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે ગુજરાતી ભાષાને પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓળખ મળે તેમજ ગુજરાતી ભાષા વઘુ સમૃદ્ધ થાય તે માટે સરકારનો આ પ્રયત્ન ખૂબ જ આવકાર દાયક છે.

અમદાવાદ સમગ્ર વિશ્વમાં જાણીતું શહેર છે. તેથી અહીં ફોરેનરો પણ ખરીદી માટે આવતા હોય છે. તેમને ગુજરાતીમાં તકલીફ પડે છે એટલે મોટા ભાગના બોર્ડ અંગ્રેજીમાં જ હોય છે. હવે ગુજરાતી અને અંગ્રેજી બંને બોર્ડ રાખવાથી ગુજરાતીનું ગૌરવ જળવાશે.
- કૌલાશ દવે, વેપારી

અંગ્રેજી સાઇન બોર્ડને કારણે અભણ સ્થાનિક લોકોને સોસાયટીના એડ્રેસ અને દુકાનો શોધવી મુશ્કેલ પડે છે. ગુજરાતી સાઇન બોર્ડને કારણે ગામડાના અભણ લોકો પણ સહેલાઇથી સરનામું શોધી શકશે.
- અજય જહા, વેપારી

અંગ્રેજી સાઇન બોર્ડ અને ફ્લેક્ષના કારણે જે પેઇન્ટરો બેરોજગાર બન્યા છ.ે તેઓને હવે ગજરાતીમાં લખીને રોજી-રોટી કમાઇ શકશે. હવે ગુજરાતી બોર્ડ ફરજિયાત હોવાથી સાઇન બોર્ડનો વ્યવસાય ફરીથી નવું રૂપ ધારણ કરશે.
- જીતુભાઇ ઢમઢોરે, પેઇન્ટર

ફરજિયાત ગુજરાતી બોર્ડને કારણે જે લોકો હાથ વડે લખીને બોર્ડ બનાવે છે તેઓનો વ્યવસાય ફરીથી જીવંત થશે. રસ્તા પરના નાના પેઇન્ટરોને પણ હવે ગુજરાતી સાઇન બોર્ડ બનાવવાનું કામ મળી રહેશે.
- દશરથ વાઘેલા, પેઇન્ટર
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

દરિયાઈ જીવસૃષ્ટીને બચાવવાના હેતુથી ૧૨૧ બાઈકર્સની ૨૧૫૦ કિ.મી લાંબી યાત્રા

ભારતનો ૬૦ ટકા ફીશ ઉદ્યોગ ગુજરાતના સાગર કાંઠે ધમધમી રહ્યો છે. પરંતુ ગુજરાતના સમુદ્રમાં ઓદ્યોગિકીકરણને કારણે દિવસેને દિવસે પ્રદૂષણ વધતુ જાય છે તે ચિંતાજનક બાબત છે. પ્લાસ્ટિક, ઓઇલ, કેમિકલ્સ વગેરે સમુદ્રમાં મોટા પાયે ઠલવાય છે. ેપરિણામે દરિયાઇ જીવસૃષ્ટિ જોખમમાં મૂકાઇ રહી છે. આપણી મરીન લાઇફ બચાવવાના હેતુસર રાજકોટની સ્કાઇહાઇ એડવેન્ચર ક્લબ દ્વારા કોસ્ટલ ગુજરાત મોટર બાઇક એક્સપેડિશન- ૨૦૧૧નું આયોજન કરવામાં આવ્યું છે. આ મોટર બાઇક એક્સપેડિશનમાં ગુજરાતના ૧૬૦૦ કિલોમિટર લાંબા સમુદ્રકાંઠા સહિત અન્ય વિસ્તોરોને આવરી લઈને ૨૧૫૦ કિલોમિટર જેટલા અંતર પર પહેલી જ વખત ૧૨૧ મોટર બાઇક સવારો પાંચ દિવસની રોમાંચક સફર કરશે અને રસ્તામાં આવતા ગામોમાં મરીન લાઇફ અને દરિયાઇ પ્રદૂષણ અટકાવવાની અપીલ કરશે.


આ સફર ભારતના ગણતંત્ર દિવસે ૨૬મી જાન્યુઆરી ૨૦૧૧ના દિવસે કચ્છના લખપત ખાતેથી શરૃ થશે અને ગાંધી નિર્વાણ દિન ૩૦મી જાન્યુઆરી ૨૦૧૧ની સાંજે દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં પૂર્ણ થશે. આ સફર દરમિયાન રસ્તામાં ૪૭ ગામો, ૧૧ બંદર, ૯ મંદિર અને ૭ ઐતિહાસિક સ્થળો સહિત ગીરના જંગલનો વિસ્તાર પણ આવરી લેવામાં આવ્યો છે. આ સ્થળોએ બાઇક સવારો ટૂંકુ રોકાણ કરી મરીન લાઇફ બચાવવાનો સંદેશો ફેલાવશે
આ અંગે ક્લબના પ્રમુખ ભરતસિંહ પરમાર કહે છે કે, અમારો ઉદ્દેશ બાઇક લઇને ફરવા નિકળવાનો કે પછી કમાણી કરી લેવાનો નથી પરંતુ યુવાનોની ક્રિએટિવિટીને પરફેક્ટ રસ્તો મળે તથા યુવાનોની સાહસવૃત્તિ ખીલે અને પ્રકૃતિના ખોળે ખૂંદતા થાય એવા જ ઉદ્દેશ સાથે સાગરકાંઠા પર બાઇકસફર યોજવા જઇ રહ્યા છીએ.
આ સફર ભારતના ગણતંત્ર દિવસે ૨૬મી જાન્યુઆરી ૨૦૧૧ના દિવસે કચ્છના લખપત ખાતેથી શરૃ થશે અને ગાંધી નિર્વાણ દિન ૩૦મી જાન્યુઆરી ૨૦૧૧ની સાંજે દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં પૂર્ણ થશે. આ સફર દરમિયાન રસ્તામાં ૪૭ ગામો, ૧૧ બંદર, ૯ મંદિર અને ૭ ઐતિહાસિક સ્થળો સહિત ગીરના જંગલનો વિસ્તાર પણ આવરી લેવામાં આવ્યો છે. આ સ્થળોએ બાઇક સવારો ટૂંકુ રોકાણ કરી મરીન લાઇફ બચાવવાનો સંદેશો ફેલાવશે. ઐતિહાસિક સ્થળોમાં જામનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ, ભાવનગર, દાંડી અને તીથલનો સમાવેશ થાય છે. અને મંદિરોમાં કોટેશ્વર, નારાયણ સરોવર, મંડવી, ભદ્રેશ્વર, દ્વારકા, હરસિધ્ધ માતા, સોમનાથ, તળાજા અને શુકલતીર્થનો સમાવેશ થાય છે. ભારતમાં પ્રથમ વખત ૧૨૧ બાઇક સવારો આટલી લાંબી સફર કરશે.
આ સફરમાં બાઇક સવારોને દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ અંગે ક્લબના સેક્રેટરી વીરમ વાળા કહે છે કે, દરિયાઇ જીવસૃષ્ટિને બચાવવાના સંદેશની સાથે સાથે પહેલી સફર છે. તેથી આ સફરને લીમ્કાબુક તથા ગીનીઝબુક ઓફ વર્ડ રેકોર્ડમાં સ્થાન મળે એવી શક્યતા છે.

Wednesday, December 8, 2010

ચંબલના ડાકુઓને ૬ મહિના સુધી સમજાવવાનું કાર્ય કરી ચૂકેલા અબ્દુલચાચા કહે છે, અંતે ૬૪૦ ડાકુઓએ ખુશ થઇ આત્મસમર્પણ કર્યું

ચંબલની ઘાટીનું નામ સાંભળતા જ મનમાં ડાકુનો ડર પેદા થાય. પણ જ્યારે આ જ ઘાટીનો કોઇ સભ્ય શાંતિનો સંદેશો ફેલાવે ત્યારે કેવું આશ્ચર્ય થાય? હમણાં જ મૂળ તમીલનાડુના અબ્દુલચાચા અમદાવાદની મુલાકાતે આવીને ગયા તેમણે વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ સાથે શાંતિ અંગે ચર્ચા પણ કરી. ચાચાએ અગાઉ ચંબલના જંગલોમાં ૬ મહિના સુધી ડાકુઓ સાથે રહીને તેમને સમજાવવાનું કાર્ય કર્યું હતું.

સર્વોદય વિચારસરણી ધરાવતા અબ્દુલચાચા તેમની સાથે બે જોડી કપડા, રેંટિયો અને ડેવલપમેન્ટને લગતા પુસ્તકો રાખે છે. યુવાનો સાથે સમય વિતાવવો તેમને વધારે ગમે છે. અમદાવાદ વિદ્યાપીઠમાં તેમણે વિદ્યાર્થીઓ સાથે પોતાના અનુભવો શેર કર્યા અને આજના યુથને દરેક ક્ષેત્રમાં શાંતિ કેવી રીતે જાળવવી તે સમજાવ્યું

૧૯૬૦- '૭૦ના દાયકામાં ચંબલ ઘાટીમાં ડાકુઓનો સૌથી વધુ ત્રાસ હતો. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર અને રાજસ્થાનની બોર્ડર પર આવેલી ચંબલ નદીની ઘાટીઓ અને ડુંગરાઓ ડાકુઓ માટે પ્રખ્યાત છે. ૧૯૭૨માં સર્વોદય નેતા જયપ્રકાશ નારાયણે ચંબલના ડાકુઓની શરતો જાણવા અને આત્મસમર્પણ કરાવવા ડાકુઓ સાથે વાતચીત કરવા માટે એક ટીમ બનાવી હતી. આ ટીમમાં અબ્દુલચાચા પણ હતા. ૬૬ વર્ષના અબ્દુલચાચા અત્યારે ભારતના અનેક સ્થળોએ ફરીને શાંતિનો સંદેશો યુવાનોને આપી રહ્યા છે.
અબ્દુલચાચા સાથેની વાતચીતમાં ચંબલના જંગલમાં ડાકુઓ સાથે પોતાને થયેલા અનુભવો વિશે રસપ્રદ વાત કરી હતી. ચાચા કહે છે કે, જનતા ડાકુઓ સાથે હતી, પોલીસ સાથે નહોતી. ચંબલ ઘાટીમાં વાતચીત કરવા માટે અમારી ટીમ છ મહિના સુધી જંગલમાં પુરાઇ ગઇ. અને અંતે ૬૪૦ ડાકુઓએ એક સાથે અમારી વાતચીતના કારણે આત્મ સમર્પણ કરવાનો નિર્ણય લીધો હતો. વધુમાં ચાચા કહે છે કે, માધોસિંહ પર ૨૦ લાખનું ઇનામ હતું. જ્યારે મોરસિંહ પર ૪૦ લાખનું ઇનામ હતું. માધોસિંહ પાસે ૮૦ વ્યક્તિઓની ટોળકી હતી. આ ટોળકી પોલીસ યુનિફોર્મમાં સજ્જ થઇને આધુનિક હથિયાર સાથે પોલીસની ગાડી લઇને જ લૂંટફાટ કરવા નીકળતી હતી.
જ્યારે મોરસિંહની ગેંગમાં ૭૦ વ્યક્તિઓ હતા. મોરસિંહ દરેક જગ્યાએ પોતાના જાસુસો ગોઠવીને હુમલો કરવાની અને લૂંટફાટની યોજનાઓ બનાવતો હતો. જ્યારે આ ડાકુઓએ સમર્પણ કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે સરકાર સામે ૪ શરતો મૂકી હતી. પ્રથમ શરત એ હતી કે તેઓને હાથમાં બેડીઓ નહીં પહેરાવવામાં આવે. બીજી શરત એ હતી કે તેમના પર જે ચોરી, લૂંટફાટ વગેરેના આરોપો છે તે બધાં પર એક જ કેસ ચલાવવામાં આવે. ત્રીજી શરત તેમના પરિવારના સભ્યોને પ્રોટેક્શન આપવાની હતી અને છેલ્લી શરત તેમના પરિવાર માટે આમદની અને રેશનની વ્યવસ્થા કરવાની હતી.
૭૦ ગેંગના કુલ ૬૪૦ ડાકુઓ માટે ખાસ આત્મસમર્પણનો પ્રોગ્રામ થયો હતો. જેમાં ડાકુઓ સ્ટેજ પર હથિયાર મૂકી સમર્પણ કરતા હતા. તેમને ગ્વાલિયરની જેલમાં લઇ જવામાં આવ્યા અને તેમના માટે ખાસ કોર્ટની રચના કરી. જેમાં કોઇને ૨ વર્ષ કોઇને ૫ વર્ષની સજા થઇ. ઘણાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા તો ઘણાને આજીવન કેદ થઇ હતી. તેમના માટે ૧૦૦ એકર જમીનમાં ઓપન જેલ બનાવવામાં આવી અને ત્યાર પછી તેઓ જેલમાં જ પોતાના પરિવાર સાથે ખેતી કરતા હતા. સમય જતા આજીવન કેદની સજાને પણ માફ કરવામાં આવી. અને તેમને જમીન આપવામાં આવી તો કેટલાકને મિલેટ્રીમાં સ્થાન આપવામાં આવ્યું અને કેટલાકને પરિચિત કંપનીમાં કામ આપવામાં આવ્યું. ચાચા કહે છે કે, આ ડાકુઓ તો પવિત્ર લોકો હતા, કારણ કે તેમણે ભલે અત્યાચારો કર્યા પણ પછી પશ્ચાતાપ કરીને આત્મસમર્પણ કર્યું એ બહું મોટી ઘટના હતી. મહત્ત્વની વાત એ છે કે આ બધા ડાકુઓ પર ૨૦૦થી લઇને ૪૦૦ સુધી લૂંટના કેસ હતા પણ આ ડાકુઓ સ્ત્રીઓને ક્યારેય હેરાન કરતા નહીં અને એક પણ રેપિંગ કેસ થયો નહોતો. અત્યારે અબ્દુલચાચા મહારાષ્ટ્રના જલગાંવમાં જૈન ઇરિગેશન કંપની સાથે રૃરલ ડેવલપમેન્ટનું કાર્ય કરે છે. સાથે આંતરભારતી સંસ્થા દ્વારા સમગ્ર ભારતમાં ફરીને યુવાનો સાથે કામ કરે છે. ભારતના દરેક રાજ્યનો પરિચય ચાચાને છે. નક્સલવાદીઓ સાથે પણ ચાચા તેમના પ્રશ્રો જાણીને સમર્પણ કરાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. સર્વોદય વિચારસરણી ધરાવતા અબ્દુલચાચા તેમની સાથે બે જોડી કપડા, રેંટિયો અને ડેવલોપમેન્ટને લગતા પુસ્તકો રાખે છે. યુવાનો સાથે સમય વિતાવવો તેમને વધારે ગમે છે.

Tuesday, December 7, 2010

સાચા સંબંધની વાત કરતું નાટક 'નેવર પ્લાનિંગ ફોર ડાર્લીંગ'

અમદાવાદના જયશંકર સુંદરી નાટય હોલામાં ગુજરાત રાજ્ય નાટય એકેડેમી દ્વારા નાટય કોમ્પિટિશન ચાલી રહી છે. જેમાં સમગ્ર રાજ્યના જુદા જુદા શહેરો અને સ્થળોએથી અનેક નાટય ગુ્રપો ભાગ લઇ રહ્યા છે. સુરતથી પરફોર્મ કરવા માટે આવેલા દીપ આર્ટ ગુ્રપે 'નેવર પ્લાનિંગ ફોર ડાર્લિંગ' નામનું કોમેડી નાટક ભજવ્યું.


