Saturday, July 23, 2011

ત્રણ મહિનામાં ૮૦ લાખથી વધુ નવકારમંત્રના જાપ


રાષ્ટ્ર, સંસ્કૃતિ અને ધર્મના ક્ષેત્રે આગવંંુ પ્રદાન કરનાર જૈન ધર્મના પંન્યાસ પ્રવર ચન્દ્રશેખર વિજયજી મહારાજના આજે ૭૮માં જન્મ દિવસની ઉજવણી નિમિત્તે તેમના સુંદરે આરોગ્ય માટે તપોવન સંસ્કાર પીઠ અમીયાપુરના વિદ્યાર્થીઓએ સાથે મળીને કુલ ૭૦ લાખ નવકાર મંત્રનો જાપ કર્યો હતો. વ્યસનો અને ફેશનના ફંદામાં ફસાયેલી યુવા પેઢીને સન્માર્ગે વાળવા માટે તેમણે વૈચારિક ક્રાંતિનો પ્રકાશ પાથર્યો છે. ત્યારે આજે તેમના ૭૮માં જન્મ દિવસ નિમિત્તે તેમને દીર્ધાયુ મળે તે માટે સમગ્ર ભારત ભરના જૈન સંઘો દસ હજારથી વધારે આયંબિલ તપની તપશ્ચર્યા કરશે.

જૈનાચાર્ય ચન્દ્રશેખર વિજયજી મહારાજ સાહેબના ૭૮માં જન્મ દિવસ નિમિત્તે આજે સમગ્ર ભારત અને અમદાવાદના જૈન સંઘો દ્વારા ૨૫૦૦૦થી વધારે આયંબીલ તપશ્ચર્યા કરવામાં આવશે. આ પ્રસંગ નિમિત્તે તપોવન સંસ્કાર પીઠના ૪૦૦ વિદ્યાર્થીઓ ૮૦ લાખથી વધુ નવકાર મંત્રનો જાપ કર્યો હતો

આ પ્રસંગ નિમિત્તે તપોવનના ૪૦૦ વિદ્યાર્થીઓએ ત્રણ મહિનામાં ૮૦ લાખથી વધુ નવકાર મંત્રનો જાપ કરીને તેમના સુંદર આરોગ્ય માટે પ્રભુને પ્રાર્થના કરી હતી. મહત્ત્વની વાત એ છે કે તપોવન સંસ્કાર પીઠના વિદ્યાર્થીઓ ડિસ્કો અને ક્રિકેટથી દૂર રહીને ભક્તિમય વાતાવરણમાં તપશ્ચર્યાની સાથે સાથે પરિક્ષાની તૈયારી પણ કરે છે. આ ઉપરાંત આજે સમગ્ર અમદાવાદના દરેક જૈન સંઘમાં કુલ મળીને દસ હજાર આયંબીલની તપશ્ચર્યા કરશે. આયંબીલ તપશ્ચર્યામાં ઘી, તેલ, ગોળ, દૂધ, દહીં જેવી છ મુખ્ય વસ્તુઓનો ત્યાગ કરવામાં આવે છે. અને આજે અમદાવાદમાં પાંચ હજારથી વધારે તથા સમગ્ર ભારતમાં ૨૫ હજારથી વધારે આયંબીલની તપશ્ચર્યા કરવામાં આવશે.

ચન્દ્રશેખર વિજયજી મહારાજ સાહેબના સ્વસ્થ આરોગ્ય માટે જૈન મુનિ ગિરિ ભૂષણ વિજયજી મહારાજ સાહેબે ૨૨ વખત સોળ ઉપવાસની તપશ્ચર્યા કરી છે. તેઓ આજે ૨૨મી વખત સોળમો ઉપવાસ પૂર્ણ કરશે. તેઓ ઉપવાસના પ્રથમ દિવસે એક સાથે સોળ ઉપવાસ કરવાના છે તેમ નક્કી કરી દે છે. જેને જૈ શાસનમાં પચખાણ કહે છે. આમ આજે ચન્દ્રશેખર વિજયજી મહારાજ સાહેબના ૭૮માં જન્મ દિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર ભારત અને અમદાવાદમાં આયંબીલ તપશ્ચર્યા કરવામાં આવશે

