Wednesday, December 8, 2010

ચંબલના ડાકુઓને ૬ મહિના સુધી સમજાવવાનું કાર્ય કરી ચૂકેલા અબ્દુલચાચા કહે છે, અંતે ૬૪૦ ડાકુઓએ ખુશ થઇ આત્મસમર્પણ કર્યું

ચંબલની ઘાટીનું નામ સાંભળતા જ મનમાં ડાકુનો ડર પેદા થાય. પણ જ્યારે આ જ ઘાટીનો કોઇ સભ્ય શાંતિનો સંદેશો ફેલાવે ત્યારે કેવું આશ્ચર્ય થાય? હમણાં જ મૂળ તમીલનાડુના અબ્દુલચાચા અમદાવાદની મુલાકાતે આવીને ગયા તેમણે વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ સાથે શાંતિ અંગે ચર્ચા પણ કરી. ચાચાએ અગાઉ ચંબલના જંગલોમાં ૬ મહિના સુધી ડાકુઓ સાથે રહીને તેમને સમજાવવાનું કાર્ય કર્યું હતું.

સર્વોદય વિચારસરણી ધરાવતા અબ્દુલચાચા તેમની સાથે બે જોડી કપડા, રેંટિયો અને ડેવલપમેન્ટને લગતા પુસ્તકો રાખે છે. યુવાનો સાથે સમય વિતાવવો તેમને વધારે ગમે છે. અમદાવાદ વિદ્યાપીઠમાં તેમણે વિદ્યાર્થીઓ સાથે પોતાના અનુભવો શેર કર્યા અને આજના યુથને દરેક ક્ષેત્રમાં શાંતિ કેવી રીતે જાળવવી તે સમજાવ્યું