અત્યારે થિયેટરમાં કોમેડીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદના જયશંકર સુંદરી હોલ ખાતે ચાલી રહેલી નાટય સ્પર્ધામાં લીવ ઈન રિલેશનશીપ અને કોન્ટ્રાક્ટ મેરેજ પર કટાક્ષ કરતા સુરતના નાટક 'નેવર પ્લાનિંગ ફોર ડાર્લિંગ' એક નવો ટ્રેન્ડ સેટ કર્યો

અત્યારે લીવ ઇન રિલેશનશીપ અને કોન્ટ્રાક બેઝ મેરેજ પર દરેક વર્તુળોમાં ફાયદા અને ગેરફાયદાની ચર્ચા ચાલી રહી છે.નાટક નેવર પ્લાનીંગમાં સંબંધના આવા સસ્તા સ્વરુપ પર કટાક્ષ કરવામાં આવ્યો છે. નાટકમાં કુલ નવ કેરેક્ટર જે પતિ- પત્ની વચ્ચેના પ્રેમ અને કડવાશની આસપાસ ફર્યા કરે છે. અમેરિકામાં રહેતા એક ધનવાન બાપનો છોકરો ઇન્ડિયન કલ્ચર પર થિસિસ કરવા માટે ઇન્ડિયા આવીને વસે છે. ત્યાર પછી છોકરો પોતાના ફ્રેન્ડ સાથે દારૃ અને મોઝમસ્તીમા ંચડી જાય છે. અહીંથી નાટકમાં નવો જ ટર્ન આવે છે. પછી છોકરો બે વર્ષ માટે કોન્ટ્રાક મેરેજ કરે છે. અહીંથી કોન્ટ્રાક્ટ મેરેજ અને સાચા મનથી સર્જાયેલા સંબંધની વાત શરુ થાય છે. નાટકના ડિરેક્ટર જય દિક્ષિત કહે છે કે, કોન્ટ્રાક પર કરેલી સાઇન મહત્ત્વની નથી પણ સંબંધો અને લાગણી જ મહત્ત્વની છે. પૈસામાં સંતોષ નથી. સંતોષ તો લાગણીમાંથી જ મળે છે. આ ગુ્રપના કલાકાર માર્મિક જાની કહે છે કે, સમાજના આધુનિક વિષયો પર નાટય પ્રવૃતિ થવી જોઈએ. કેમ કે નાટક જીવન જીવતા શીખવે છે. આ જ નાટકમાં ડિટેક્ટિવનો રોલ ભજવતા આનંદભાઇ કહે છે કે, ગુજરાતી રંગભૂમિ જળવાઇ રહે અને યુવાનો આવી ક્રિએટિવિટીમાં વધારે ભાગ લે એ માટે નાટયસ્પર્ધા થવી જોઈએ. માટે હાલમાં ગુજરાતી રંગ ભૂમિમાં કોમેડી પર વિવિધ અખતરા થઈ રહ્યા છે. સિરીયસ નાટકો હાલ પૂરતા થંભી ગયા છે.આવા સમયે જયશંકર સુંદરી હોલમાં ચાલી રહેલી નાટય સ્પરર્ધામાં 'નેવર પ્લાનિંગ ફોર ડાર્લિંગ' જેવા નાટકે આધુનિક સમયના સંબંધો પર કટાક્ષ કરીને પ્રેક્ષકોને સાચી દિશા બતાવવાનો પ્રયત્ન કર્યો છે.

પરફેક્ટ મેરેજ મેનેજમેન્ટમાં પારસી ફન્ડા

મેરેજની સીઝન પુર જોશમાં ચાલી રહી છે. લગ્ન-પ્રસંગમાં ક્યારેક ધાર્યા કરતાં વધારે માણસો આવી જાય તો કેટલી મુશ્કેલી પડે તેની આપણે ખબર છે.અને જો ધાર્યા કરતાં ઓછા માણસો તો અનાજનો બગાડ થાય અને ખર્ચો પણ વધારે
આવે છે. પરંતુ પારસી સમાજમાં આ અંગે કંઈક અલગ જ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે.

પારસી સમાજમાં લગ્નની કંકોત્રી સાથે ટિકિટ લગાડેલું કવર પણ મોકલવામાં આવે છે.જેમાં લગ્નમાં જવાના હોય તો હા કે ના નો જવાબ લખીને મોકલવો પડે છે. આ પ્રથા દ્વારા આયોજકને મહેમાનોની સાચી સંખ્યાનો અંદાજ આવે છે અને ભોજનનો બગાડ થતો નથી
પારસી સમાજમા ંમેરેજ, વેડિંગ અને અન્ય પ્રસંગોમાં કેટલા મહેમાનો આવશે એ ફિક્સ જ હોય છે. પારસી સમાજમાં ઇન્વિટેશન કાર્ડની સાથે અકે કન્ફોર્મેશન કાર્ડ પણ મોકલવામાં આવે છે. આ કન્ફોર્મેશન કાર્ડના કવર પર સામેની પાર્ટીનું એડ્રેસ અને ટિકિટ પણ ચોંટાડેલી હોય છે. કવરની અંદર બાળકો, વૃદ્ધો અને મેનુનું ઓપ્શન હોય છે. જો તમે જેટલા મેમ્બર મેરેજમાં જવાના હોવ એનું નામ અને વેજ- નોનવેજ મેનુ પસંદ કરીને એ કાર્ડ ફરીથી સામેની પાર્ટીને મોકલવું પડે છે. આ અંગે ઇરાચ મુનશી કહે છે કે, આ પ્રથાને કારણે સામેની પાર્ટીને કેટલા મહેમાનો આવશે અને કેટલા લોકો વેજ જમશે અને કેટલા લોકો નોનવેજ જમશે એનો અંદાજ આવી જાય છે. જો તમારા ઘરે મેરેજ કે વેડિંગનું ઇન્વિટેશન આવે તો તમે નથી જવાના તો તમારે ના જવાનું પણ કન્ફોર્મેશન તમારી સહી કરીને સામેની પાર્ટીને મોકલવું પડે છે. આવી વ્યવસ્થાને કારણે માણસો ગણવાની સહેલાઇ પડે અને અનાજનો બિલકુલ બગાડ થતો નથી. જેનાથી તમારું પ્લાનિંગ કરવાનું સરળ બની જાય છે અને મહેમાનગતિ પણ સારી રીતે કરી શકાય છે. ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારુ ંકામ પણ થઇ જાય છે. આ અંગે માલકમ બાસ્તાવાલા કહે છે કે, પારસી સમાજમાં નોનવેજ ડિશ ૪૫૦થી લઇને ૧૦૦૦ સુધીની હોય છે. જો આપણ ીગણતરી પ્રમાણે માણસો ના આવે તો જમવાનો બગાડ થાય છે. તેથી આ સિસ્ટમ અપનાવવાથી કોઇ અગવડ નથી પડતી. ગુજરાતમાં અંદાજે ૫૦૦૦થી વધારે પારસીઓ હશે અને અમદાવાદમાં કુલ ૧૭૦૦ પારસીઓની વસ્તી છે. આ અંગે ઊષા મુનશી કહે છે કે, સામાન્ય રીતે મેરેજના બે- ત્રણ દિવસ પહેલા જ કાર્ડ આપવામાં આવે છે. પરંતુ પારસી સમાજમાં એકથી દોઢ મહિના પહેલા જ ઇન્વિટેશન કાર્ડ મળી જાય છે. જેથી સામેની પાર્ટીને કન્ફોર્મેશન કાર્ડ મોકલી શકાય. આ પ્રથાને કારણે સંજોગો વસતા પાંચ-દસ માણસોનો જ ફર્ક પડે છે. બાકી બધું જ ફિક્સ હોય છે. જેથી મહેમાનોને પણ તકલીફ નથી પડતી અને આયોજક પણ સારી રીતે આયોજન કરી શકે છે. આ સિસ્ટમ અન્ય સમાજમાં પણ લવી શકાય કે કેમ ?

Sunday, December 5, 2010

અમે માર્કેટના દરેક ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છીએ

કોર્પોરેટ જગત અને સમાજને પ્રોત્સાહિત કરવા માટે અંધજન મંડળ દ્વારા વિશ્વ વિકલાંગતા દિવસ નિમિત્તે ડિસેબલ વ્યક્તિઓ માટે વિશિષ્ટ રોજગાર મેળાનું આયોજન કર્યું છે. જેમાં સમગ્ર ગુજરાતના લગભગ ૧૫૦૦થી વધારે વિકલાંગ વ્યક્તિઓ ભાગ લેશે. ખાસ કરીને સમાજમાં વિકલાંગ વ્યક્તિઓને રોજગાર મળે અને તેઓ પણ સમાજમાં પોતાનું પ્રદાન આપી શકે એ માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં પોતાની રિકવાયરમેન્ટ પ્રમાણે ૩૫ નેશનલ અને મલ્ટિ નેશલ કંપનીઓ આવી છે.
વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને કોર્પોરેટ, કોલ સેન્ટર, ડેટા એન્ટ્રી, બીપીઓ, ઓપરેટર, કેશીયર, રિસેપ્શન, કોમ્પ્યૂટર સોફ્ટવેર વગેરે જગ્યાએ સ્કીલ પ્રમાણે નોકરી મળે છે. દરેક કંપનીઓ પણ સ્કીલ પ્રમાણે જોબ અપે છે, અને વિકલાંગતાને કારણે તેમની સેલેરી પર કોઇ જ અસર નથી પડતી.

આ મેળામાં અશિક્ષિતથી લઇને બિઝનેસ મેનેજમેન્ટમાં પરંગત વિકલાંગોએ ભાગ લીધો છે. જેઓને પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ દ્વારા સારા પેકેજ સાથે જોબ ઓફર કરવામાં આવી છે. ૩-ડી એનિમેશન સોફ્ટવેર બનાવતી કંપનીના એડમિસ્ટ્રેશન મેનેજર વર્ષા ગજ્જર કહે છે કે, અમે દર વર્ષે વિકલાંગોને હાયર કરીએ છે. ૧૦ પાસ હોય અને અંગ્રેજીનું નોલજ હોય તો અમે શરૂઆતમાં ૫૦૦૦નું માસિક પેકેજ આપીએ છે. અત્યારે આ કંપનીમાં ૫૦, ૦૦૦ માસિક પેકેજ મેળવતા વિકલાંગો છે. ડિસેબલ વ્યક્તિનું કમિટમેન્ટ ખૂબજ પાવરફૂલ હોય છે. તેઓને જાણ હોય ચે કે તેમને આ કામ કરવાનું જ હોય છે.

અને તે બહુ સારી રીતે એ કામ પાર પણ પાડે છે. આ મેળામાં આવેલ હેન્ડિકેપ હર્ષદ પરમાર કહે છે કે, એક હેન્ડિકેપ તરીકે પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ અમને જે ચાન્સ આપે છે એ જ મહત્ત્વનું છે. જે વિકલાંગ વ્યક્તિઓને જોબ નથી મળી અને જેને જોબની જરૂર છે એવા વ્યક્તિ માટે આ મેળો વરદાનરૂપ સાબિત થશે. ખાસ કરીને વિકલાંગોને કંપનીની જે પ્રમાણે રિકવાયરમેન્ટ હોય એ પ્રમાણે તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. જેથી રોજગારી જલદી મળી રહે. ફિઝિકલી ચેલેન્જ ધરાવતો અભિષેક સોની અત્યારે આઇટી કંપનીમં જોબ કરે છે. પરંતુ સારી કંપની અને સારી અપોર્ચ્યુનિટી મળે તે માટે અહીં આવ્યો છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

લઠ્ઠાકાંડ પર બનાવી ડોક્યુમેન્ટ્રી 'સોરી મિ. મહાત્મા'

દેશ અને દુનિયામાં ડ્રાય સ્ટટ ે તરીકેની આગવી ઓળખ ધરાવનારા ગુજરાતના અમદાવાદ શહેરમાં ૬ જુલાઇ ૨૦૦૯ના દિવસે દેશી લઠ્ઠાએ લાશોની ઢેર વરસાવી હતી. દારૃબંધી હોવા છતાં પણ ગુજરાતના ઇતિહાસમાં આ સૌથી મોટો લઠ્ઠાકાંડ સર્જાયો હતો, પરંતુ જનતાની યાદદાસ્ત ટૂંકી હોવાથી થોડા સમયમાં બધું જ ભૂલી ગઇ અને ગુજરાત ફરીથી વાઇબ્રન્ટ થઇ ગયું. ત્યારે અમદાવાદના ઉમેશ સોલંકીએ લઠ્ઠાકાંડના અકે વરસ પછી ભોગ બનેલા પરિવારોની શું સ્થિતિ છે તેના પર 'સોરી મિ. મહાત્મા' નામની ૩૪ મિનિટની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી છે. આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મને ત્રણ ભાગમાં વહેંચી દીધી છે. પ્રથમ ભાગમાં જે પરિવારના સભ્યોને દેશી લઠ્ઠો પીવામાં આવી ગયો છે તેની ખબર કેવી રીતે પડી તેનું વર્ણન કરવામાં આવ્યંુ છે. બીજા ભાગમાં જે લોકોએ લઠ્ઠો પીધો હતો તેમની સાથે હોસ્પિટલમાં કેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો તેનું વર્ણન છે. અને ત્રીજા ભાગમાં લઠ્ઠાકાંડમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારની અત્યારે શું સ્થિતિ છે તેનું વર્ણ કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં રહેતા ઉમેશ સોલંકીએ અમદાવાદમાં એક વરસ પહેલા થયેલા લઠ્ઠાકાંડમાં અસર પામેલા પરિવારોની હાલની સ્થિતિનું વણર્ન કરતી સોરી મિ. મહાત્મા નામની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી છે.
આ અંગે ઉમેશ સોલંકી કહે છે કે, આ ડોક્યુમેન્ટ્રીનું નામ એટલા માટે સોરી મિ. મહાત્મા રાખ્યું છે કે જે લોકોને ગાંધીજીનું ગૌરવ છે એ લોકો જ આજે લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલાના પરિવારોને ભૂલી ગયા છે. જ્યારે ગાંધીજી માટે બે વસ્તુ મહત્ત્વની હતી દારૃબંધી અને દલીતો પરંતુ આ લઠ્ઠાકાંડમાં ૯૦ ટકા દલીતો જ મૃત્યુ પામ્યા છે. અને મિ. શબ્દ ફક્ત ફોર્માલિટી માટે જ વાપર્યો છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

સેન્ટ ઝેવિયર્સના વિદ્યાર્થીઓએ એક દિવસ ગરીબ બાળકો સાથે વિતાવ્યો

આપણને શું મળ્યું છે અને શું નથી મળ્યું આ વાતનો હિસાબ ઘણીવાર દુઃખી કરી નાંખે છે. ઘણીવાર બાળકોમાં પણ આવા પ્રશ્ન સર્જાય છે. સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ,લોયેલા ખાતે શાળાના બાળકોએ એક દિવસ તેમની શાળામાં સ્લમ વિસ્તારના બાળકોને બોલાવીને એક દિવસ તેમની સાથે ગાળ્યો હતો.
આ મેળામાં લોયલા સ્કૂલના ૩૫૦ બાળકોએ ૪૦ સ્ટોલ ઊભા કરીને સ્લમ વિસ્તારના બાળકો માટે રમતો અને ઇનામોની વ્યવસ્થા કરી હતી. આ આનંદ મેળામાં ગરીબના બાળકોને લોયલા સ્કૂલના બાળકોએ વિવિધ પ્રકારની વસ્તુઓ ભેટમાં આપી હતી.


સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ,લોયેલા ખાતે શાળાના બાળકોએ એક દિવસ તેમની શાળામાં સ્લમ વિસ્તારના બાળકોને બોલાવીને એક દિવસ તેમની સાથે ગાળ્યો હતો.