તસ્વીર : સુરેશ મિસ્ત્રી

ગાંધીજીના મુખ્ય મથક અમદાવાદમાં ખાદી બનતી નથી

આશ્ચર્યની વાત એ છે કે ગાંધીજીની કર્મભૂમિ અમદાવાદમાં ક્યાંય ખાદીનું કાપડ બનતું નથી. ૧૯૮૦ સુધી માત્ર ગાંધી આશ્રમમાં જ ખાદી વણાટનું કામ ચાલતું હતું, પરંતુ ૧૯૮૦ પછી કારીગરોના અભાવને કારણે ખાદી વણવાનું બંધ થઇ ગયંં. અમદાવાદમાં ૪૦થી ૪૫ ખાદી ભંડારો છે, પરંતુ આ ખાદી ભંડારોમાં અમદાવાદની આસપાસના ગામડાઓ અને સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી, ભાવનગર, સિંહોર, ગૌડલ, રાજકોટ, ગઢડા, ઢસા વગેરે જગ્યાએથી ખાદીનું કાપડ બનીને આવે છે. અને જે પાતળી ખાદી આવે છે તે પરપ્રાંતમાંથી આવે છે. આ અંગે ગાંધી આશ્રમમાં ઇમામ મંઝિલમાં રહેતા ૪૨ વર્ષના ધીમંતભાઇ બઢિયા કહે છે કે, મારા દાદા અને પર દાદા ગાંધી આશ્રમમાં ખાદી વણાટનું કામ કરતા હતા. હું પોતે એક મિલ કામદરા છું અને હવે આશ્રમની ભૂમિ પર કોઇ ખાદી વણાટનું કામ કરનાર રહ્યું નથી. પરંતુ આશ્રમની મુલાકાતે આપતા ટુરિસ્ટોને ખાદી કેવી રીતે બને અને કોટનમાંથી વસ્ત્ર કેવી રીતે તૈયાર થાય એ જાણકારી મળી રહે તે માટે મેં બે વર્ષથી ખાદી વણાટનું સેન્ટર ચાલુ કર્યું છે. પરંતુ ખાદીનું ઉત્પાદન નથી થતું.
ગાંધીજીની કર્મભૂમિ અમદાવાદમાં ક્યાંય ખાદીનું કાપડ બનતું નથી. અમદાવાદમાં આવેલા ૪૦થી ૪૫ જેટલા ખાદી ભંડારોમાં આસપાસના ગામડાઓ, સૌરાષ્ટ્ર તથા પરપ્રાંતમાંથી ખાદીનું કાપડ આયાત કરવામાં આવે છે

ખાદીનું કાપડ બનાવવા માટે સુતરની આંટીઓની ચાર- પાંચ દિવસ સુધી પ્રોસેસ કરવી પડે છે. અને ત્યાર પછી ખાદીનું કાપડ બને છે. આ અંગે ગાંધી આશ્રમમાં રહેતા ૭૧ વર્ષીય સાન્તાબેન બઢિયા કહે છે કે, શરૃઆતમાં આશ્રમમાં વણાટ શાળા હતી. જેમાં ખાદી વણાટકામ શીખવા માટે સમગ્ર દેશમાંથી લોકો આવતા હતા. સમય જતાં બધું જ બંધ થઇ ગયું અને આજે તો અમદાવાદમાં ગાંધીજીના આશ્રમમાં પણ કાદીનું કાપડ નથી બનતું. જ્યાં સુધી જુની પેઢીના લોકો હતા ત્યાં સુધી તેઓએ પોતાનો ખાદી વણાટનો વ્યવસાય પકડી રાખ્યો હતો, પરંતુ ઓછા વળતરને કારણે નવી પેઢી પોતાના ખાદીના વ્યવસાયને છોડીને અન્ય વ્યવસાયમાં લાગી ગઇ છે. આ અંગે આશ્રમમાં રહેતા નરશીભાઇ બઢિયા કહે છે કે, અમદાવાદમાં હવે કોઇને ખાદી વણાટનું કામ આવડતું નથી. ખાદીનું કાપડ બનાવવા માટે ગામડામાંથી કારીગરોને લાવવા પડે છે, પરંતી ખાદીમાં રોજી- રોટી ઓછી મળતી હોવાથી ખૂબ જ ઓછા લોકો હવે ખાદી વણાટનું કામ કરે છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

દારુણ ગરીબીમાં પણ મસ્ત રહેતા સીદીઓ 'બાદશાહ' કહેવાયા

 સાસણ ગીર એટલે એશિયાટિક સિંહની ત્રાડોથી ગુંજતો એક વિસ્તાર. અહીં જંગલમાં સતત ફરતા ફરતા તમને ડાલામથ્થા સાવજોની સતત પ્રતિતિ થયા કરે. સિંહ સિવાય પણ સાસણ અને તાલાળા ગીરમાં એક બીજી વિશેષતા છે અને એ છે અહીંના સીદી બાદશાહ. આફ્રિકન જેવી લાગતી આ અનોખી આદિ જાતિનો ખડતલ પુરુષ છ ે આજે પણ ગીરના જંગલોમાં ખુલ્લા પગે આગ ઝરતી આંખો વાળા સિંહ સામે ગભરાયા વગર ઉભા રહી જાય છે. ગીરના માલધારીઓની જેમ અહીંના સીદીઓની પણ આગવી સંસ્કૃતિ છે. આ વિસ્તારના મોટાભાગના સીદીઓ છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગરીબીમાં જીવતા હોવા છતાં તેમના માં રહેલા સંતોષને કારણે સૌરાષ્ટ્રમાં તેમને સીદી-બાદશાહ કહેવામાં આવે છે.