૧૯૬૦- '૭૦ના દાયકામાં ચંબલ ઘાટીમાં ડાકુઓનો સૌથી વધુ ત્રાસ હતો. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર અને રાજસ્થાનની બોર્ડર પર આવેલી ચંબલ નદીની ઘાટીઓ અને ડુંગરાઓ ડાકુઓ માટે પ્રખ્યાત છે. ૧૯૭૨માં સર્વોદય નેતા જયપ્રકાશ નારાયણે ચંબલના ડાકુઓની શરતો જાણવા અને આત્મસમર્પણ કરાવવા ડાકુઓ સાથે વાતચીત કરવા માટે એક ટીમ બનાવી હતી. આ ટીમમાં અબ્દુલચાચા પણ હતા. ૬૬ વર્ષના અબ્દુલચાચા અત્યારે ભારતના અનેક સ્થળોએ ફરીને શાંતિનો સંદેશો યુવાનોને આપી રહ્યા છે.
અબ્દુલચાચા સાથેની વાતચીતમાં ચંબલના જંગલમાં ડાકુઓ સાથે પોતાને થયેલા અનુભવો વિશે રસપ્રદ વાત કરી હતી. ચાચા કહે છે કે, જનતા ડાકુઓ સાથે હતી, પોલીસ સાથે નહોતી. ચંબલ ઘાટીમાં વાતચીત કરવા માટે અમારી ટીમ છ મહિના સુધી જંગલમાં પુરાઇ ગઇ. અને અંતે ૬૪૦ ડાકુઓએ એક સાથે અમારી વાતચીતના કારણે આત્મ સમર્પણ કરવાનો નિર્ણય લીધો હતો. વધુમાં ચાચા કહે છે કે, માધોસિંહ પર ૨૦ લાખનું ઇનામ હતું. જ્યારે મોરસિંહ પર ૪૦ લાખનું ઇનામ હતું. માધોસિંહ પાસે ૮૦ વ્યક્તિઓની ટોળકી હતી. આ ટોળકી પોલીસ યુનિફોર્મમાં સજ્જ થઇને આધુનિક હથિયાર સાથે પોલીસની ગાડી લઇને જ લૂંટફાટ કરવા નીકળતી હતી.
જ્યારે મોરસિંહની ગેંગમાં ૭૦ વ્યક્તિઓ હતા. મોરસિંહ દરેક જગ્યાએ પોતાના જાસુસો ગોઠવીને હુમલો કરવાની અને લૂંટફાટની યોજનાઓ બનાવતો હતો. જ્યારે આ ડાકુઓએ સમર્પણ કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે સરકાર સામે ૪ શરતો મૂકી હતી. પ્રથમ શરત એ હતી કે તેઓને હાથમાં બેડીઓ નહીં પહેરાવવામાં આવે. બીજી શરત એ હતી કે તેમના પર જે ચોરી, લૂંટફાટ વગેરેના આરોપો છે તે બધાં પર એક જ કેસ ચલાવવામાં આવે. ત્રીજી શરત તેમના પરિવારના સભ્યોને પ્રોટેક્શન આપવાની હતી અને છેલ્લી શરત તેમના પરિવાર માટે આમદની અને રેશનની વ્યવસ્થા કરવાની હતી.
૭૦ ગેંગના કુલ ૬૪૦ ડાકુઓ માટે ખાસ આત્મસમર્પણનો પ્રોગ્રામ થયો હતો. જેમાં ડાકુઓ સ્ટેજ પર હથિયાર મૂકી સમર્પણ કરતા હતા. તેમને ગ્વાલિયરની જેલમાં લઇ જવામાં આવ્યા અને તેમના માટે ખાસ કોર્ટની રચના કરી. જેમાં કોઇને ૨ વર્ષ કોઇને ૫ વર્ષની સજા થઇ. ઘણાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા તો ઘણાને આજીવન કેદ થઇ હતી. તેમના માટે ૧૦૦ એકર જમીનમાં ઓપન જેલ બનાવવામાં આવી અને ત્યાર પછી તેઓ જેલમાં જ પોતાના પરિવાર સાથે ખેતી કરતા હતા. સમય જતા આજીવન કેદની સજાને પણ માફ કરવામાં આવી. અને તેમને જમીન આપવામાં આવી તો કેટલાકને મિલેટ્રીમાં સ્થાન આપવામાં આવ્યું અને કેટલાકને પરિચિત કંપનીમાં કામ આપવામાં આવ્યું. ચાચા કહે છે કે, આ ડાકુઓ તો પવિત્ર લોકો હતા, કારણ કે તેમણે ભલે અત્યાચારો કર્યા પણ પછી પશ્ચાતાપ કરીને આત્મસમર્પણ કર્યું એ બહું મોટી ઘટના હતી. મહત્ત્વની વાત એ છે કે આ બધા ડાકુઓ પર ૨૦૦થી લઇને ૪૦૦ સુધી લૂંટના કેસ હતા પણ આ ડાકુઓ સ્ત્રીઓને ક્યારેય હેરાન કરતા નહીં અને એક પણ રેપિંગ કેસ થયો નહોતો. અત્યારે અબ્દુલચાચા મહારાષ્ટ્રના જલગાંવમાં જૈન ઇરિગેશન કંપની સાથે રૃરલ ડેવલપમેન્ટનું કાર્ય કરે છે. સાથે આંતરભારતી સંસ્થા દ્વારા સમગ્ર ભારતમાં ફરીને યુવાનો સાથે કામ કરે છે. ભારતના દરેક રાજ્યનો પરિચય ચાચાને છે. નક્સલવાદીઓ સાથે પણ ચાચા તેમના પ્રશ્રો જાણીને સમર્પણ કરાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. સર્વોદય વિચારસરણી ધરાવતા અબ્દુલચાચા તેમની સાથે બે જોડી કપડા, રેંટિયો અને ડેવલોપમેન્ટને લગતા પુસ્તકો રાખે છે. યુવાનો સાથે સમય વિતાવવો તેમને વધારે ગમે છે.

No comments:

Post a Comment