જેઓ માટે પોતાનું બાળપણ માણવું એ એક સ્વપ્ન છે. એવા બાળકોએ આનંદમેળામાં વિવિધ રમતો રમી અને ઇનામો મેળવ્યા હતા. ઇન્દિરાનગરના સ્લમ વિસ્તારમાં રહેતી કોમલ વાઘેલા કહે છે કે, અમે ક્યારેય રમકડાં પણ જોયા નથી ત્યારે લોયલા સ્કૂલના બાળકોએ અમારા માટે આનંદમેળામાં જે રમતો રમાડી અને ઇનામો આપ્યા તેનાથી હું ખૂબ જ ખૂશ છું.
લોયલા સ્કૂલના બાળકોએ પોતાના પૈસાથી ગરીબ વર્ગના બાળકોને ઇનામો આપ્યા હતા. લોયલા સ્કૂલમાં અભ્યાસ કરતી ક્ષમા શાહ કહે છે કે, અમે આ બાળકોને પેન્સિલ, ચોકલેટ, રમકડાઓ વગેરે આપ્યા છે.
જેનાથી અમને પણ કંઇક કન્ટ્રીબ્યૂટ કરવાનો આનંદ મળ્યો હતો. આ ઉપરાંત બાળકોએ સરકસ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને સમૂહ ભોજનનો પણ આનંદ માણ્યો હતો અને છેલ્લે આઇસક્રીમની મજા માણીને બાળકો બાળદિનની યાદો સમેટીને છૂટા પડયા હતા.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

રેલવે એન્જિન ડ્રાઇવરની જિંદગીમાં એક ડોકિયું

આપણને વર્ષના ૩૬૫ દિવસ ટાઇમસર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતી રેલવેના એન્જીન ડ્રાઇવરો સામાજિક લાઇફમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આમ આદમીથી લઇને સમાજના દરેક વર્ગના લોકો રેલવેની મુસાફરી કરે છે. બીજી તરફ મુસાફરી માટે રેલવે સૌથી સસ્તુ સાધન છે. પરંતુ આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ એ રેલવેનો ડ્રાઇવર કોણ છે, એ પણ આપણે જાણતા નથી. અને ક્યારેય જાણવાની કોશીશ પણ કરતા નથી. બસ કે રીક્ષામાં મુસાફરી કરતી વખતે આપણે ડ્રાઇવર સાથે કંઇના કંઇ વાતચીત કરીએ છીએ. પરંતુ રેલવેના ડ્રાઇવર સાથે તમે ક્યારેય વાતચીત કરી છે? પરંતુ એક નાનકડા ડબ્બામાં એકલતાભરી જિંદગી ગુજરાતા રેલેવના ડ્રાઇવરને મળવાનો મોકો મળે તો મળવા જેવું છે.

આખી જીંદગી પ્લેટફોર્મ અને પાટા વચ્ચે જ પૂરી થઈ જાય છે જો ડ્રાઇવરો પર પ્રેશર ઓછું કરવામાં આવે અને મેનેજમેન્ટ તરફ ધ્યાન આપીને માનસિક શાંતિથી કામ કરાવવામાં આવે તો માનવ સર્જિત રેલવે અકસ્માતમાં૫૦ ટકાનો ઘટાડો થઇ શકે છે.


તેમની વાત સાંભળ્યા પછી તમને તમારી લાઇફમાં કોઇ જ પ્રશ્ર નહીં રહે. જાણે વર્ષોથી તેમની સાથે કોઇએ વાત ના કરી હોય એવી રીતે સહજતા અને લાગણપૂર્વક એ તમારી સાથે વાત કરશે. છેલ્લા ૨૦ વર્ષથી રેલવેમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા સુભાષભાઇ કહે છે કે, રેલવેના ડ્રાઇવરો સતત પ્રેશર હેઠળ કામ કરે છે. રેલવેના ડ્રાઇવરની લાઇફ બહુ નિરસ હોય છે. જીવનમાં કોઇ પણ પ્રકારની ક્રિએટિવિટી રહેતી નથી. રેલવેના ડ્રાઇવરોની ડયૂટીનો સમય ક્યારેય ફિક્સ હોતો નથી. ગમે ત્યારે ફોન આવે એટલે ૨ કલાકમાં ટિફિન તૈયાર કરીને ડયૂટી પર પહોંચી જવું છે. એક વાર ઘરેથી નિકળ્યા પછી તે પાછો ક્યારે ઘરે પરત ફરશે તેની ખબર હોતી નથી. ક્યારેક બે દિવસ સુધી પણ ડ્રાઇવિંગ કરવું પડે છે.
રેલવેના ડ્રાઇવરો પોતાની જિંદગી રેલવેના પર અને એકલતામાં જ વિતાવે છે. તેમના જીવનમાં કોઇ જ પ્રકારનો ઉત્સાહ કે આનંદ હોતો નથી. રેલવેના ડ્રાઇવરોને ખૂબ જ ઓછો રેસ્ટ આપવામાં આવે છે. વાર તહેવાર અને સામાજિક પ્રસંગોમાં પણ તે હાજરી આપી શકતા નથી. જો સામાજિક પ્રસંગોમાં રેલવેના ડ્રાઇવરો કાર્યશીલ રહી શકે એટલો ટાઇમ તેમને આપવામાં આવે તો તેમનું જીવન ૫૦ ટકા સુધરી શકે એમ છે. રેલવેમાં સેન્ટિંગ કામ કરતા સુધીરભાઇ કહે છે કે, જો ડ્રાઇવરો પર પ્રેશર ઓછું કરવામાં આવે અને મેનેજમેન્ટ તરફ ધ્યાન આપીને માનસિક શાંતિથી કામ કરાવવામાં આવે તો માનવ સર્જિત રેલવે અકસ્માતમાં ૫૦ ટકાનો ઘટાડો થઇ શકે છે. અને રેલવે તથા મુસાફરોની સલામતી વધુ મજબૂત બનશે. બીજી તરફ રેલવેમાં વધુમાં વધુ ૧૫ ટકા ડ્રાઇવરો જ ગુજરાતી હોય છે. મોટા ભાગના ડ્રાઇવરો યુપી, બિહાર અને રાજસ્થાનના જ જોવા મળે છે.

મેરેજ એન્ટરટેઈન્મેન્ટ દ્વારા માનવ સેવા

નાનાપણથી જ ડાન્સિંગ અને વિવિધ સ્ટન્ટ કરવાના શોખીન ૧૪ વર્ષના રોમાન ગરીબો માટે ડાન્સિંગ શો કરવાનું શરૂ કર્યું છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રોમાને ૮થી ૧૫ વર્ષના છોકરાઓનું ૮ વ્યક્તિનું એક ગુ્રપ બનાવ્યું છે. અને આ ગુ્રપ વિવિધ જગ્યાએ ડાન્સ અને સિંગિગ શો યોજીને જે પૈસા આવે તે પૈસાથી ગરીબોને ખાવા-પીવાની વસ્તુઓ લઇને આપે છે. ૩ મહિના પહેલા એક અકસ્માતમાં રોમાનના મમ્મીનું મૃત્યુ થવાથી રોમાને નક્કી કર્યું કે હવે હું ગરીબો માટે શો કરીને ગરીબોની સેવા કરીશ. ત્યાર પછી રોમાને પોતાના જેવા ૭ છોકરાઓને ડાન્સિંગની ટ્રેનિંગ આપી અને ગરીબો માટે શો કરવાનું ચાલુ કર્યું. મેરેજ, પાર્ટી વગેરે જગ્યાએ ઓર્ડર મળે એટલે રોમાનનું ગુ્રપ પર્ફોમ કરવા પહોંચી જાય છે અને જે પૈસા મળેએ પૈસાથી ગરીબોને દાન આપે છે.
ગરીબોને મદદ કરવાના હેતુસર જમાલપુરના યુવા ડાન્સરોનું ગુ્રપ કોઈપણ પ્રકારની અપેક્ષા વગર લગ્નોમાં સ્ટન્ટ અને ડાન્સ કાર્યક્રમનું આયોજન કરે છે. તેમના કાર્યક્રમની આવકમાંથી આ બાળકો ગરીબોને મદદ કરે છે

રોમાન કહે છે કે, ગરીબો આવા શોના કરી શકે એટલા માટે અમે ગરીબો માટે શોે કરવાનું શરૂ કર્યું છે. આ ગુ્રપ ગરીબોના ઘરે મફત શો કરવા માટે પણ જાય છે. આ ગુ્રપના બધા છોકરા અમીર ઘરના છે. જ્યારે એક જ છોકરો મુનાફ છીપા ગરીબ છે. ૭માં ધોરણમાં અભ્યાસ કરતો મુનાફ કહે છે, હું પોતે ગરીબ છું એટલે મને ગરીબોની સેવા કરવાનો અદ્ભૂત આનંદ આવે છે, અને શોમાંથી જે પૈસા મળે એમાંથી મને પણ થોડા પૈસા મળી રહે છે. આ ગુ્રપના બધા છોકરા અભ્યાસ કરવાની સાથે સાથે ગરીબોની સેવા કરવાનું કાર્ય કરે છે.
આ ગુ્રપ દર મહિને ૧૦થી પણ વધારે શો કરે છે. આ ગુ્રપને એક શોમાં ૨૦૦૦થી લઇને ૧૦,૦૦૦ સુધી રૂપિયા મળે છે. ૧૦માં ધોરણમાં અભ્યાસ કરતો અને આ ગુ્રપમાં પર્ફોમ કરતો ફઇમ શેખ કહે છે કે, અમારે પૈસાની જરૂર નથી એટલે અમે ડાન્સ અને સ્ટન્ટના વિવિધ શો કરીને અમારી ક્રિએટિવિટીને આગળ લઇ જવાની સાથે સાથે સેવાનું પણ કાર્ય કરીએ છીએ.
આ ગુ્રપે શો કરવા માટે ખાસ પ્રકારના કપડા અને જરૂરી સાધન સામગ્રી પણ પોતાના ખર્ચે જ વસાવ્યા છે. રોમાનને ડાન્સ અને સ્ટન્ટનો એટલો બધો શોખ છે કે તેણે અભ્યાસ કરવાનું છોડીને માત્ર ડાન્સ શીખવાનું જ કામ ચાલુ કર્યું છે. જો કોઇ ગરીબ પરિવારમાં કોઇ પ્રસંગ હોય તો આ ગુ્રપ ગરીબોની ખુશી માટે એક પણ પૈસો લીધા વિના મફત શો કરવા માટે પણ જાય છે.

ટીવી ચેનલોનું સેલ્ફ રેગ્યુલેશન હોવું જોઇએઃ આશા પારેખ

સીટી પલ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ફિલ્મ્સ એન્ડ ટેલિવિઝન દ્વારા ગાંધીનગર ખાતે ભારતના સંગીત વારસાને રજૂ કરતા 'બાજા ગાજા ફિલ્મ ફેસ્ટિવલ'નું ઉદ્ઘાટન કરવા માટે આવેલા પ્રથમ ગુજરાતી સુપરસ્ટાર અને ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ આશા પારેખે આજની ફિલ્મો વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.


રિયાલિટી શો વેસ્ટર્ન કલ્ચર પર આધારિત હોવાથી આપણી સંસ્કૃતિ અને સભ્યતા માટે આવા શો બરોબર નથી.

ગુજરાતી પોશાકમાં સજ્જ આસા પારેખે રિયાલિટી શો વિશે ગુજરાતીમાં જ મન મૂકીને વાત કરી હતી. આશા પારેખે કહ્યું કે ટીવી પર દર્શાવવામાં આવતા રિયાલિટી શો પર સેન્સર હોવું જોઇએ. પ્રાઇમ ટાઇમમાં આવા શો દેખાડવા જોઇએ નહીં. રિયાલિટી શો વેસ્ટર્ન કલ્ચર પર આધારિત હોવાથી આપણી સંસ્કૃતિ અને સભ્યતા માટે આવા શો બરોબર નથી.બીજી તરફ ટીવી ચેનલોનું સેલ્ફ રેગ્યુલેશન પણ હોવું જોઇએ.
ફિલ્મો વિશે વધુ વાત કરતા આશા પારેખે કહ્યું કે આજની ફિલ્મો ગ્લોબલાઇઝ બને છે. ફિલ્મોનું શૂટિંગ વિદેશમાં કરવામાં આવે છે, અને અંગ્રેજીનો ઉપયોગ વધી ગયો છે. ત્યારે કેટલીક સારી ફિલ્મો જે રિલીજ થઇ શકતી નથી તે ફિલ્મો દર્શકોને આવા ફેસ્ટિવલમાં જોવા મળે છે. તેથી દરેક જગ્યાએ ફિલ્મ ફેસ્ટિવલનું વધારેમાં વધારે આયોજન કરવું જોઇએ.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

પોળોમાં સચવાયેલી ઇટાલિયન સિલિંગ આર્ટ

મેગા સિટી તરીકે ઓળખાતા અમદાવાદની સાચી ઓળખ તેની પોળોની વિશેષતા જ છે. સમગ્ર અમદાવાદમાં વર્લ્ડ હેરિટેજ વીકની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે, ત્યારે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલો મોટો સુથાર વાડો ઘર નં. ૧૮૭૧માં ૧૬મી સદીની ઇટાલિયન કલાના અદ્ભૂત દર્શન થાય છે. મોટા સુથાર વાડામાં આવેલા ૧૮૭૧ નંબરના હેરિટેજ હાઉસમાં ૧૬મી સદીની ઇટાલિયન સ્ટાઇલની સિલિંગ હેરિટેજ વીકમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલો મોટો સુથાર વાડો ઘર નં. ૧૮૭૧માં ૧૬મી સદીની ઇટાલિયન કલાના અદ્ભૂત દર્શન થાય છે. મોટા સુથાર વાડામાં આવેલા ૧૮૭૧ નંબરના હેરિટેજ હાઉસમાં ૧૬મી સદીની ઇટાલિયન સ્ટાઇલની સિલિંગ હેરિટેજ વીકમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ સિલિંગ ભારતમાં બીજે ક્યાંય જોવા મળતી નથી. ગુજરાત સિવાયના રાજ્યો અને ફોરેનરો પણ આ સિલિંગની અચૂક મૂલાકાત લેશે. ૨૦૦ વર્ષ પહેલા બનાવવામાં આવેલી આ સિલિંગમાં ૧૬મી સદીની ઇટાલિયન કલાને કંડારવામાં આવી છે. સિલિંગની સાથે કલાત્મક ઇટાલિયન સ્ટેચ્યુ, ફેંગશૂઇ ડ્રેગન, ઇટાલિયન સ્ટાઇલ્સ વગેરે આકર્ષણનું કેન્દ્ર છે.
આ ઉપરાંત ગ્લાસીસ ખાસ બેલ્જિયમથી મંગાવવામાં આવેલા છે. આ ગ્લાસને આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેમનો કલર ઝાંખો પડયો નથી. જે આજે મળવા મુશ્કેલ છે. આ હેરિટેજ હોમમાં રહેતા જગદીપ મહેતા કહે છે કે આ ઘરનું રિસ્ટોરેશન ફ્રેંચ ગવર્નમેન્ટ અને હેરિટેજ ડિપાર્ટમેન્ટે કરેલું છે, અને અમે આ વારસાને સાચવવાનો પ્રયત્ન કર્યો છે. પોળોમાં જે વસ્તુઓ હતી તે આજે બનાવવી શક્ય નથી. આ વસ્તુઓ બનાવવા માટે બર્માટિક સાગ-સીસમનું લાકડું વાપરવામાં આવતંંુ. ઉત્તમ પ્રકારના કાચ અને સ્ટાઇલ્સ ફોરેનથી મંગાવવામાં આવતા હતાં.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

હેરિટેજ ડેની શરૂઆત દેસાઇની પોળથી થઇ હતી

પ્રથમ સુતરની મિલની ભેટ (૧૮૬૧), પ્રથમ મ્યુનિસિપાલિટીના પ્રમુખ (૧૮૫૫), પ્રથમ ગટર- પાણીની યોજના (૧૮૯૦) અને પ્રથમ હેરિટેજ ડેની શરૂઆત પણ ૧૯૯૬માં દેસાઇની પોળમાંથી થઇ હતી. ઇ.સ. ૧૯૨૧માં ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ દેસાઇની પોળના વખાણ કરવામાં આવ્યા હતા.

વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી પ્રસંગે અમદાવાદને ૬૦૦ વર્ષ પૂરા થયાના ભાગરૂપે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે સૌ પ્રથમ હેરિટેજ દિવસની ઉજવણી ક્યારથી અને ક્યાંથી થઇ હતી? અમદાવાદમાં સૌ પ્રથમ વારસાદિન દેસાઇની પોળે ઉજવ્યો હતો. ૧૯ નવેમ્બર ૧૯૯૬ના રોજ અમદાવાદમાં ખાડિયામાં આવેલી દેસાઇની પોળે સ્વાતંત્ર્ય સેનાની સતેન્દ્ર પ્રસાદ કેશવલાલ મહેતાના (સતુકાકા) સાનિઘ્યમાં સૌ પ્રથમ હેરિટેજ દિવસ ઉજવ્યો હતો.