જૂનાગઢ જિલ્લાના જાંબુર અને શિરવાણ ગામના સીદીઓ છૂટક મજૂરી કરીને જીવન નિર્વાહ ચલાવે છે. અનેક મુશ્કેલીઓમાં પણ સંતોષી અને મસ્ત જીવન જીવવાનો ગુણ દરેક સીદીમાં સ્વાભાવિક પણે જોવા મળે છે

સીદીઓનું ધમાલ નૃત્ય તો આજે ગુજરાતના દરેક પ્રદેશમાં જાણીતું બની ગયું છે. હવે તો હાઈપ્રોફાઈલ ફેમીલીના લગ્નોમાં પણ સિદી ધમાલ નૃત્યનું આયોજન કરવામાં આવે છે.
 ૫૦૦ વર્ષ પૂર્વે આફ્રિકાથી ગુલામ તરીકે ભારતમાં આવેલા સીદીઓને આપણા નવાબો તથા સુબાઓએ તેમને ખરીદ્યા હતા. ખડતલ પ્રજા હોવાથી તેમણે સીદીઓને સિંહના શિકાર અને લશ્કરમાં રોક્યા. સીદી બાદશાહનું ધમાલ નૃત્ય વિશ્વ વિખ્યાત બન્યું છે. સીદીઓ જ્યારે શિકાર કરવા જતા ત્યારે આ નૃત્ય કરતાં અને શિકાર મળી જાય એટલે આનંદમાં આવીને જે નૃત્ય કરતા તે આદિમ સંસ્કૃતિની ઝાંખી આજે પણ જોવા મળે છે.

આખા ગુજરાતમાં કુલ ૧૫ હજાર જેટલા સીદીઓની વસ્તી છ,જ્યારે આખા ભારતમાં ૨૫૦૦૦ સીદીઓ છે..જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જોવા મળે છે. જૂના ગઢ જિલ્લાનું તાલાળા, જાંબુર, શિરવાણમાં તેમની વસ્તી સૌથી વધુ છે.ભારતમાં ગુજરાત,ગોવા,કેરળ અને કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સીદીઓની વસ્તી જોવા મલે છે. લોકવાયિકા પ્રમાણે ગુજરાતમાં સીદીઓ સૌપ્રથમ ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે આવ્યા હતા. સીદીઓના સૂફી સંત બાબા ગોરની દરગાહ આજે પણ ઝઘડીયા ના રતનપુરમાં છે. સીદીઓ ઈસ્લામને અનુસરે છે. અમદાવાદમાં પણ પથ્થરકુવા અને ખાનપુરમાં સીદીઓની વસ્તી છે.આ અંગે જાણીતા લોક ઈતિહાસકાર જોરાવરસિંહ જાદવ કહે છે, ' ગુજરાતના સીદીઓ તેમની આગવી કલાથી આખા વિશ્વમાં પ્રસિધ્ધ છે. ભરુચના સિદી ગોમાનું ધમાલ નૃત્ય વિશ્વના અનેક દેશોમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે આ કલાને ગુજરાતની આગવી કલા તરીકે ખ્યાતિ મળી હતી.લોકકલા ફાઉન્ડેશન દ્વારા ભરુચના સીદી કલાકાર શબ્બીરભાઈ સીદીને તેમના કલા ક્ષેત્રે આગવા પ્રદાન બદલ ગુજરાત લોકકલા ગૌરવ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે.
તસ્વીર :  સુરેશ મિસ્ત્રી

મોલ કલ્ચરમાં કલાકે કલાકે મહિલા-બાળકો સહિત ગણતરી માંડતી સિસ્ટમ

 શું તમે મોલમાં શોપિંગ કરવા માટે ગયા છો? જો હા, તો સમજી લો કે તમારી ગણતરી થઇ ગઇ છે, કારણ કે મોલમાં શોપિંગ કરવા માટે જતા દરેક લોકોની ગણતરી કરવામાં આવે છે. જેની અપણને ખબર હોતી નથી. મોલના દરવાજેથી એન્ટ્રી કરો કે તરત જ દરવાજા પાસે ઉભેલા સિક્યુરિટી ગાર્ડ નાનકડા કાઉન્ટિંગ મશીનમાં તમાર એન્ટ્રી કરી દે છે, અને દર કલાકે કેટલા લોકો મોલની અંદર આવ્યા તેનો રેકોર્ડ તૈયાર કરવામાં આવે છે. આખા દિવસમાં કેટલા લોકો મોલમાં શોપિંગ કરવા માટે આવ્યા તેનો રેકોર્ડ તૈયાર કવામાં આવે છે અને પછી તે રેકોર્ડને જે તે મોલની હેડ ઓફિસમાં મોકલવામાં આવે છે.


