Sunday, December 5, 2010

તહેવારના દિવસોમાં ઈટિંગ આઉટ માટે જબરજસ્ત રશ્શ

દિવાળીના તહેવારમાં હોટલ બિઝનેસમાં જોરદાર ઈન્ક્રીમેન્ટ જોવા મળ્યું છે. લોકો તહેવારના દિવસે ઘરે જમવાને બદલે હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવાનું વધારે પસંદ કરે છે. દિવાળી પહેલા જ હોટલ અને રેસ્ટોરન્ટનું બુકિંગ ફૂલ થઇ ગયું હતું. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લોકોએ દિવાળીના તહેવારમાં ખાણીપીણી પાછળ ૨૦ ટકા વધારે પૈસા વાપર્યા છે. ધનતેરસથી બેસતા વર્ષ સુધી મોટા ભાગની હોટલો અને રેસ્ટોરન્ટમાં એક કલાકથી સાત કલાક સુધીનું વેઇટિંગ હતું. આ અંગે હોટલ બિઝનેસ સાથે સંકળાયેલા શૈલેશ શાહ કહે છે કે ‘છેક ભાઈબીજ સુધી હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવા માટે ઓછામાં ઓછું એક કલાકનું વેઈટિંગ તો ચાલતું જ હતું.’ તહેવારમાં લોકો ઘરની વાનગીને બદલે બહારની વાનગીનો ટેસ્ટ કરવાનું વધારે પસંદ કરે છે. આ વખતે પંજાબી અને કાઠિયાવાડી થાળીનો ક્રેઝ વધારે જોવા મળ્યો.


દિવાળીના તહેવારમાં ખાણી-પીણી બજારમાં ૫૦ ટકા જેટલું ઈન્ક્રીમેન્ટ થયું છે. જેમાં પંજાબી, કાઠીયાવાડી, સેન્ડવીચ અને પિત્ઝા જેવી વાનગી હોટ ફેવરિટ હતી.


પંજાબી અને ગુજરાતી રેસ્ટોરન્ટ હાઉસફૂલ હતી. લોકોએ સારી હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવા માટેનું બુકિંગ પણ બે દિવસ પહેલાં જ કરાવી લીઘું હતું. તો બીજી તરફ યંગસ્ટર્સમાં આ વર્ષે ફાસ્ટફૂડનો ક્રેઝ જોવા મળ્યો છે. યંગસ્ટર્સમાં સેન્ડવીચ અને પીત્ઝા દિવાળીના તહેવારમાં હોટ ફેવરિટ આઈટમ રહી છે. આ અંગે હોટલ બિઝનેસ કરતાં કમલેશ ઠાકર કહે છે કે, ‘આ વર્ષે દિવાળીના તહેવારમાં ૭૦ ટકા લોકોએ બહાર જવાનો આનંદ માણ્યો છે. આ વર્ષે હોટલ બિઝનેસમાં ૫૦ ટકા જેટલું ઈન્ક્રીમેન્ટ જોવા મળ્યું છે.’ તો બીજી તરફ હોટલ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોએ દિવાળીના તહેવારમાં રાત-દિવસ કામ કર્યું છે. આ અંગે એક રેસ્ટોરન્ટના માલીક રુચી રાવ કહે છે કે, ‘હોટલ અને રેસ્ટોરન્ટમાં કામ કરનારા મોટા ભાગના માણસો ગુજરાત બહારના છે. એ લોકો દિવાળીના તહેવારે વતનમાં જતા રહે છે તેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વેઈટરોની ખૂબ અછત હતી. દિવસના ૫૦૦ રૂપિયા આપતા પણ વેઈટરો મળતા નહોતા. અમદાવાદીઓએ દિવાળીના તહેવારમાં ખાણી-પીણી પાછળ અઢળક રૂપિયા વાપર્યા છે. હોટલો અને રેસ્ટોરન્ટમાં દિવાળીના સમયે લાંબી લાઇનો લાગી હતી.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

No comments:

Post a Comment