આ પ્રસંગે સતેન્દ્રપ્રસાદના પુત્ર હિમાંશુ મહેતા એ દિવસને યાદ કરતા કહે છે કે, આપણને મળેલો આ ભવ્ય વારસો માત્ર સંપતિ જ નહીં પરંતુ સાંસ્કૃતિક વિરાસત છે. કાષ્ટની સુંદર હવેલીઓના કોતરકામ જુદા જુદા ક્ષેત્રમાં ઘટેલી અનેક ઘટનાઓ, તેમજ તેની સાથે વણાયેલી વાતો, જુદા જુદા ક્ષેત્રમાં પ્રદાન આપી કીર્તિ મેળવનાર નામાંકિત વ્યક્તિઓ સાથે જોડાયેલ અનેક દંત કથાઓ આ વારસામાં છુપાયેલી પડી છે.

અને આ વારસાને પામવાનો એક સનિષ્ઠ અને પ્રથમ પ્રયાસ દેસાઇની પોળે કર્યો હતો. પ્રથમ સુતરની મિલની ભેટ (૧૮૬૧), પ્રથમ મ્યુનિસિપાલિટીના પ્રમુખ (૧૮૫૫), પ્રથમ ગટર- પાણીની યોજના (૧૮૯૦) અને પ્રથમ હેરિટેજ ડેની શરૂઆત પણ ૧૯૯૬માં દેસાઇની પોળમાંથી થઇ હતી. ઇ.સ. ૧૯૨૧માં ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ દેસાઇની પોળના વખાણ કરવામાં આવ્યા હતા.

દેસાઇની પોળમાં લાકડાંની કોતરણીવાળા થાંભલા, કાષ્ટની કોતરણીવાળી બારીની નીચેનો ભાગ, બારણા, બાલ્કની, થાંભલા ઉપર ફૂલોની કાષ્ટ કોતરણી કામ, મકાન ઉપર કાષ્ટની કોતરણી, જરૂખો વગેરે વિવિધ જોવાલાયક હેરિટેજ વસ્તુઓ છે.

આ અંગે હેરિટેજ પ્રોગ્રામ એડવાઇઝર દેબાશીશ નાયક કહે છે કે, દેસાઇની પોળના રહીશો સ્વતંત્ર સંગ્રામ, સામાજિક, આર્થિક ક્ષેત્રે પ્રથમ રહ્યા છે. અને હેરિટેજ ડેની ઉજવણીમાં પણ પ્રથમ રહ્યા છે. આ વારસામાં સાંસ્કૃતિક, સામાજિક, રાજકિય અને આર્થિક બનાવોનો ખજાનો ભવ્ય ભૂતકાળમાં છૂપાયેલો છે.

ફિરોઝને જીવનસાથી મળી તો ખુરશીદાને મળ્યો જીવન સહારો

સમાજમાં જ્યારે કંઇક અલગ જ પ્રકારનો પોઝિટિવ કિસ્સો જોવા મળે ત્યારે ખરેખર માનવતા મહેકી ઊઠી હોય તેવું લાગે છે. લગ્નની સિઝનમાં ચારેય તરફ શરણાઇના સૂરો સંભળાઇ રહ્યા છે. ધીરે ધીરે લગ્નની સિઝન જામી રહી છે. ત્યારે અમદાવાદના જમાલપુરમાં આવેલા સિંધીવાડ વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ પરિવારમાં પણ કંઇક અલગ જ પ્રકારનો લગ્નનો ઉત્સાહ જોવા મળે છે, કારણ કે સિંધીવાડમાં રહેતી ખુરશીદા શેખ નાનપણથી જ પોલીયોની બીમારીને કારણે બંને પગે વિકલાંગ છે. વિકલાંગ છોકરી કે છોકરાને જીવનસાથી મેળવવા માટે ખૂબ જ પ્રયત્નો કરવા પડે છે.

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતા મહંમદ ફિરોજ શેખે પોતાની નાનપણથી ઇચ્છાને વળગી રહેતા એક વિકલાંગ જીવનસાથીની પસંદગી કરીને નિઃસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વિકલાંગોને પોતાની પાત્રતા મુજબ યોગ્ય પાત્ર મળી રહે તે માટે વિકલાંગ પસંદગી મેળાઓ પણ થતા હોય છે.
પરંતુ ખુરશીદા શેખ બંને પગે વિકલાંગ હોવા છતાં તેમના લગ્ન નોર્મલ છોકરા જોડે થવાના છે. ખુરશીદાને સપનામાં પણ એવો વિચાર નહોતો આવ્યો કે તેમના લગ્ન નોર્મલ છોકરા જોડે થશે. આજે ખુરશીદા શેખ અને મોહમદ ફિરોજ શેખ બંને લગ્નગ્રંથીથી જોડાશે. ખુરશીદા અને ફિરોજ બંને મીડલ ક્લાસ ફેમિલીમાં જીવે છે. ફિરોજની નાનપણથી એવી ઇચ્છા હતી કે પોતે કોઇ વિકલાંગ જીવનસાથીની પસંદગી કરીને તેને સહારો આપે. ફિરોજ કહે છે કે, એક વિકલાંગ છોકરીને જીવનનો સહારો મળી રહે એ માટે મે મારીજીવનસંગીની તરીકે બંને પગે વિકલાંગ હોવા છતાં ખુરશીદાને પસંદ કરી છે.

ફિરોજ ટેલરિંગનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ક્યુમ કુરેશી અને ઉસ્માન બુટવાલાના સહકાર અને પ્રયત્નોને કારણે ખુરશીદા અને ફિરોજના જીવનમાં સોનાનો ચાંદ ઉગ્યો છે.
ફિરોજ અને ખુરશીદાના લગ્નને કારણે બંને પરિવારમાં કંઇક અલગ જ પ્રકારનો ખુશીનો માહોલ જોવા મળે છે.

ફિરોજે વિકલાંગ છોકરીને પસંદ કરીને આજીવન સહારો આપવાનો જે નિર્ણય લીધો છે તે સમગ્ર વિશ્વના લોકો માટે પ્રેરણારૂપપ કાર્ય છે. ફિરોજ અને ખુરશીદાએ માનવતા અને પ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણા સમાજને પૂરું પાડ્યું છે. સમાજમાં નિઃસ્વાર્થ સેવાભાવનાનું આવું ઉદાહરણ ભાગ્યે જ જોવા મળતું હોય છે.

માંની હુંફને ઊન સાથે ગુંથવાની સીઝન શરૂ

એક રશિયન કહેવત છે કે જેની માતા સ્વેટર ગૂંથે તેના દીકરાને શરદી થતી નથી. માર્કેટમાં નાનામાં નાની વસ્તુથી લઇને દરેક પ્રકારની વસ્તુ રેડીમેડ ઉપલબ્ધ છે, તો પછી આજની સ્ત્રીઓ સ્વેટર ગૂંથવાની મથામણમાં ક્યાંથી પડે? પરંતુ આજે પણ ઘણી માતાઓ છે. જે જાતે જ સ્વેટર ગૂંથવાની પરંપરા જાળવ રાખી છે. જે ઘરમાં પહેલાના જમાનાની ગૃહિણીઓ છે તેઓ આજે પણ પોતાના ફેમિલી મેમ્બર માટે જાતે જ ગૂંથીને સ્વેટર બનાવે છે.
એક રશિયન કહેવત છે કે જેની માતા સ્વેટર ગૂંથે છે એ દીકરાને ઠંડીમાં શરદી થતી નથી. આજે રેડીમેડના જમાનામાં ઘણી ઓછી માતાઓ રહી છે જે પોતાના બાળકો માટે સ્વેટર ગુંથે.

અમદાવાદ નિર્ણયનગર વિસ્તારમાં રહેતા ૫૩ વર્ષના મંજુલાબેન પંચાલ આજે પણ પોતાના પરિવારના સભ્યો માટે ઘરે જાતે જ ગૂંથીને ઉનના સ્વેટર બનાવે છે. મંજુલાબેન કહે છે કે, મારા ઘરમાં ૭૦ વર્ષથી બહારનું સ્વેટર નથી આવ્યું. હું ૮ વર્ષની હતી ત્યારેથી જ સ્વેટર ગૂંથવાનું કામ કરું છું. સ્વેટર બનાવવા માટેના ખાસ પ્રકારના સોયા (આરી) હોય છે. જો ઉન જાડું હોય તો સોયા મોટા રાખવા પડે છે. ઉનની સાઇઝ પ્રમાણે સોયાનો ઉપયોગ કરવો પડે છે. મંજુલાબેન બસ કે ટ્રેનની મુસાફરી દરમિયાન પણ ગૂંથવાનો સામાન જોડે જ રાખે છે.

અને મુસાફરી દરમિયાન પણ ગૂંથવાનો સામાન જોડે જ રાખે છે. અને મુસાફરી દરમિયાન પણ સ્વેટર ગૂંથણ કરે છે. આ અંગે સ્વેટરના વેપારી ગુણવંતભાઇ કહે છે કે, રેડીમેડ વસ્તુના જમાનામાં પણ હાથથી ગૂંથેલા સ્વેટરની ડિમાન્ડ ખૂબ જ છે. સ્વેટર ગૂંથણ એક કલા અને આજીવિકા બંને છે. આ સ્વેટરની કિંમત ઉનની ક્વોલિટી પ્રમાણે હોય છે.

હાથથી ગૂંથેલા સ્વેટરની ગુંથણી વઘુ બારીક હોવાથી મશીનના સ્વેટરની આયુષ્ય કરતા વઘુ હોય છે.હાથે બનાવેલા સ્વેટરનું ફીટીંગ વઘુ યોગ્ય હોય છે.

અત્યારે ૪૦ રૂપિયાથી લઇને ૧૦૦ રૂપિયા સુધીનું ૧૦૦ ગ્રામ ઉન મળે છે. સામાન્યરીતે ગૃહિણી ઘરના કાની સાથે સાત દિવસમાં એક સ્વેટર બનાવી શકે છે. જો ડિઝાઇનવાળું હોય તો ૧૫ દિવસ પણ લાગે છે. આ સ્વેટરની કિંમત તેના વજન ઉપર હોય છે. અને મજૂરી પણ વજન ઉપર મળે છે. ૧૦૦ ગ્રામ ઉન ગૂંથવાની મજૂરી ૩૫થી ૫૦ રૂપિયા સુધીની છે. સામાન્ય રીતે હાથથી ગૂંથેલુ એક સ્વેટર ૩૦૦થી ૩૫૦ રૂપિયામાં તૈયાર થઇ જાય છે. જે માર્કેટમાં ૫૦૦થી ૭૦૦ રૂપિયા સુધીમાં મળે છે.

આ ઉપરાંત હાથે સ્વેટર નીટીંગ કરવાનો પણ એક સાયકોલોજીકલ ફાયદો છે. જેમને નબળા વિચારો આવતા હોય તેવા લોકો જો સ્વેટર ગૂંથવાનું કામ કરે તો તેમને ઘણી રાહત મળે છે. આ ઉપરાંત હાઈપર ટેન્શનના દર્દીઓ પણ પ્રમાણમાં આ ક્રિયાથી રાહત અનુભવે છે.
એકાગ્રતા વઘે છે અને ક્રિએટિવીટીનો સૌથી મોટો લાભ થાય છે એ બોનસ.

ઈન્દ્રોડા પાર્ક ખાતે ભૂકંપના વિવિઘ મોડેલ્સ મૂકાશે

સવાર- સાંજ ફુલગુલાબી ઠંડક હોય ત્યારે પ્રકૃતિની વચ્ચે ટ્રેકીંગ કરવાનું કોને ના ગમે ? આ વેકેશનમાં ઘાર્મિક સ્થળો કરતા પ્રાકૃતિક સ્થળો પ્રવાસીઓને વઘુ આકર્ષિ રહ્યા છે.પહાડો વચ્ચેની ખીણ, જંગલો, ઝરણાઓ, નદીઓ, પશુપક્ષીઓ વગેરેના સાનિઘ્યમાં પસાર કરેલી એક રાત પણ રૂટિનથી થાકેલા પ્રવાસીઓ માટે યાદગાર બની જાય છે.

વેકેશનમાં યંગસ્ટર્સ ગુજરાતમાં નવા તથા ઓફબીટ ટ્રેક્સ પર ટ્રેકિંગ કરવાનું પસંદ કરે છે આ ઉપરાંત હવે વેકેશનમાં યંગસ્ટર્સમાં દરિયાઈ મરીન ટ્રેકિંગનો ટ્રેન્ડ પણ જોવા મળે છે.

આ વર્ષે ગાંઘીનગર ખાતે આવેલા ઈન્દ્રોડા પ્રાકૃતિક ઉદ્યાનમાં દર વર્ષ કરતા ૭૦ ટકા વઘારો જોવા મળ્યો છે. પ્રકૃતિ પ્રેમીઓના સતત ઘસારાને કારણે આ વર્ષે ખાસ સિસ્મોલોજી મોડેલ્સ અને નદીઓના વર્ચ્યુઅલ મેપ્સ પણ ઈન્દ્રોડામાં મુકાવા જઈ રહ્યા છે. આ અંગે ઈન્દ્રોડા પાર્કના ડેપ્યુટી ડાયરેક્ટર એસ.બી.ગુર્જર કહે છે કે લોકોમાં ડિસ્કવરી અને નેશનલ જ્યોગ્રાફી ચેનલના કારણે પ્રકૃતિ પ્રત્યે એક અનોખી જાગુ્રતિ જોવા મળે છે. જેના કારણે આ વર્ષે માત્ર વાઈલ્ડ લાઈફ જ નહીં પરંતુ ઔષઘિય વનસ્પતિઓ,પ્રાગઐતિહાસિક યુગની માહિતી અને રેપ્ટાઈલ્સમાં લોકોને વઘુ રસ પડે છે.

આ અંગે જાણીતા ટ્રેકર રાજેન્દ્રસિંહ જાડેજા કહે છે કે, ‘વેકેશનમાં યંગસ્ટર્સ ગુજરાતમાં નવા તથા ઓફબીટ ટ્રેક્સ પર ટ્રેકિંગ કરવાનું પસંદ કરે છે આ ઉપરાંત હવે વેકેશનમાં યંગસ્ટર્સમાં દરિયાઈ મરીન ટ્રેકિંગનો ટ્રેન્ડ પણ જોવા મળે છે. તો વેકેશનમાં સાઇકલીંગના રસિયાઓ દરિયાકાંઠાના સાઇકલીંગ ટ્રેક પર સાઇકલીંગનો લ્હાવો લેવા માટે પણ જાય છે.જાબુઘોડા, પાવાગઢ, પોળોના જંગલો, ઇડર, અંબાજી,વેળાવદર, તારંગા, ધરોઈ ડેમ, જાસોર ગીરના જંગલો, પીરોટન વગેરે કારણ કે આ સ્થળોએ ટ્રેકિંગ કરવું હોય તો એક બે દિવસમાં જ પૂરું થઈ જાય છે. તેથી સમય અને પૈસા બંનેનો બચાવ થાય છે.