અમદાવાદના મોલ્સમાં અનોખા કાઉન્ટિંગ મશીન અને ક્લોઝ સર્કિટ કેમેરાની મદદથી દર કલાકે કેટલા પુરુષો,મહિલાઓ અને બાળકો ખરીદી કરી રહ્યા છે તેની રજે રજની માહિતી મળે છે

આ અંગે એક મોલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મુકેશ ઠાકોર કહે છે કે, અમારા હાથમાં લેડિઝ, જેન્ટ્સ અને કિડ્સની ગણતરી કરવા માટે નાનકડા કાઉન્ટિંગ મશીન હોય છે. જેમાં ત્રણયે કેટેગરીને અલગ અલગ રેકોર્ડ રાખવામાં આવે છે. આ ગણતરી કરવા પાછળું કારણ એ છે કે જેનાથી ખ્યાલ આવે છે કે કેટલા લોકો મોલમાં શોપિંગ કરવા માટે આવે છે, કારણ કે જ્યારે મોલ કલ્ચરની શરૃઆત થઇ ત્યારે લોકોમાં મોલમાં જઇને ખરીદી કરવાનો ખૂબ જ ઉત્સાહ હતો, પરંતુ લોકો ફરીથી મોલને બદલે શહેરના જુના બજારોમાંથી ખરીદી કરવા તરફ આકર્ષાયા છે. અત્યારે શહેરમાં અનેક હાઇ પ્રોફાઇલ મોલ બની ગયા છે. જેમાં નાનામાં નાની વસ્તુથી લઇને જીવન જરૃરિયાતની દરેક વસ્તુ એક જ જગ્યાએથી મળી રહે છે. હકીકતમાં મોલમાં જઇને શોપિંગ કરનારો વર્ગ ઘટયો હોવાથી મોલમાં જનાર લોકોનું કાઉન્ટિંગ કરવામાં આવે છે.
 આ અંગે અન્ય એક મોલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા શૈલેષ શ્રીમાળી કહે છે કે, મોલની અંદર પ્રવેશ કરતા લોકોને ખબર નથી હોતી કે તેમની ગણતરી કરવામાં આવે છે, પરંતુ દરરોજ મોલમાં કેટલા લોકો ખરીદી કરવા માટે આવે છે તેની જાણકારી મેળવવા માટે દરેક મોલમાં આ સિસ્ટમ કાર્યરત છે. પરંતુ આ કાઉન્ટિંગને મોલમાં જનાર લોકો સાથે કોઇ લેવા દેવા નથી. આ કાઉન્ટિંગ માત્ર જે તે મોલની ઓથોરિટી સાથે જ સંબંધ ધરાવે છે. આ સિસ્ટમને કારણે એક ફાયદો એ થાય છે કે મોલની ઓથોરિટીને ખબર પડે છે કે કયા સમયે અને કયા દિવસે લોકો મોલમાં વધારે આવે છે.
તસ્વીર :  સુરેશ મિસ્ત્રી