આ અંગે એડવેન્ચરના શોખીન ભરત જાદવ કહે છે કે, દિવાળીની રજાઓમાં યંગસ્ટર્સ ગુજરાત ઉપરાંત જયાલગઢ, પંચમઢી, આબુ, વિજયનગર વગેરે સ્થળોએ પણ ટ્રેકિંગ માટે જાય છે.’પ્રકૃતિપ્રેમી અને ટ્રેકર પ્રશાંત શાહ કહે છે કે અમદાવાદથી દોઢ એક કલાકના અંતરે આવેલું ઉત્કંઠેશ્વર મહાદેવનું સ્થળ યુવા ટ્રેકરો માટે હમણાં હમણાં જાણીતું બન્યુ છે. જ્યાં મેશ્વો નદીના કિનારે રેતીમાં ઊંટ સવારી કરવી અને નદીની કોતરો વચ્ચે ટ્રેકીંગ કરવાનો કંઈક અલગ જ આનંદ આવે છે. આ સ્થળ ઊંટડીયા મહાદેવ તરીકે વઘારે જાણીતું છે
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

યંગસ્ટર્સ વેકેશનમાં પણ એકસ્ટ્રા નોલેજ મેળવવાનું પસંદ કરે છે

યંગસ્ટર્સ અને વેકેશનની વાત આવે એટલે મોજમસ્તી અને રખડપટ્ટી. વેકેશનમાં મોટાભાગના યંગસ્ટર્સ પીકનીક, સીનેમા, ટ્રાવેલીંગ કે પછી અજાણ્યા સ્થળે ફરવા જવાનું પસંદ કરતા હોય છે. સમગ્ર વેકેશન મોજમસ્તી અને દોડધામમાં જ પુરૂ કરે છે. પરંતુ કેટલાક યંગસ્ટર્સ એવા પણ છે જેઓ દિવાળીના ત્રણ-ચાર દિવસ એન્જોય કર્યા પછી ટાઈમ વેસ્ટ કરવાને બદલે કંઈક નવું જાણવા-જોવાની તથા પોતાના નોલેજમાં વધારો કરવાના કામમાં લાગી ગયા છે.
વેકેશનમાં પિકનીક, ફિલ્મ, ટીવી જોવું વગેરેની જગ્યાએ ઘણાં યંગસ્ટર્સ એવા છે કે તેઓ વેકેશનની રજાઓનો ભરપૂર ઉપયોગ કરીને કંઈક એકસ્ટ્રા નોલેજ મેળવવાનું પસંદ કરે છે.

ટી. વાય. બીકોમમાં અભ્યાસ કરતો નિશાંત શાહ કહે છે કે, ‘હું વેકેશનમાં ટાઈમ વેસ્ટ કરવાને બદલે સારા પુસ્તકો વાંચવા, વિવિધ કોમ્પીટીટીવ એકઝામની તૈયારી કેવી રીતે કરવી તે જાણવું વગેરે કામ વેકેશનમાં પણ કરતો રહું છું.’ વેકેશનમાં યંગસ્ટર્સ એકસ્ટ્રા ઓર્ડીનરી નોલેજ મેળવવાનું વધારે પસંદ કરે છે. કોલેજોમાં વેકેશન હોવા છતાં શહેરની તથા કોલેજોની લાયબ્રેરીમાંતમને બેસવાની પણ જગ્યા નહીં મળે. શહેરની મોટા ભાગની લાઈબ્રેરીઓમાં ૭૦ ટકા યંગસ્ટર્સ જ જોવા મળશે. ઘણાં યંગસ્ટર્સ વેકેશનમાં પોતાના અભ્યાસક્રમ સિવાયનું જેટલું મેળવી શકાય એટલું જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરે છે. ટી.વાય. બી.એસસીમાં અભ્યાસ કરતી શીતલ પવાર કહે છે કે, ‘આજે કોઈ ફિલ્ડમાં માત્ર ડિગ્સીથી નથી ચાલતું. ડિગ્રીની સાથે સાથે જનરલ નોલેજ હોવું પણ એટલું જ જરૂરી છે. તેથી હું વેકેશનમાં મારો મોટાભાગનો ટાઈમ જનરલ નોલેજ મેળવવા પાછળ આપું છું.’ ઘણાં યંગસ્ટર્સ એવા પણ છે જેઓ સાયન્સની લાઈનમાં હોવા છતાં સાહિત્યમાં રસ દાખવતા હોય છે. તેઓ વેકેશનમાં લાઈબ્રેરીમાં જઈને કે બહારથી પુસ્તકો ખરીદીને વેકેશનમાં પોતાનો શોખ પૂરો કરે છે. એમ.બી.એ.માં અભ્યાસ રતો રાકેશ પટેલ કહે છે કે, ‘હું વેકેશનમાં મોટાભાગનો સમય લાઈબ્રેરીમાં વિતાવું છું. જેને કારણે મને સારા પુસ્તકો પણ મળી રહે છે અને નવા ફ્રેન્ડસ પણ મળે છે.’ વેકેશનમાં આવી રીતે ઘણાં યંગસ્ટર્સ પોતાના ફેમેલીની જવાબદારી પ્રત્યે પણ ઘ્યાન આપવાની સાથે કંઈક એકસ્ટ્રા મેળવવાનું પસંદ કરે છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

શહેરના માર્ગો પરના આસોપાલવ પાનખર પહેલા જ પાન વગરના

દિવાળીનું મીની વેકેશન લાભપાંચમના દિવસથી પુરૃં થઈ ગયું. લાભપાંચમના શુભ મૂર્હૂતમાં દરેકે પોતપોતાના વ્યવસાયની શરૃઆત કરી દીધી છે. લાભપાંચમના દિવસે સવારમાં જ આસોપાલવના તોરણની માગ સ્વાભાવિક રીતે વધી જાય છે. લગભગ દરેક રસ્તાઓ પર સવારમાંથી જ આસોપાલનના પાનના ઢગલાઓ ખડકાઈ ગયા હતા. દરેક ઘર અને દુકાનનું દ્વાર આસોપાલવવા તોરણ વગર નજરે નથી ચડતું. ત્યાં સુધી કે લોકોએ પોતાના વાહનોમાં પણ આસોપાલવના પાનના હાર બનાવીને ચડાવ્યા હતા.


લાભપાંચમના દિવસે ૬ કરોડ આસોપાલવના પાન દુકાનોના દ્વારે બંધાયા છે અને અમદાવાદીઓએ આસોપાલવના પાનના તોરણ પાછળ એક જ દિવસમાં ૬૦ થી ૭૦ લાખ રૃપિયા ખર્ચી નાંખ્યા છે.



આસોપાલવના પાનને હિન્દુ પૂજનવિધીમં પવિત્ર ગણવામાં આવે છે.આ અંગે આસોપાલવના તોરણ વેચતા મીનાબેન પરમાર કહે છે કે, 'લાભપાંચમ હોવાથી આસોપાલવની માંગમાં ૧૫૦ ટકાનો વધારો થયો છે. બીજી તરફ પાનનો જથ્થો ઓછો હોવાથી લોકો ડબલ ભાવ આપવા પણ તૈયાર હતા.' રસ્તાઓ પરના આસોપાલવના વૃક્ષો પર નજર કરતા જ આપણને જાણ થાય છે કે આસોપાલવના પાનની કેટલી ડિમાન્ડ હતી.
રસ્તા પરના ફેરિયાવાળાઓએ તકનો લાભ લેવા માટે સાંજનાસમયેજ રસ્તાઓ પરના આસોપાલવના વૃક્ષમાંથી પાન કાપી લીધા હતા અને સવારના માત્ર બે કલાકમાં જ તેઓએ આખા દિવસની કમાણી કરી લીધી હતી. એક તોરણની કિંમત સામાન્ય રીતે પાંચ રૃપિયા હતી તે ૧૦ રૃપિયાથી ૨૦ રૃપિયા સુધીમાં મળતા હતા. આ અંગે આસોપાલવના વેપારી ચંદુભાઈ કહે છે કે, 'લાભપાંચમના દિવસે લગભગ ૬ કરોડથી વધારે આસોપાલવના પાન વેચાય છે.' લાભપાંચમના દિવસે અમદાવાદીઓએ ૭૦ થી ૮૦ લાખ રૃપિયા આસોપાલવના તોરણ પાછળ ખર્ચી નાંખ્યા છે. લગભગ ૬૦ ટકા પાન શહેરના રસ્તાઓ પરના આસોપાલવના વૃક્ષોએ પૂરા પાડયા હતા. રસ્તાઓ પરના મોટાભાગના આસોપાલવના વૃક્ષો પાનખર પહેલા જ પાન વગરના થઈ ગયા છે. તો બીજી તરફ ફેરીયાવાળાઓએ પણ લાભપાંચમની તકનો બરોબર લાભ લીધો છે.
આ અંગે ફૂલના વેપારી મહેશભાઈ રબારી કહે છે કે, માત્ર ૪૦ ટકા પાન જ બહારથી આવે છે. મોટા વેપારીઓ જ બહારથી પાન મંગાવે છે. જ્યારે નાના ફેરીયાવાળાઓ તો શહેરમાંથી જ પાનનો જથ્થો મેળવી લે છે. લાભપાંચમના દિવસે ફેરિયાવાળાઓને આસોપાલવના પાને જ લાભ કરાવી દીધો છે. હવે જોવાનું એ રહ્યું કે આસોપાલવના તોરણ ખરીદરનારને કેટલો લાભ મળશે...?
આમ તો આસોપાલવને આયુર્વેદમાં અશોક વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. અશોક એટલે જે શોકને દૂર કરે.આસોપાલવ એક પ્રકારનું નેચરલ ટ્રાક્વિલાઈઝર તરીકે કામ કરે છે.જેના સેવનથી મન શાંત થાય છે. પરંતુ તેના ઉંડાણમાં ન પડતા લોકો માત્ર તેના તોરણ બનાવીને આવનારા દિવસોમાં આ વૃક્ષનું નિકંદન ના કાઢી નાંખે તો સારું. શહેરના મુખ્ય માર્ગેમાં રાત્રે ખુલ્લે આમ આ વૃક્ષના પાંદડા ખેરવીને તેને ખોખલું બાનાવનારા તત્ત્વો લોકોની ટેમ્પરરી ધાર્મિક લાગણી તો સંતોષે છે પરંતુ આ વૃક્ષના ખરા ં ધાર્મિક મહત્ત્વને ઠેસ પહોંચાડે છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

તહેવારના દિવસોમાં ઈટિંગ આઉટ માટે જબરજસ્ત રશ્શ

દિવાળીના તહેવારમાં હોટલ બિઝનેસમાં જોરદાર ઈન્ક્રીમેન્ટ જોવા મળ્યું છે. લોકો તહેવારના દિવસે ઘરે જમવાને બદલે હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવાનું વધારે પસંદ કરે છે. દિવાળી પહેલા જ હોટલ અને રેસ્ટોરન્ટનું બુકિંગ ફૂલ થઇ ગયું હતું. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લોકોએ દિવાળીના તહેવારમાં ખાણીપીણી પાછળ ૨૦ ટકા વધારે પૈસા વાપર્યા છે. ધનતેરસથી બેસતા વર્ષ સુધી મોટા ભાગની હોટલો અને રેસ્ટોરન્ટમાં એક કલાકથી સાત કલાક સુધીનું વેઇટિંગ હતું. આ અંગે હોટલ બિઝનેસ સાથે સંકળાયેલા શૈલેશ શાહ કહે છે કે ‘છેક ભાઈબીજ સુધી હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવા માટે ઓછામાં ઓછું એક કલાકનું વેઈટિંગ તો ચાલતું જ હતું.’ તહેવારમાં લોકો ઘરની વાનગીને બદલે બહારની વાનગીનો ટેસ્ટ કરવાનું વધારે પસંદ કરે છે. આ વખતે પંજાબી અને કાઠિયાવાડી થાળીનો ક્રેઝ વધારે જોવા મળ્યો.


દિવાળીના તહેવારમાં ખાણી-પીણી બજારમાં ૫૦ ટકા જેટલું ઈન્ક્રીમેન્ટ થયું છે. જેમાં પંજાબી, કાઠીયાવાડી, સેન્ડવીચ અને પિત્ઝા જેવી વાનગી હોટ ફેવરિટ હતી.


પંજાબી અને ગુજરાતી રેસ્ટોરન્ટ હાઉસફૂલ હતી. લોકોએ સારી હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવા માટેનું બુકિંગ પણ બે દિવસ પહેલાં જ કરાવી લીઘું હતું. તો બીજી તરફ યંગસ્ટર્સમાં આ વર્ષે ફાસ્ટફૂડનો ક્રેઝ જોવા મળ્યો છે. યંગસ્ટર્સમાં સેન્ડવીચ અને પીત્ઝા દિવાળીના તહેવારમાં હોટ ફેવરિટ આઈટમ રહી છે. આ અંગે હોટલ બિઝનેસ કરતાં કમલેશ ઠાકર કહે છે કે, ‘આ વર્ષે દિવાળીના તહેવારમાં ૭૦ ટકા લોકોએ બહાર જવાનો આનંદ માણ્યો છે. આ વર્ષે હોટલ બિઝનેસમાં ૫૦ ટકા જેટલું ઈન્ક્રીમેન્ટ જોવા મળ્યું છે.’ તો બીજી તરફ હોટલ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોએ દિવાળીના તહેવારમાં રાત-દિવસ કામ કર્યું છે. આ અંગે એક રેસ્ટોરન્ટના માલીક રુચી રાવ કહે છે કે, ‘હોટલ અને રેસ્ટોરન્ટમાં કામ કરનારા મોટા ભાગના માણસો ગુજરાત બહારના છે. એ લોકો દિવાળીના તહેવારે વતનમાં જતા રહે છે તેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વેઈટરોની ખૂબ અછત હતી. દિવસના ૫૦૦ રૂપિયા આપતા પણ વેઈટરો મળતા નહોતા. અમદાવાદીઓએ દિવાળીના તહેવારમાં ખાણી-પીણી પાછળ અઢળક રૂપિયા વાપર્યા છે. હોટલો અને રેસ્ટોરન્ટમાં દિવાળીના સમયે લાંબી લાઇનો લાગી હતી.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

તમારા માટે ગ્રીટિંગ્સ પણ અમારા માટે આજીવિકા

દિવાળી શુભેચ્છા આપવા માટે ક્રિએટિવ ગ્રીટિંગ્સ કાર્ડની માર્કેટમાં ખૂબ ડિમાન્ડ હોય છે. ત્યારે શહેરમાં કેટલાક બાળકો એવા છે જે ભણતરની સાથે ગ્રીટિંગ્સ કાર્ડ બનાવીને પોતાના પરિવારને ઉપયોગી થાય છે. અમદાવાદની માનવ સાધના સંસ્થામાં સ્લમ એરિયાના લગભગ ૫૦ બાળકો એવા છે ે જે એજ્યુકેશન સાથે દિવાળી ગ્રીટિંગ્સ કાર્ડ બનાવીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૃપ થાય છે. આ અંગે માનવ સાધનના કો- ઓર્ડિનેટર શીરીષ ડાભી કહે છે કે, ચાઇલ્ડ લેબર રોકવા માટે આ એક સ્પોટિંગ એજ્યુકેશન પ્રોગ્રામ છે.
અમદાવાદમાં કેટલાક બાળકો એવા છે જે ભણતરની સાથે દિવાળીના ગ્રીટિંગ્સ કાર્ડ બનાવીને દિવાળીના તહેવારમાં રૃ.૨૫૦૦થી રૃ.૫૦૦૦ સુધીની કમાણી કરીને પરિવારને મદદરુપ થાય છે

જેમાં બાળકો ભણવાની સાથે ક્રિએટિવ વર્ક કરીને પોતના ફેમિલીને સપોર્ટ કરે છે. દરેક બાળકો પોતાની સ્કીલ પ્રમાણે ગ્રીટિંગસ્ કાર્ડ બનાવે છે. આ અંગે ૬ ધોરણમાં ભણતો ચિરાગ બારોટ કહે છે કે, હું બાળમજૂરી કરવાને બદલે ભણતરની સાથે ક્રિએટિવ વર્ક કરીને મારા પરિવારને દિવાળીમાં મદદરૃપ બનું છું. આ બાળકો ખાદીના હેન્ડમેડ કાગળમાંથી ગ્રીટિંગ્સ બનાવે છે. આખું કાર્ડ કટિંગ અને પેસ્ટિંગ કરીને જ બનાવે છે. બાળકો ૪૦ ડિઝાઇનમાં હેન્ડમેડ ગ્રીટિંગ્સ કાર્ડ બનાવે છે. જેની કિંતમ રૃ. ૧૦થી લઇને૧૮ સુધીની હોય છે. દિવાળીમાં આ બાળકો ભણતર સાથે સાથે રૃ. ૨૫૦૦થી ૬,૦૦૦ સુધીનું ક્રિએટિવ કામ પણ કરે છે.

IIM કલકત્તાની સ્ટુડન્ટે કર્યુ ખાદી પર રિસર્ચ

કલકતા આઇ.આઇ.એમમાં અભ્યાસ કરતી મૂળ રાજકોટની નીરાલી શાહે ફેલો પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ માટે ખાદી વિષયની પસંદગી કરી છે. છેલ્લા બે વર્ષથી તે ખાદીની પ્રોસેસ પર રિસર્ચ કરે છે. લોકો ખાદીનો વપરાશ કઇ રીતે કરે છે? શું કામ કરે છે? ખાદીની વાસ્તવિક પરિસ્થિતિ શું છે? વગેરે વિષયોને આવરી લઇને તેણે ખાદીની કમ્પલિટ વેલ્યૂ શું છે તેના પર પોતાનું સંશોધન કરે છે. નિરાલી શાહ કહે છે કે, ખાદી એવી વસ્તુ છે જેના પર ઘણું કામ થઇ શકે છે પણ થયું નથી. તેથી ખાદીની વાસ્તવિક પરિસ્થિતિ અને વેલ્યૂ જાણવા મે આ વિષયની પસંદગી કરી છે. ભારતીય કાપડની પ્રોડક્ટમાં મુખ્ય પાંચ બ્રાન્ડમાં ખાદીનો સમાવેશ થાય છે.



કલકતા આઇ.આઇ.એમ.માં અભ્યાસ કરતી નિરલી શાહે ફેલો પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટમાં ખાદીની વેલ્યૂચેઇન પર રિસર્ચ કર્યું



આ સંશોધન માટે તેમણે ખાદી પહેરતા વિદ્યાર્થીઓ, ખાદીના રિટેઇલરો, ખાદી સાથે સંકળાયેલી સંસ્થાઓ વગેરેની મુલાકાત લીધી છે. સાથે સાથે જે ફેશન ડિઝાઇનરો ખાદી સાથે સંકળાયેલા છે તેમનો પણ કોન્ટેક કર્યો છે. તેમણે કોટનની પૂણી બનાવનારથી કન્ઝ્યુમર સુધી ખાદી પહોંચે ત્યાં સુધીના દરેક તબક્કામાં શું વેલ્યૂ એડિશન થાય છે તેનું રિસર્ચ કર્યું છે. આ પ્રોજેક્ટ માટે તેમણે ગુજરાતમાં વેડછી, પીંડવ, ગોંડલ, રાજકોટ, મોરબી, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, મોડળી, વર્ધા, દિલ્હી તથા કલકતા વગેરે સ્થળોએ ખાદી સાથે સંકળાયેલા લોકોનું ઓબઝર્વેશન કર્યું છે. ખાદીમાં મહેનત વધવાથી કારીગરો ઇન્ડસ્ટ્રી તરફ વળવા લાગ્યા છે. નિરાલી કહે છે કે, ખાદી સાથે સંકળાયેલી મુખ્ય કોમ્યુનિટી વણકરો પોતાના બાળકોે આ વ્યવસાયમાં વાળવા નથી માગતા. તેમણે પોતાનો સંપૂર્ણ પ્રોજેક્ટ મેનેજમેન્ટની થિયરી પ્રમાણે કર્યો છે. પૂણી બનાવવી, કાંતવું, વણવું, ડિઝાઇનિંગ કલર કામ વગેરે દરેક તબક્કામાં કોઇને કોઇ વેલ્યૂ એડ થાય છે તે માટે ખાદીની વેલ્યૂચેઇન પર રિસર્ચ કર્યું છે.

ધન્વંતરીના પૂજનમાં પ્રસાદ સ્વરૃપે આયુર્વેદિક ઔષધીઓ

હિન્દુ ધર્મમાં ધનતેરસનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. ધનતેરસના દિવસે દરેક લોકો તન-મનથી ધનની અને લક્ષ્મીજીની પૂજા કરે છે. આયુર્વેદિક વ્યવસાય સાથે સંકળાયેલા ડોક્ટરો ધનતેરસના દિવસે લક્ષ્મીજીની નહીં પણ ભગવાન ધનવંતરી ત્રયોદશીની પૂજા કરે છે.

ધનતેરસના દિવસે સામાન્ય રીતે લોકો લક્ષ્મીનું પૂજન કરેેછે.પરંતુ આયુર્વેદિક ડોક્ટરો ધનવંતરી ત્રયોદશીને નવી આયુર્વેદિક દવાનો થાળ ચઢાવીને ધનવંતરી પૂજન કરે છે.

નવાઇની વાત એ છે કે સામાન્ય લોકો જેમ જૂના સિક્કા અને ચાંદીના સિક્કા ચઢાવીને લક્ષ્મીજીની પૂજા કરે ે છે તેમ આયુર્વેદિક ડોક્ટરો,વૈદ્યો દવાનો થાળ ભગવાન થનવંતરી ત્રયોદશીને ચઢાવે છે અને તેની પૂજા- અર્ચના કરે છે. કોઇ પણ નવી આયુર્વેદિક મેડિસિન માર્કેટમાં મૂકતા પહેલા એ મેડિસિનનું ધનવંતરી પૂજન કરવામાં આવે છે અને એ દવાનો અગિયારમો ભાગ ધનવંતરીને ચઢાવવામાં આવે છે. આ અંગે આયુર્વેદિક વ્યવસાય સાથે સંકળાયેલા વૈદ્ય રાજલ શુક્લ કહે છે કે, પહેલા લોકો પોતાના આરોગ્ય માટે ધનવંતરી ત્રયોદશીની પૂજા કરતા હતાં, પરંતુ ધીરે ધીરે ધનવંતરી ત્રયોદશીનો અપભ્રંશ થતાં ધનતેરસ અસ્તિત્વમાં આવી અને લોકો ધનની પૂજા કરવા લાગ્યા. આપણે જે દિવસે ધનની પૂજા કરીએ છીએ તે દિવસે આયુર્વેદિક ડોક્ટરો ધનવંતરીને નવી દવાની ભેટ ધરીને તેની પૂજા કરે છે. આ અંગે વૈદ્ય ચાર્મિ શાહ કહે છે, ધનતેરસના દિવસે દરેક વ્યક્તિનું આરોગ્ય સારું થઇ જાય એવી ભાવના સાથે અમે ભગવાન ધનવંતરીને નવી આયુર્વેદિક દવાઓ ચઢાવીને તેમનું પૂજન કરીએ છીએ. શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે, કે દેવ-દાનવ વચ્ચેના સમુદ્ર મંથન વખતે રત્ન સ્વરૃપે ભગવાન ધનવંતરી પ્રગટયા હતા. આસો માસના કૃષ્ણપક્ષની તેરસ (ધૅનતેરસ) ધનવંતરી જયંતી તરીકે ઉજવાય છે. ભગવાન ધનવંતરી સૃષ્ટીના પ્રથમ કલ્યાણકારી તબીબ છે.
આ અંગે આયુર્વેદિક ડોક્ટર કમલેશ રાજગોર કહે છે કે, ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કુબેર ભંડારનું પૂજન આવશ્યક છે, પરંતુ શારિરીક અને માનસિક સ્વચ્છતા સદાય બની રહે એટલે તબીબો માટે ભગવાન ધનવંતરીના પૂજનનું સવિશેષ મહાત્મય છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

દિવાળીની મજા ત્યારે જ આવે જ્યારે નાસ્તા ઘરે બને

આ પરંપરાને કારણે ગૃહિણીઓની આત્મીયતા, સમૂહભાવના અને પ્રેમ વધારે ગાઢ બને છે. બીજી તરફ ઘરમાં વાનગી બનાવવાથી તહેવારના પ્રસંગે પૈસાની પણ બચત થાય છે


એક સમય એવો હતો કે પોળોમાં કે સોસાયટીમાં દરેક મહિલાઓ પાડોશીને ત્યાં દિવાળીની સ્પેશીયલ વાનગીઓ બનાવવા જતી હતી અને પાડોશીઓને મદદ કરતી અને દરેક ગૃહિણીઓ સાંજે ચા-નાસ્તો કરીને છુટી પડતી. આજની ગૃહિણીઓ કે યુવતીઓ લોટ દળવાની, લોટ બાંધવાની, પાપડ વણવાની કે પછી તેની દેખરેખ કરવાની મથામણમાં પડતી નથી. જો કે દિવાળીની સ્પેશીયલ વાનગીઓ જાતે ઘરે જ બનાવવાની પરંપરાને જીવંત રાખનાર કેટલીય ગૃહિણીઓ આજે પણ જોવા મળે છે. આ પરંપરા ખાસ કરીને જે ઘરમાં મોટી ઉંમરની ગૃહિણીઓ હોય એ ઘરમાં જ જોવા મળે છે. દિવાળીની દરેક વાનગીઓ દર વર્ષે ઘરે જ બનાવતા ૮૪ વર્ષના વિમળાબેન ઠાકર કહે છે કે, 'હવે મોહનથાળ, ઘુઘરા, ચેવડો, મઠીયા, દહીથરા, ફરસી પુરી જેવી મહેનતવાળી દિવાળીની સ્પેશીયલ વાનગીઓ ઘરે બનાવવાની પરંપરા ભૂલાઈ રહી છે. મને યાદ છે કે એક સમય હતો કે દિવાળીના ચાર-પાંચ દિવસ પહેલાથી જ શેરી અને મહોલ્લાના દરેક ઘરમાંથી શુધ્ધ ઘી અને તેલની સુગંધ આવતી હતી. જેનાથી દરેકને ખબર પડી જતી હતી કે દિવાળીની સ્પેશીયલ વાનગીઓ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે.'
દર વર્ષે દિવાળીની સ્પેશીયલ વાનગી ઘરે બનાવતા જાગૃતિબેન પટેલ, કહે છે કે, 'દિવાળીની સાફ સફાઈનું કામ પુરું કરીને ઘરે-ઘરે વાનગીઓ બનાવવાનું કામ ચાલુ થઈ જતું હતું. દરેક ઘરમાંથી જુદી જુદી મીઠાઈઓ કે ફરસાણાની સુગંધ ના આવતી ત્યાં સુધી દિવાળી જેવું વાતાવરણ લાગતું જ નહોતું.' દિવાળીના સમયે મઠીયા, ઘુઘરા, મોહનથાળ, ચેવડો વગેરે વાનગીઓ સ્ત્રીઓ ઘરે બનાવે અને તે માટે પાડોશીઓને પણ મદદ કરાવે એવું વાતાવરણ આજે પણ અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારની મિત્રમંડળ સોસાયટી તથા સાન ફ્લેટમાં જોવા મળે છે. આ અંગે મિત્રમંડળ સોસાયીટમાં રહેતા સંગીતાબેન શાહ કહે છે કે, અમે આજે પણ દિવાળીનું ફરસાણ અને મિઠાઇ જેવી કે ચોકલેટ બરફી, કાજુ કતરી, ધાબાના લાડવા, ચકરી, ખસ્સા કચરોી, ચેવડો, ખસ્સા સમોસા, મઠિયા, ફાફડા, ઘુઘરા, ટોપરાપાક, મોહનથાળ વગેરે બનાવવામાં પાડોશીઓને પણ મદદ કરવા જઇએ છીએ, અને સાંજે ચા- નાસ્તો જોડે કરીને જ છુટા પડીએ છીએ. આ આઇટમો એકલાથી ના બને અટેલે આ સોસાયટીની ગૃહીણીઓ પોતાના પાડોશીઓને મદદ કરાવવા માટે તેમના ઘરે જાય છે. ઉસ્માનપુરા ગામના સાન ફ્લેટમાં પણ આવા પ્રકારનું જ વાતાવરણ જોવા મળે છે. સાન ફ્લેટમાં રહેતા રૃપલબેન શેઠ કહે છે કે, અમે દિવાળીની સ્પેશિયલ વાનગી બનાવવા માટે પાડોશીઓને ત્યાં વારા ફરતી ટાઇમ સેટ કરીએ છીએ. અને સમય અનુકૂળ હોય તેમ એકબીજાની મદદ કરીએ છીએ. આ ઉપરાંત કોઇના ઘૂઘરા સારા બનતા હોય છે તો કોઇના મઠિયા સારા બનતા હોય છે. તો આ પ્રથાને કારણે તેનો લાભ સોસાયટીના દરેક ઘરોને પણ મળી રહે છે.
આ પરંપરાને કારણે ગૃહિણીઓની આત્મીયતા, સમૂહભાવના અને પ્રેમ વધારે ગાઢ બને છે. બીજી તરફ ઘરમાં વાનગી બનાવવાથી તહેવારના પ્રસંગે પૈસાની પણ બચત થાય છે એમ કેટલીક ગૃહિણીઓ માને છે. કેમ કે ૫૦૦ રૃપિયાની સામગ્રી ઘરે લાવીને જેટલી વાનગીઓ બનાવી શકાય છે. એટલી વાનગી માર્કેટમાં રૃ. ૨૦૦૦માં મળતી હોય છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

મેકબેથ અને આદિલ મન્સૂરીને જોડતું નાટક સ્લીપલેસ

અમદાવાદના ૬૦૦ વર્ષના સેલિબ્રેશનના ભાગ રૃપે અમદાવાદના છારાનગર પુસ્તકાલયમાં વાયોલેન્સ ઉપર સ્લીપ લેસ નાટકની રજૂઆત કરી હતી. આ નાટકમાંજાણીતા કવિ આદિલ મન્સૂરી અને તેમની ગઝલોના આધારે બનાવવામાં આવ્યું છે. આ નાટક થર્ડ થિયેટર ફોર્મમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટક અંતમાં મેકબેથનું ફેમસ સીન પર્ફોમ કરવામાં આવ્યું છે. જેમાં મેકબેથ પોતાના પિતાનેમારી નાખે છે, ત્યાર પછી તેના હાથ લોહીવાળા થઇ જાય છે. અને તે જ્યારે પણ હાથ ધોવા જાય છે ત્યારે તેને હાથમાં લોહી દેખાય છે. એટલે તે ઊંઘી સકતો નથી. આ નાટકમાં આદિલ મન્સૂરી સાથે મેકબેથને કનેક્ટ કરી બંનેને જોડવામાં આવ્યા છે.
છારાનગરના બાળકોએ અમદાવાદ ફેસ્ટિવલમાં શેક્સપિરિયન ડ્રામા મેકબેથ રજૂ કરીને શેક્સપિરિયન કોમેડી અને આદિલ મન્સૂરીના વિચારો સાથે કેટલી સામ્યતા છે તે સુંદર રીતે દર્શાવ્યું હતું.


આ નાટકના આસિસ્ટન્ટ ડિરેક્ટર આતીશ ઇન્દ્રેકર કહે છે કે, આપણે જે બોલી નથી શકતા અથવા આપણી તકલીફોને બાર નથી લાવી શકતા એને બાર લાવવા માટે થિયેટર કામમાં આવે છે. આ નાટક આદિલ મન્સૂરીની જાણીતી ગઝલ નદીની રેતમાં રમતું નગર મળે ના મળે આધારે રજૂ કરવામાં આવ્યું છે. જેમાં આદિલ મન્સૂરીની તકલીફો, શહેર વિશે તેમની સમજણ, તેઓ કેવી રીતે રહેતા હતા વગેરે સ્લીપ લેસ નાટક દ્વારા બતાવવામાં આવ્યું છે.

બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કર્યા ઇનોવેટિવ મોડેલ



વિદ્યાપીઠના કેમ્પસમાં ચાઈલ્ડ સાયન્ટિસ્ટ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં અમદાવાદ શહેરના બાળકોએ પોતાની જાતે જ જમીનના સ્ત્રોત પર ઈનોવેટિવ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા

રોટી, કપડા અને મકાન માટે ભૂમિસ્ત્રોતોનું સદીઓથી દોહન થતું આવ્યું છે. જમીન પર માનવ જીવનની ગતિવિધીઓને જેવી કે શહેરીકરણ, ઔદ્યોગિકરણ તેમજ જમીનમાં માનવ સર્જિત ફિઝિકલ, કેમિકલ યુક્ત ફેરફારો વગેરેને કારણ ેઆપણી જમીનનું અધઃપતન થઇ રહ્યું છે. અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠ- વિનય મંદિર હાઇસ્કૂલમાં ૧૮મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ દ્વારા અમદાવાદ જિલ્લા સ્તરનું બાળ વૈજ્ઞાાનિકોનું સંમેલન મળ્યું હતું. જેમાં અમદાવાદના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના ૧૦થી ૧૭ વર્ષના ૨૭૫ બાળકોએ ભૂમિના સ્ત્રોતો સમૃદ્ધિ માટે ઉપયોગ કરો, ભવિષ્ય માટે બચાવો વિષય પર પોતાની સ્થાનિક જમીનનું વૈજ્ઞાાનિક સંશોધન કરીને ઇનોવેટિવ મોડેલો રજૂ કર્યા હતા. બાળ વૈજ્ઞાાનિક સંમેલનમાં ટોટલ ૫૦ મોડેલો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ૨૫ મોડેલ શહેરી વિસ્તારના અને ૨૫ મોડેલ ગ્રામ્ય સ્તરના હતા.