વિશ્વની નામશેષ થતી ક્રેઓલ ભાષામાં જાઝ મ્યુઝિક

ભારત પાસે આવેલા હંિદ મહાસાગરના રિયુનિયન ટાપુની ક્રેઓલ ભાષા આજે નામશેષ થવાને આરે છે. આ ભાષામાં ફ્રાન્સના જાણીતા કલાકાર ડેનિયલ વારો વસ્ત્રાપુર લેક ખાતે અનોખું સંગીત આપશે
ફ્રાન્સના તાબા હેઠળના હિન્દ મહાસાગરમાં આવેલા રિયુનિયન ટાપુના સ્ટેજ ગજવતા ડેનિયલ વારો અમદાવાદના વસ્ત્રપુર તળાવ પાસે આગામી ૧૨મી માર્ચે ફ્રેન્ચ મ્યુઝિકની રમઝટ બોલાવશે. ડેનિયલ વારોનો અવાજ મંત્રમુગ્ઘ કરી દે તેવો છે. એક વાર્તાકારની માફક ડેનિયલ વારો પોતાના સંગીતને રજૂ કરવાની અનોખી કળા ઘરાવે છે.
આ કલાકાર વિશે ખાસ લખવાનું કારણ એક જ છે કે ભારતની પાસે આવેલા રિયુનિયન ટાપુ આજે પણ ફ્રાન્સના તાબા હેઠળ છે. અહીં ફ્રેન્ચ કલ્ચર ચલણમાં છે. છતાં રિયુનિયન આઈલેન્ડમાં ક્રેઓલ અને મલોયા નામની બે સંસ્કૃતિ વિશ્વ વિખ્યાત છે. અહીંના લોકો શાંતિ પ્રિય હોવાના કારણે અહીંના એક એક સાંસ્કૃતિક સ્થાપત્યો વિશ્વ પ્રસિઘ્ઘ છે. આવા પ્રદેશથી ડેનિયલ વારો પોતાનું એક અલગ પ્રકારનું સંગીત લઈને અમદાવાદ આવી રહ્યા છે. ડેનિયલ વારો ક્રેઓલ અને મલોયા ભાષામાં પોતાનું સંગીત પિરસશે. આ બંન્ને ભાષા આપણા માટે નવી છે. પરંતુ સંગીતના સૂરો તો દરેક વ્યક્તિ અંતરથી માણી શકે છે.
 ડેનિયલ વારોની બીજુ વિશેષતા એ છે કે તેમના ગીતોમાં ફ્રાન્સનું કલ્ચર, રંગભેદ, પ્રેમ અને મૃત્યુને વઘુ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
ડેનિયલ વારો સાથે તેના ચાર સાથીદારો પણ ક્રેઓલ ઈન્સ્ટ્રુમેન્ટ સાથે પર્ફોર્મ કરશે.વોમેક્સ એવોર્ડ વિજેતા ડેનિયલ વારો ભારતના જુદા જુદા શહેરોમાં પોતાનું પર્ફોમન્સ આપશે. ૨૦૧૦માં કોપન હેગનમાં ભરાયેલ વોમેક્સ મ્યુઝિક માર્કેટમમાં ડેનિયલ વારોને ૨૦૧૦નો બેસ્ટ વર્લ્ડ મ્યુઝિશિયન વોમેક્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ડ આ અંગે એલિયન્સ ફ્રોન્સેઝ અમદાવાદના ડાયરેક્ટ ફિલીપ માર્ટિન કહે છે કે, લોકોના મનને તંદુરસ્ત કરવા માટે આ મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના દરેક લોકો આ મ્યુઝિક કોન્સર્ટના ફ્રી ઓફ કોસ્ટમાં આનંદ માણી શકશે.

૫ x ૩ સે.મીનું ટચૂકડું મિનિએચર મેકબેથ

 વિખ્યાત નાટયકાર વિલિયમ શેક્સપિયરનું મેકબેથ પુસ્તક ધરાવનાર અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષના રતિલાલ મંડલીને થોડા સમય પહેલાજ લિમ્કા બુક અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. વિશ્વમાં એક માત્ર તેમની પાસે આ પુસ્તક છે. અને આ પુસ્તક ૨૮૫ વર્ષ જુનું છે. તથા વિશ્વનું નાનામાં નાનું પુસ્તક છે. વ્યવસાયે શિક્ષક એવા રતિલાલભાઇ નાનપણથી જ પુસ્તકપ્રેમી છે. શેક્સપિયરનું આ અમૂલ્ય પુસ્તક તેમને ૧૯૭૫માં અમદાવાદની ગુજરી બજારમાંથી મળ્યું હતું. ત્યારે રતિલાલભાઇ પીટીસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા. તેમને આ પુસ્તક ખરીદવા માટે ૫૦ રૃપિયાની જરૃર હતી, પરંતુ તેમની પાસે પૈસા નહોતા તેથી તેમણે મિત્રો પાસેથી ૫૦ રૃપિયા ઉધાર લઇને આ પુસ્તક ખરીદ્યું હતું.

સમગ્ર વિશ્વમાં શેક્સપિયરનું મેકબેથ નાટક ખૂબ જ જાણીતું છે. નવાઇની વાત એ છે કે આ પુસ્તકનું વજન માત્ર ૧૬ ગ્રામ જ છે. અને આ પુસ્તક માચીસ બોક્સમાં પણ આવી જાય એટલી નાની સાઇઝનું છે. આ પુસ્તક ૩ સે.મી લાંબુ, ૫ સે.મી પહોળું અને ૧.૫ સે.મી ઊંચું છે અને કુલ ૩૧૫ પાના છે.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા રતિલાલ માંડલી વિશ્વના એકમાત્ર વ્યક્તિ છે જેમની પાસે વિલિયમ શેક્સપિઅર દ્વારા લિખિત નાટક મેકબેથની મિનિએચર પ્રતિકૃતિ છે. આ અનોખા સંગ્રહ બદલ તેમને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે

સમગ્ર વિશ્વમાં નાનામાં નાનું પુસ્તક ધરાવનાર એક માત્ર રતિલાલભાઇને ૨૦૧૦માં લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને ૨૦૧૧માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યંંુ છે. આ પુસ્તક ઇ.સ. ૧૬૨૬માં અલાઇડ પબ્લિકેશન દ્વારા લંડનથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. અને રતિલાલભાઇના હાથમાં આ પુસ્તક આવતા તેમણે ખૂબ મહેનત કરીને આ પુસ્તકની સાચવણી કરી છે.