બાળકોએ જમીનના કાર્યો, જમીનની ગુણવત્તા, જમીન પર માનવ જીવનની ગતિવિધી, જમીનના સ્ત્રોતોનો ટકાઉ ઉપયોગ, જમીનની ઓળખ વગેરે પર પોતાના પ્રેઝન્ટેશન કર્યા હતા. દરેક બાળકોએ પોતાની સ્થાનિક જમીનનો પ્રશ્ર અને સ્ત્રોતો પર વૈજ્ઞાાનિક પ્રોજેક્ટ કરીને બાળ વૈજ્ઞાાનિક સંમેલનમાં રજૂ કર્યા હતા.

આ સંમેલનમાં અમદાવાદ શહેરની સ્કૂલના ૬ પ્રોજેક્ટ અને ગ્રામ્ય વિસ્તારની સ્કૂલના ૬ પ્રોજેક્ટની પસંદગી રાજ્ય સ્તરના સંમેલન માટે કરવામાં આવી છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

પેપર પલ્પના ઈકોફ્રેન્ડલી ક્રેકર્સ

આ વખતે દિવાળીમાં પર્યાવરણને ખાસ ધ્યાનમાં રાખીને માર્કેટમાં ઇકોફ્રેન્ડલી ફટાકડાની અવનવી વેરાયટી આવી છે. આ ઇકોફ્રેન્ડલી ફટાકડા વેસ્ટ પેપર પલ્પમાંથી બનાવવામાં આવે છે. જેમાં ચુનમુન કોઠી, ગુડીયા કોઠી, કલર બર્સ્ટ વગેરે વરાયટીઓ ખાસ છે. આ ઉપરાંત માટીની કોઠીમાં પણ વિવિધ પ્રકારની ફેન્સી વરાયટી ઉપલબ્ધ છે. માટીની કોઠીની વિશેષતા એ છે કે તેનો ફટાકડા તરીકે યુઝ કર્યા પછી તેનો ફલાવર વાઝ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. ડેઝમ ક્રિસ્ટલ કોઠીનો ફૂટયા પછી ફલાવર વોશ તરીકે વાપરી શકાય છે. આ અંગે ફટાકડાના વેપારી આશીષભાઈ ખજાનચી કહે છે કે, ''ઇકોફ્રેન્ડલી ફટાકડા ખાસ બાળકો ફોડી શકે એ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. કારણ કે આ ફટાકડામાં ધુમાડો ઓછો થાય છે. ઇકોફ્રેન્ડલી ફટાકડાની કિંમત એક બોક્સના રૃા. ૧૦૦થી લઈને રૃા. ૩૫૦ સુધી મળે છે.''

આ વખતે દિવાળીમાં પર્યાવરણને ખાસ ધ્યાનમાં રાખીને માર્કેટમાં ઇકોફ્રેન્ડલી ફટાકડાની અવનવી વેરાયટી આવી છે. આ ઇકોફ્રેન્ડલી ફટાકડા વેસ્ટ પેપર પલ્પમાંથી બનાવવામાં આવે છે. જેમાં ચુનમુન કોઠી, ગુડીયા કોઠી, કલર બર્સ્ટ વગેરે વરાયટીઓ ખાસ છે.

માર્કેટમાં આ વખતે ૧૦૦ સેમી લાંબી ફૂલજર, નાના છોકરા માટે જેલી પીઠોકના અવાજવાળી પેન્સિલ, સિલિન્ડર શેપમાં ફોક્સ કોઠી વગેરે નવી વરાયટી આવી છે. આતશબાજીમાં અવનવી રંગબેરંગી આઇટમો આવી છે. જેમાં મીયામી નાઈટ, મેલા, વર્લ્ડ વોર, વગેરે આ વખતે અવકાશી આતશબાજીમાં યુરોપિયન કન્ટ્રીના નામ પરથી વિવિધ વેરાયટી જોવા મળે છે. જેમાં પોલેન્ડ, ફિનલેન્ડ, સ્વીડન, નોર્વે, પીસી, હેલેન્સકી, બેક સ્કીટ બોય વગેરેનો સમાવેશ થાય છે. આ અંગે ફટાકડાના વેપારી અમિતભાઈ મોદી કહે છે કે, 'હવે ફેન્સી ફટાકડા માર્કેટમાં આવવાથી સાદા ફટાકડા અને લવીંગિયાનો વપરાશ બંધ થઈ ગયો છે. લોકો ફેન્સી અને રંગબેરંગી ફટાકડા જ પસંદ કરે છે. અવકાશી આતશબાજી એક નંગ રૃા. ૧૦૦ થી લઈને રૃા. ૧૦,૦૦૦ સુધીની રેન્જમાં મળે છે. જેમાં ૨૫ શોટથી લઈને ૧૦૦૦ શોટ મલ્ટી કલરમાં ફૂટે તેવી આતશબાજી અવેલેબલ છે. આ અંગે ફટાકડાના વેપારી જહીરૃદ્દીન સૈયદ કહે છે કે,
'આપણે અહીં ૯૫ ટકા ફટાકડા શિવાકાશીથી આવે છે અને માત્ર ૫ ટકા જ લોકલ આઇટમો વપરાય છે.જેની સામે ઈકો ફ્રેન્ડલી ફટાકડાની ડિમાન્ડ એજ્યુકેટેડ લોકોમાં વધુ જોવા મળે છે.''અત્યારે હેલ્થ કોન્સિયસ લોકોમાં અને આર્થિક સધ્ધર પરિવારમાં ઈકોફ્રેન્ડલી ફટાકડાનો ક્રેઝ જોવા મળે છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

મૃત્યુ પછી ૫૦ લાખનો બંગલો વિકલાંગોની સેવાર્થે આપી દીધો

મોટા ભાગની જીંદગી ફિઝીયોથેરાપી ની સારવાર સાથે ગાળનાર ૬૪ વર્ષેીય જ્યોત્સનાબેન નાયક હમણાં જ મૃત્યુ પામ્યા.પરંતુ મૃત્યુ પહેલા તેમના વીલમાં તેમણે પોતાનો ઉસ્માનપુરા ખાતેનો આખો બંગલો લોકોને મફત ફિઝીયોથેરાપીની સારવાર મળે તે અર્થે અંધજન મંડળના પ્રજ્ઞાાચક્ષુ ફિઝીયોથેરાપિસ્ટને સેવાના આશયથી કાયમ માટે સમર્પિત કરી દીધો.

જીવનના અંત સુધી લોકસેવાના કાર્યને વરેલા સ્વર્ગીય જ્યોત્સ્નાબેન નાયકના ફેમીલી મેમ્બરોએ જ્યોત્સ્નાબેને કરેલા વીલ મુજબ ૫૦ લાખનો બંગલો બહુઉદ્દેશીય સેવાકાર્ય માટે અર્પણ કરી દીધો.

જ્યોત્સ્નાબેન પોતે શારીરિક વિકલાંગ હતા અને નવજીવન ટ્રસ્ટમાં સર્વિસ કરતાં હતાં. તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી લોકસેવાના કાર્યમાં રંગાયેલા રહેતા હતાં. જ્યોત્સ્નાબેન ડિસેબલ હોવા છતાં આજુબાજુના લોકોને મદદ કરવી, આજુબાજુના ગરીબ છોકરાઓને ભણાવવા, ગામની બહેનો સાથે રહીને વાનગીઓ બનાવતા શીખવાડવી વગેરે સેવાકામ કરતા હતાં. તેઓ જીવનને મહામુલુ અને ઈશ્વરની પ્રસાદી સમજીને જીવ્યા. જ્યોત્સ્નાબેને પોતે સેવાકાર્યને વરેલા હતા અને પોતે વિકલાંગ હોવાથી તેમણે એવું વીલ કર્યું કે ઉસ્માનપુરામાં આવેલું તેમનું મકાન વિકલાંગોની પ્રવૃત્તિ માટે વપરાય. જ્યોત્સ્નાબેનની આ અંતિમ ઈચ્છા તેમના ફેમેલી મેમ્બરે પુરી કરી છે. જ્યોત્સ્નાબેનના વીલ પ્રમાણે તેમના ફેમીલી સભ્યોએ આ બંગલાને વિકલાંગ બાળકોના વિકાસ અર્થે આપી દીધો. આ મકાનમાં ફિઝિયોથેરાપી સેન્ટર તથા વિકલાંગ મહિલાઓ માટે ઉદ્યોગ તાલીમ કેન્દ્ર શરૃ કરવામાં આવ્યું છે. જ્યોત્સ્નાબેનને ત્રણ બહેનો છે. જેમાંથી સૌથી મોટા મંજુલાબેન દવે કહે છે કે, 'જ્યોત્સ્ના શારીરિક વિકલાંગ હતી. પરંતુ તે પોતાને ક્યારેય વિકલાંગ ગણતી નહોતી. અને તેમની અંતિમ ઈચ્છાને ધ્યાનમાં રાખીને તેમનું મકાન સેવાકાર્ય માટે આપી દીધું છે ! ઉસ્માનપુરા ગામમાં આ પ્રકારનું પ્રથમ સેન્ટર છે. જેમાં આજુબાજુના લોકોને મફત ફિઝિયોથેરાપીનો લાભ મળશે તથા સેન્ટરની સામે મંદબુદ્ધિના બાળકો માટેની ડૉ. જીત મહેતા બાળશાળા છે. તેથી આ બાળકોને પણ ફિઝિયોથેરાપીનો લાભ મળશે. તો આ સેન્ટરમાં બે પ્રજ્ઞાાચક્ષુ થેરાપીસ્ટને રોજગાર પણ મળશે અને મહિલા વિકલાંગોને ઉદ્યોગ તાલીમ પણ આપવામાં આવશે. આ સેન્ટરમાં દરેકને મફત ફિઝિયોથેરાપી સારવાર મળશે. આ સેન્ટરના કો-ઓર્ડિનેટર અને અંધજન મંડળમાં વોલેન્ટીયર તરીકે સેવા આપતા આઈ.એલ. ચિતકારા કહે છે કે, 'જ્યોત્સ્નાબેનનું આખું જીવન ફિઝીયોથેરાપીની સારવારમાં ગયું. તેથી અમે તેમના બંગલામાં ફિઝિયોથેરાપી સેન્ટરનો પ્રારંભ કર્યો છે. જેમાં વિકલાંગો અને ઉસ્માનપુરા ગામના લોકોને મફત ફિઝિયો સારવાર મળશે !'
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

સેલના નામે વિશ્વાસની વેચવાલી

એકની સાથે એક ફ્રીથી લઇને એકની સાથે છ કે સાત ફ્રી મળે તેવા સેલ દિવાળીને ઘ્યાનમાં લઇને લાગી ગયા છે. એકની સાથે સાત ફ્રી તો એકની કિંમત કેટલી તો ટેગ પર લખેલું હોય છે એક પેન્ટની કિંમત રૂ.૨૪૦૦,રૂ.૩૦૦૦. ગુજરાત ભલે વેપારીઓનું કેપિટલ હોય પણ અહીંનો સામાન્ય ગ્રાહક ઘણો ભોળો અને નિખાલસ છે.જે તેની દ્રષ્ટિ પર પડતા સેલના લોભામણા પ્રતિિંબબથી તરત જ લલચાઈ જાય છે.
અત્યારે શોપિંગ મોલથી લઇને રસ્તા પરની લારીમાં પણ સેલના પાટીયા લાગેલા છે. ખાસ તો કપડાનો સીઘો સંબંઘ સેલ સાથે છે. કેટલાંક સમજુ ગ્રાહકોમાં એક એવી અવેરનેસ જોવા મળી છે કે તેઓ સેલના હોય તેવી દુકાનો અને શોરૂમમાં જવાનું પસંદ કરતા થઈ રહ્યા છે.
ખાસ કરીને ગામડાના ગ્રાહકોને સેલના નામે છેતરવા માટે શહેરના માર્કેટમાં એક ચોક્કસ પ્રકારના ટાઈટલ્સનો ઉપયોગ કરીને છેતરવામાં આવી રહ્યા છે.


એકની સામે એક ફ્રેીને બદલે કેટલીક દુકાનોમાં એકની સામે સાત ફ્રી સુઘીની કિંમતના કપડા લેતી વખતે અનેક ગ્રાહકો છેતરાય છે. એકની સામે સાત ફ્રી લેવા જતા ગ્રાહકો પાસેથી એક કપડાના સાત ગણા રૂપિયા લેવામાં આવે છે.આ પ્રકારની ખુલ્લેઆમ લૂંટ સામે સરકાર દ્વારા કોઈ પગલા કેમ નથી લેવાતા ?

સેલમાંથી ખરીદી કરતા પિનાકીન વ્યાસ કહે છે કે, એક રીતે જોવા જઇએ તો બઘું સરખું જ છે. કારણ કે તમે સેલમાંથી ૩ હજારની એક વસ્તુની ખરીદી સાથે બે ફ્રી મેળવો છો તે જ વસ્તુ બજારમાં તમને ૩ હજારમાં ૩ મળી રહે છે.
ક્યારેક ગ્રાહકો માત્ર ૯ના અંકની કમાલથી પણ છેતરાઇ જતા હોય છે. માત્ર ૯૯થી શરૂ થઇને ૯૯૯ સુધીની સ્કીમ માર્કેટમાં જોવા મળે છે. ૧૦૦૦ રૂપિયાની વસ્તુ આપણને ૯૯૯માં મળવાથી કોઇ ફર્ક નથી પડતો છતાં પણ માત્ર ૯ની કમાલ ગ્રાહકોને આકર્ષવા માટે સસ્તી સાબિત થાય છે. આ અંગે ગ્રાહક દિનેશભાઇ પ્રજાપતિ કહે છે કે, હકીકતમાં નબળો માલ અથવા જે માલનો ભરાવો થયો હોય તેનો નિકાસ કરવા માટે વેપારીઓ સેલનો સંહારો લેતા હોય છે. પરંતુ નવા સ્ટોકના નામનું તૂત કે શોરૂમ ખાલી કરવાનો છે કે તાત્કાલિક વિદેશ જવાનું છે એવી વાતો કરીને રાતો રાત ભીડ એકઠી કરવાના અનેક કિમીયા ભારતમાં ટોળાં ઉભા કરી દેનારા છે.
બીજી વાત આવે છે બ્રાન્ડની. બ્રાન્ડના નામે યુવાનો અને યુવતીઓ ચપટીમાં છેતરાતી જોવા મળે છે. ઈમ્પોર્ટેટ,બ્રાન્ડેડ જેવા શબ્દો ને ચોરીના માલ સાથે સાંકળીને દિવાળીમાં રોકડી કરનારા પણ સાઈલેન્ટલી વેપાર કરી જાય છે.
છેલ્લે ડિસ્કાઉન્ટ શબ્દ પણ હવે ચવાઈ ગયો છે. ડિસ્કાઉન્ટના નામે ૪૦ ટકા ડિસ્કાઉન્ટથી લઇને ૯૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ગ્રાહકોને ઓફર થઈ રહ્યું છે. જેમાં જેટલા ટકા ગ્રાહક ચૂકવે છે તેમાંથી જ આખા શોરૂમનો ખર્ચો નીકળે તેટલો ફાયદો ગ્રાહકોને થતો જોવા મળે છે.
અત્યારે સમાજના મુખ્ય ખરીદાર વર્ગમાં મહિલાઓ અને યુવાનોનો સમાવેશ વઘુ થાય છે. આ બંન્ને પ્રકારના ગ્રાહકોમાં દેખાદેખી અને સ્ટેટસના આઘારે ખરીદી કરનારો વર્ગ ઘણો મોટો હોવાથી શહેરની ગલીએ ગલીએ મફત, ડિસ્કાઉન્ટ, એકની સામે સાત ફ્રી જેવી લોભામણી નહીં પણ લૂંટામણી ઓફરો આજના સામાન્ય ગ્રાહકની દિવાળી બગાડી રહી છે. પણ હકીકત એ છે કે તેમની દિવાળી બગડી કે સુઘરી તે છે ક ઉતરાયણ વખતે ખ્યાલ આવતો હોય છે.
એક સામાન્ય પાંચસો રૂપિયાના પેન્ટ કે ટીશર્ટની કિંમત તેની મૂળ કિંમત કરતા સાત ગણી કેવી રીતે હોઈ શકે. આ અંગે ગ્રાહક સુરક્ષાના કહેવાતા રક્ષકો પણ માતબર ડિસ્કાઉન્ટ લઈને ચૂપ રહે છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

૪૦૦ પ્રકારના મુખવાસ તમારૂ મોઢું ચોખ્ખુ કરશે

મુખવાસનો નાનો લાગતો બિઝનેસ કેવો વિશાળ છે તે તો અમદાવાદની નાની ગલીઓમાં ફરીએ એટલે ખ્યાલ આવે . કદાચ મીઠાઈના પ્રકાર નહીં હોય તેટલા મુખવાસના પ્રકારોે એ આ દિવાળીમાં દેખા દીઘી છે.
આ વખતે માર્કેટમાં ડ્રાયફ્રુટ્સ અને સ્વીટના ભાવ ઉંચા હોવાથી દિવાળીમાં મોં મીઠું કરવા માટે મિઠાઇ ઓછીને મુખવાસ વધારે જોવા મળશે. અત્યારે બજારમાં મુખવાસની વિવિધ પ્રકારની વેરાયટીઓ આવી ગઇ છે. સ્વીટ, કરન્સી તથા ખાટામીઠા ફ્લેવરનો મુખવાસ માર્કેટમાં આવેલેબલ છે.