માઇક્રો સાઇઝમાં હોવા છતાં પણ આજે આ પુસ્તકના અક્ષરો નરી આંખે વાંચી શકાય છે. આ અંગે રતિલાલભાઇ કહે છે કે, ખુલ્લી હવામાં ભેજ રહેલો હોવાથી તેની અસર પુસ્તકના પાના પર થાય છે. તેથી મેં આ પુસ્તકને સાચવવા માટે પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરીને અકે સ્પેશિયલ બોક્સમાં રાખ્યું છે કે જેથી કરીને તેમાં હવા ના જઇ શકે. અને આ પુસ્તકમાં શબ્દોની સાથે સાથે ચિત્રો પણ દોરેલા છે.
તસ્વીર :  સુરેશ મિસ્ત્રી

રૂ.૫૦૦૦ની પ્લેટ તૈયાર કરતા ફાઈવસ્ટારના શેફ સાંજે રૂ.૩૦નું સાદું ભોજન કરે છે

ગાંઘી આશ્રમ પાસે ઘરે બનાવેલું ભોજન પીરસતા પરિવારો સાથે બેસીને આશ્રમ રોડ પર આવેલી ફાઈવસ્ટાર હોટલના શેફ અને તેમનો ક્રુ સ્ટાફ રોજ સાદા ભોજનની મજા માણે છે
 કોઈ ફાઈવ સ્ટાર હોટલના શેફ કે વેઈટરને મળવાનું થાય તો કોઈપણ વ્યક્તિ એક પ્રશ્ન તરત જ પૂછી લે છે કે તમારે તો રોજ ફાઈવસ્ટાર હોટલમાં જમવાનો લાભ મળતો હશે નહીં ? જવાબ મળે ‘હા’.અમદાવાદના આશ્રમ રોડ વિસ્તાર પર આવેલી ફાઈવ સ્ટાર હોટલના શેફ,આસિસ્ટન્ટ શેફ અને વેઈટર રેગ્યુલર રીતે ત્રીસ રૂપિયામાં ઘરેલું ભોજન ખાવાનું વઘુ પસંદ કરે છે.
 કારણ માત્ર એક જ છે કે તેઓ ફાઈવ સ્ટાર હોટલોની ચટાકેદાર સ્વાદથી કંટાળી જાય છે.આ અંગે એક ફાઈવ સ્ટાર હોટલના શેફ રસોયો રાધે શર્મા (નામ બદલ્યું છે) કહે છે કે, લોકો હોટલમાં જમવા માટે આવતા હોય છે જ્યારે અમે હોટલની બહાર વીશીમાં જમવા માટે જઈએ છીએ. કારણ કે શાકભાજી ભલે જુદા જુદા હોય પણ દરરોજ એક જ પ્રકારના સ્વાદ અને મસાલાથી ભરપૂર શાક તથા મેંદાથી કંટાળીને હોટલનો સ્ટાફ બહારની રસોઈ ખાવાનું પસંદ કરે છે. આ અંગે એક હોટલનો આસિસ્ટન્ટ શેફ રાજુ બનીયાલ શર્મા (નામ બદલ્યું છે) કહે છે કે, હોટની રસોઈ બનાવતી વખતે બઘું જ મીક્સ થતું હોય છે.
 એ જોઈને જ જમવાની ઈચ્છા મરી જાય છે. તેથી હું મેસમાં જમવા માટે જાવ છું. તેઓ રસોઈ બનાવીને કંટાળી જતા હોવાથી પોતાના માટે અલગ રસોઈ બનાવવાને બદલે બહારની સાદી રસોઈ જમવાનું વધારે પસંદ કરે છે.આ અંગે અન્ય એક ફાઈવ સ્ટાર હોટલના કિચનમાં કામ કરતા ક્રિષ્ના ગુપ્તા કહે છે કે, રસોઈ બનાવતી વખતે સ્વાદથી જ મારૂં પેટ ભરાઈ જાય છે. તેથી હોટલની રસોઈના સ્વાદ કરતાં મને સાદી રસોઈનો સ્વાદ વધારે ગમે છે. તેથી હું ડેઈલી મેસની રસોઈ ખાવા માટે જાઊં છું.

હું હોટલના સ્વાદથી એટલો કંટાળ્યો છું કે હવે તો હોટલની રસોઈ શાખવાની પણ ઈચ્છા નથી થતી. જો કોઈ પણ માણસ એકવાર હોટલના કિચનમાં એન્ટ્રી કરીને જોઈ તો તે જિંદગીમાં ક્યારેય હોટલનું જમવાનું નહીં ખાય એ હું ગેરેન્ટી આપુ છું. હું ૫૦૦ રૂપિયાથી ૫૦૦૦ હજાર રૂપિયા સુધીની એક ડીસ બનાવુ છું તો પણ મને બહારની ૩૦ રૂપિયાની સાદી ડીસ વધારે સારી લાગે છે.
 આ અંગે આશ્રમ રોડ પર પોતાના ઘરે ૩૫ રૂપિયામાં સાત્ત્વિક થાળી પીરસતા પાર્થ ચૌહાણ કહે છે કે, મારા ઘરે આશ્રમ રોડની ફાઇવસ્ટાર હોટલના રસોયા અને વેઇટરો કઢીને રોટલી જમવા માટે આવે છે. મારી સાદી રસોઇ ખાઇને કહે છે કે, આવી રસોઇ તો અમે પણ નથી બનાવી શકતા. આમ આપણને ભલે ફાઇવ સ્ટાર હોટલમાં જમવાનો શોખ હોય પરંતુ ફાઇવ સ્ટાર હોટલના શેફ તો ગૃહિણીના ઘરે બનતું સાદુ જમવાનું જ પસંદ કરે છે.
 આ વાત પરથી સ્વાદ રસિયા ગુજરાતીઓ માટે એક જ મેસેજ છે કે ખાવાનું ચાહે ગમે તેટલું મોંધું હોય પણ મેંદા,મસાલા અને ફેટી ફૂડથી ફાઈવસ્ટાર હોટલના શેફ પણ કંટાળે છે.

ફેનાટિકા ડ્રામા ફેસ્ટિવલમાં રજૂ થઈ માનવ સંવેદના

 અમદાવાદની એલિયોન્સ ફ્રોન્સેઝ દ્વારા યુવાનોને થિયેટર સુધી લઇ જવા માટે છેલ્લા એક વર્ષથી પહેલા ફેનાટિકા થિયેટર ક્લબની રચના કરી હતી. ફેનાટિકા થિયેટર ક્લબના એક વર્ષ પૂર્ણ થયાના નિમિત્તે એલિયોન્સ ફ્રોન્સેઝ દ્વારા આજતી પ્રથમ વાર બે દિવસીય ફેનાટિકા થિયેટર ફેસ્ટિવલ યોજવામાં આવ્યા હતો. જેમાં બે ફ્રેંચ નાટકોની રજૂઆત કરવામાં આવ્યા હતા. આ બે નાટકોમાંથી એક નાટક અંતરાલ જાણીતા નાટયકાર હસમુખ બારાડી દ્વારા ગુજરાતી ભાષામાં ભાષાંતર કરીને રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજુ નાટક ધી ઇમેજનરી ઇનવેલિડ છે. આ બંને નાટકોનું દિગ્દર્શન એલિયોન્સ ફ્રાન્સેજના કલ્ચરલ કોઓર્ડિનેટર ચિંતન પંડયાએ કર્યું હતું.

અમદાવાદની એલિયોન્સ ફ્રાન્સેઝ દ્વારા યોજવામાં આવેલા ફેનાટિકા થિયેટર ફેસ્ટિવલમાં ૧૭મી સદીનું ધી ઇમેજનરી ઇનવેલીડ અને અંતરાલ એકાંકીમાં માનવસહજ ભાવોને રજૂ કરવામાં આવ્યા

બે ગરીબ નોકરાણીઓ અને એક ધનવાન મેડમ એમ ત્રણ પાત્રોથી બનેલા આ એકાંકીમાં બે વર્ગ વચ્ચેના ભેદને સુંદર રીતે વણી લેવામાં આવ્યો હતો.આ નાટકમાં નોકરાણીનો રોલ ભજવનાર આંશી શાહ કહે છે, સમાજમાં થતી બહુ નાની નાની વાતોમાં ગરીબ- ધનવાન વચ્ચેના ભેદ સ્પષ્ટ થતા હોય છે.તો વળી મેડમનો રોલ ભજવાનર શ્રોયસી મહેતા કહે છે કે, આ નાટક ઉદ્દેશ્યામ્તક છે. જેનાથી સમાજમાં પ્રવર્તતી હકીકતનો આપણને ખ્યાલ આવે છે. જ્યારે બીજુંં નાટક ધી ઇમેજનરી ઇનવેલીડમાં બાર કેરેક્ટર પરફોર્મ કરે છે. ૧૪મી સદીના આ કોમેડી નાટક છેમાં મુખ્ય પાત્રની આજુબાજુ સહાયક પાત્રો પોતાના અભિનય દ્વારા દર્શકોને હસાવવાનો પ્રયત્ન કરે છે. અને મુખ્ય પાત્રને હાઇપોટિઝમ નામની બીમારી છે. તેથી બીજાને ચેપ લાગે છે અને આખા એકાંકી દરમ્યાન કોમેડીની એક લહેર છવાઈ જાય છે. આ અંગે નાટકના દિગ્દર્શક ચિંતન પંડયા કહે છે કે, યુવાનોને થિયેટરનું ફોર્મલ સ્ટેજ મળી રહે તથા યુવાનો રંગભૂમિ પ્રત્યે રસ લેતા થાય એ માટે આ નાટય ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
તસ્વીર :  સુરેશ મિસ્ત્રી