ઓછામાં ઓછા ૧૦૦ ગ્રામ મુખવાસના રૂ. ૧૦થી લઇને રૂ. ૨૦૦નો મુખવાસ માર્કેટમાં એવેલેબલ છે.

મુખવાસના વેપારી મનીષભાઇ શર્મા કહે છે કે, અત્યારે માર્કેટમાં પાન મુખવાસની વિવિધ વેરાયટીઓ તથા ડાયાબિટીસના દર્દીઓને ઘ્યાનમાં રાખીને લો કેલેરી મુખવાસ મળે છે. એન.આર.આઇ માટે ે પણ મુખવાસનો આનંદ માણી શકે તે માટે તાજા પાનની ખાસ નવી વેરાયટી બજારમાં આવી છે. આ પાનનો ટેસ્ટ ચાર મહિના સુધી તાજો રહે છે. અત્યારે માર્કેટમાં મુખવાસની ૪૦૦થી વધારે આઇટમો અવેલેબલ છે. જેમાં જામનગરી, તુલસી, ગ્રીન, ઇલાયચી, પાનચુરા, કલકતી મિક્સ, કલકતી ટુકડા, મદ્રાસી, ગોલ્ડન ખારેક, ગોલ્ડન રોયલ ખારેક, હજમા હજમ પાઉડર, પાન મુખવાસ બીડા, રોસ્ટેડ મુખવાસ વગેરે વેરાયટી હોટ ફેવરિટ છે. નાના બાળકો માટે ટીનીમીની મુખવાસ તથા અવનવા કલર્સ અને ટેસ્ટની ગોળીઓ ફેવરિટ છે. ઘણાં લોકો સોપારી વગરનો મુખવાસ ખરીદે છે તો સોપારી પ્રેમીઓ સ્પેશિયલ સોપારીના ટેસ્ટનો મુખવાસ ખરીદે છે.
આ અંગે મુખવાસના વેપારી રાજુ મકવાણા કહે છે, દિવાળીમાં લોકો પોતાની પસંદગી પાન- ખારેક પર વધારે ઉતારે છે, કારણ કે મુખવાસની વેરાયટીમાં પાન અને ખારેકનો ટેસ્ટ યુનિક છે. અત્યારે નવી વેરાયટીમાં પાન મુખવાસ બીડા, પાન પાપડ, ઇલાયચી દાળ મુખવાસ, ફ્રેશ પાન વગેરે જેવી પાનની વેરાયટી તથા ટાયાબિટીક પેશન્ટ માટે તલ- ગોઠલીનો મુખવાસ, આમળા, દાડમના રોયલ મુખવાસ, જામનગરી અને મિક્સ મુખવાસ જેવા લો- કેલેરીવાળા મુખવાસ ઉપલબ્ધ છે. ખારેકમાં પણ ૩૦થી વધારે વેરાયટી જોવા મળે છે. જેમાં પાન મસાલેદાર ખારેક, મસાલા ખારેક, હજમાહજમ ખારેક, ડાયેટ ખારેક વેગરે માર્કેટમાં વડિલો, બાળકો અને યંગસ્ટર્સની પસંદગી પ્રમાણેના મુખવાસ માર્કેટમાં મળે છે. બાળકો માટે દ્રાક્ષાવટી, લીબું, ઇમલી લાડુ, ઇમલી ગોળી, જીરા ગોળી, આમ ગોળી, અનારદાન જેવી ખાટીમીઠી ગોળીઓના મુખવાસ મળે છે. સોપારીના શોખીનો માટે કેસર લચ્છા, ગુલાબ, મિલ્કી, ચીકણી મીઠી, ખસ, કેવડા,કેસર ઇલાયચીની વેરાયટી જોવા મળે છે. આ ઉપરાંત મદ્રાસી રોસ્ટેડ, લખનવી, પાનચૂરા, રાજસ્થાની ટીનીમીની રેસા વિનાની વરિયાળી કુરિયા જેવી આઇટમો પ સોપારીમાં ઉપલબ્ધ છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

વાહનોની સંખ્યા પ્રમાણે ટ્રાફિકનું નિયમન કરતું સોફ્ટવેર

ટ્રાફિક નિયમન પણ અત્યારે કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમથી ચાલે છે. પરંતુ ચાર રસ્તા એક તરફ વઘુ ટ્રાફિક હોય તો પણ આ સિસ્ટમ એક જ સમયના પ્રમાણમાં કામ કરે છે.આદેશ શાહ અને હાર્દિક પંડ્યા એ એવું આર્ડિનો બોર્ડ વિકસાવ્યું છે કે જેના થકી ટ્રાફિકનું નિયમન ચાર રસ્તા પરના દરેક રસ્તા પર દેખાતા ટ્રાફિકના ભારણ પરથી થાય. આર્ડિનો બોર્ડ ચીપ અથવા આઈ.સી. જેવું જ છે. જેના દ્વારા ઇલેકટ્રોનિકસને લગતા વિવિધ કામો સહેલાઇથી થાય છે. હાર્દિક પંડયા અને આદેશ શાહ છેલ્લા બે વર્ષથી આ બોર્ડ પર સંશોધન કરે છે.


અમદાવાદની નિરમા ઇન્સ્ટીટયૂટ અને કલોલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના સ્ટુડન્સે સૌ પ્રથમ લેટેસ્ટ માઇક્રો કંટ્રોલર આર્ડિનો બોર્ડ પર રીસર્ચ કર્યું છે. જેમાં વિદ્યાર્થીઓએ આર્ડિનો બોર્ડની મદદથી વાયરલેસ સેન્સર નેટવર્ક દ્વારા એડવાન્સ ટ્રાફિક રીઝોલ્યુશન સિસ્ટમ વિકસાવી છે.


આ બોર્ડની મદદથી તેમણે એવું સોફટવેર અને ઇન્સ્ટ્રુમેન્ટ વિકસાવ્યું છે કે જેના દ્વારા આપણે કોમ્પ્યુટર કર્સરને માઉસ વિના જ મુવમેન્ટ કરાવી શકીએ છીએ. એ ઇન્સ્ટ્રુમેન્ટ હાથમાં પકડીએ એટલે હાથની મુવમેન્ટ પ્રમાણે કોમ્પ્યુટર કર્સર પણ મુવમેન્ટ કરશે. એના માટે માઉસની પણ જરૂર પડતી નથી. આ બોર્ડની મદદથી ૧૫ થી ૨૦ ફૂટ દૂર ઉભા રહીને પણ કોમ્પ્યુર કર્સરને મુવમેન્ટ કરાવી શકાય છે. આ અંગે હાર્દિક પંડયા કહે છે કે, ‘અમે અત્યારે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે આ બોર્ડની મદદથી એડવાન્સ ટ્રાફિક રીઝોલ્યુશન સિસ્ટમ વિકસાવી છે.’ અત્યારે દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. તેથી તેમણે આ બોર્ડમાં એવું સોફટવેર વિકસાવ્યું છે કે ચાર રસ્તા પર જે બાજુ વધારે ટ્રાફિક જામ થતો હોય એ સાઇડને વધારે સમય મળશે. એડવાન્સ ટ્રાફિક રીઝોલ્યુશન સિસ્ટમમાં વાયરલેસ સેન્સર નેટવર્ક સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. આ અંગે આદેશ શાહ કહે છે કે, ‘આ બોર્ડ કોમ્પ્યુટર એન્જિનીયરિંગ અને રોબોટિકસના સ્ટુડન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે. પંરતુ સ્ટુડન્ટ હજી આ બોર્ડ વિશે અવેર નથી. કોમ્પ્યુટર એન્જિનીયરિંગ અને ઇલેકટ્રીકલ એન્જિનીયરિંગના સ્ટુડન્ટ અવેર થાય એ માટે તેમણે અમદાવાદના વિક્રમસારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં એક ખાસ પ્રોગ્રામનું આયોજન કયુ છે.. જેમાં એન્જિનીયરિંગના સ્ટુડન્ટને આ બોર્ડ પર પ્રેકટીકલી કામ કેવી રીતે થાય તે સમજાવવામાં આવી રહ્યું છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

ભણતર સાથે પ્રકૃતિની પાઠશાલા

વાઇલ્ડ લાઇફ વીક અંતર્ગત ગાંધીનગર જિલ્લાની ૨૫થી વધારે સ્કૂલના ૭૦૦૦થી વધારે બાળકોને નેચર પ્રત્યે અવેર કરવામાં આવી રહ્યા છે. આ માટે પોસ્ટરમેકિંગ, બર્ડ વોચિંગ, ડ્રોઇંગ, ક્વીઝ, વકતૃત્વ સ્પર્ધા, પ્રેઝન્ટેશન, ફિલ્મ શૉ વગેરે જેવા કાર્યક્રમો ૭૦ ટકા બાળકો વાઇલ્ડ લાઇફ પ્રત્યે અવેર
થયા છે.



આજે આપણે જાણ્યે- અજાણ્યે પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડી રહ્યા છીએ તેથી ધીરે ધીરે જંગલો અને પ્રકૃતિ નાશ થતી જાય છે. પ્રકૃતિ પર વિપરીત અસરો પડવાથી આપણું અસ્તિત્વ પણ જોખમમાં મૂકાઈ રહ્યું છે આપણે પ્રકૃતિને બચાવીશું તો જ આપણું અસ્તિત્વ ટકી શકશે. આ માટે અવેરનેસ લાવવી જરૃરી છે તેથી ગાંધીનગરની વનશ્રી સંસ્થા ૨જી ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર 'વાઇલ્ડ લાઇફ વીક''ની ઉજવણી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર જિલ્લાની ૨૫થી વધારે સ્કૂલોના ૭૦૦૦ બાળકો વાઇલ્ડ લાઇફ અંગે અવેર થશે. કારણ કે બાળકોને નાનપણથી જ નેચર પ્રત્યે અવેર કરવામાં આવશે તો જ તેઓ મોટા થઈને પ્રકૃતિનું જતન કરશે. વાઇલ્ડ લાઇફ વીક અંતર્ગત વાઇલ્ડ લાઇફ અને એન્વાયરમેન્ટ પર સેમિનાર, પોસ્ટરમેકિંગ, નેચર ડ્રોઇંગ, વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન પર વકતૃત્વ સ્પર્ધા, વાઇલ્ડ લાઇફ ફિલ્મ શૉ, ગ્લોબલ વોર્મિંગ પર પ્રેઝન્ટેશન વગેરે દેવારા બાળકોને નેચર એજ્યુકેશન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ અંગે વનશ્રી સંસ્થાના સેક્રેટરી ચૈેતન્ય નિમાવત કહે છે કે, 'વાઇલ્ડ લાઇફ વીક દ્વારા ૭૦ ટકા બાળકો વાઇલ્ડ લાઇફ પ્રત્યે અવેર થાય છે. તેથી તેનો ફાયદો અત્યારે નહીં મળે પણ ભવિષ્યમાં તેનું ચોક્કસ રીઝલ્ટ આપણને મળી શકશે.' બાળકો એટલું તો જરૃર સમજે છે કે અત્યારે વાઇલ્ડ લાઇફને બચાવવાની જરૃર છે.
આમ જનતા પણ પક્ષીઓથી અવેર થાય તે માટે વનશ્રી સંસ્થા અને પર્યાવરણ વિભાગ દ્વારા દરરોજ સવારે બર્ડ વોચિંગનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. આ અંગે વિદ્યાર્થી રાહુલ પટેલ કહે છે કે, એનજીઓ દ્વારા આવી પ્રવૃત્તિઓ કરવામાં આવે તો બાળકોને ભણતર સાથે એન્વાયરમેન્ટ અને નેચર એજ્યુકેશન પણ મળી રહે છે. વાઇલ્ડ લાઇફ ફિલ્મ શૉમાં બાળકોને દરિયાઈ જીવસૃષ્ટિ, મગરમચ્છ, નેશનલ હેરિટેજની ફિલ્મો બતાવવામાં આવે છે. જો કે અત્યારે ગીધની જાતિ લુપ્ત થતી જાય છે તેની સંપૂર્ણ જાણકારી ફિલ્મ શૉમાં દર્શાવવામાં આવે છે પહેલા ગીધની કેટલી વસ્તી હતી, અત્યારે શા માટે લુપ્ત થતા જાય છે તેના પર પર્યાવરણની શી અસર પડી વગેરે બાળકોને ગ્લોબલ વોર્મિંગની જાણકારી પણ આપવામાં આવે છે. ભારત અને ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગની શું અસર પડી. કેવી રીતે ગ્લોબલ વોર્મિંગ થાય છે જેવા વિવિધ પ્રશ્નો વાઇલ્ડ લાઇફ વીકમાં બાળકોને એ સમજાવવામાં આવી રહ્યા છે.ે આપણે પર્યાવરણ અને પ્રકૃતિના કોઈ પણ જીવને બચાવીશું તો જ આપણું અસ્તિત્વ આ પૃથ્વી પર ટકી રહેશે. અત્યારે કીડીને બચાવવી પણ જરૃરી છે. કેમ કે કીડી પણ પ્રકૃતિની એક પોષણકડી છે. આપણા અસ્તિત્વ માટે પ્રણીઓ અને પક્ષીઓની પણ જરૃર છે આ અંગે ગાંધીનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ફાધર હેક્ટર પીન્ટો કહે છે કે, અત્યારે પર્યાવરણને જાળવવું ખૂબ જ જરૃરી છે. તેથી જો બાળકોને આવી રીતે નેચર એજ્યુકેશન પૂરું પાડવામાં આવશે તો પર્યાવરણ પ્રત્યે અવેરનેસ ચોક્કસ વધશે. વાઇલ્ડ લાઇફ વીક અંતર્ગત બાળકો, પર્યાવરણ, પ્રાણીઓ, પક્ષીઓ, જંગલો, ગ્લોબલ વોર્મિંગ વગેરેથી અવેર થઈ રહ્યા છે. જો અત્યારથી જ બાળકો વાઇલ્ડ લાઇફનું મહત્ત્વ સમજશે તો આગળ જઈને તે પર્યાવરણ અને વાઇલ્ડ લાઇફને નુકસાન તો નહીં કરે.