ખુલ્લા પગે ચાલીને ૫૦ લાખની પસ્તી ઉઘરાવવાનો સંકલ્પ

 અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા નવકાર યુવક મંડળના યુવાનો રવિવારે સવારમાં પોતાનું સ્કૂટર અથવા ગાડી લઇને જુદી જુદી સોસાયટીમાં જઇને ઘરે ઘરેથી પ સ્તી અને નકામા તેલના ડબ્બાઓ ઉઘરાવવા માટે નીકળી જાય છે. નવકાર યુવક મંડળના ૪૫ સભ્યો છેલ્લા ત્રણ વર્ષથી વાસણા વિસ્તારની સોસાયટીમાંથી પસ્તી ભેગી કરવાનું કામ કરે છે. નવાઇની વાત એ છે કે આ યુવાનો રવિવારે વીકેન્ડની મોજશોખ કરવાને બદલે પસ્તી ભેગીને જ આનંદ માણે છે. જરૃરીયાતવાળા લોકોને દવા, સ્કૂલની ફી તથા ભોજન આપી શકાય તે માટે આ યુવાનોએ આ અભિયાન ચાલુ કર્યું છે. આ અંગે આ ગુ્રપના રાહુલભાઇ શાહ કહે છે કે, આજના જમાનામાં યુવાનો મોજશોખની પાછળ દોડી રહ્યા છે ત્યારે યુવાનો સમાજને ઉપયોગી થાય તથા તેનામા સારા સંસ્કાર આવે તે માટે અમે આ અભિયાન હાથ ધર્યું છે.

અમદાવાદના નવકાર યુવક મંડળના સભ્યો રવિવારે વાસણા વિસ્તારની સોસાયટીમાંથી ઘરે ઘરે જઇને ગરીબોની સેવા કરવા માટે પસ્તી ઉઘરાવે છે. છેલ્લા બે વર્ષમાં તેમણે સાડા પાંચ લાખ રૃપિયાનું ભંડોળ ભેગું કર્યું છે. અને આ પ્રવૃત્તિ દ્વારા ૫૦ લાખનું ભંડોળ ભેગુ કરવાનું નક્કી કર્યું છે

મહિનામાં નક્કી કરેલા બે રવિવારે આ ગુ્રપના યુવાનો ઘેર ઘેરથી પસ્તી ઉઘરાવીને અકે જગ્યાએ એકઠી કરે છે. આવી રીતે પસ્તી ઉઘરાવીને આ ગુ્રપે અત્યાર સુધીમાં સાડા પાંચ લાખ રૃપિયા એકઠા કર્યા છે, અને આ પૈસામાંથી તેઓ ગરીબો, નિરાધાર અને જરૃરિયાતવાળા લોકોને મદદ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે અ ાગુ્રપના યુવાન પારસ શાહ ખુલ્લા પગે પસ્તી ઉઘરાવવા માટે જાય છે. તેમણે એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી પસ્તી ઉઘરાવીને ૫૦ લાખનું ભંડોળ ભેગું નહીં તાય ત્યાં સુધી તેઓએ ચંપલનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે પારસ શાહ કહે છે કે, ૫૦ લાખનું ભંડોળ ભેગુ થતા ઓછામાં ઓછા ૧૬થી ૨૦ વર્ષ લાગગશે. અને જ્યાં સુધી ૫૦ લાખ ભેગા નહીં થાય ત્યાં સુધી હું ખુલ્લા પગે ફરીને પસ્તી ભેગી કરીશ.

આ ગુ્રપમાં જે સભ્યો પસ્તી ઉઘરાવવા માટે જાય છે તે બધાં વેલ સેટ છે. કોઇને ફેક્ટરી છે તો કોઇને સારો બિઝનેસ છે. તો કોઇ સર્વિસ કરે છે. છતાં પણ તેઓ આ પ્રવૃત્તિ દ્વારા સેવાકાર્ય કરે છે. આ અંગે આશિષ શાહ કહે છે કે, જે લોકો પાસે કમાવવાના સોર્સિસ ના હોય અથવા કોઇ ગરીબ મા- બાપ પાસે પોતાના છોકરાને ભણાવવા માટે સ્કૂલ ફી ના હોય એવા લોકોને અમે હેલ્પફૂલ થવા માટે આ અભિયાન શરૃ કર્યું છે. આ ગુ્રપના બધાં જ સભ્યો પોતાની નૈતિક ફરજ સમજીને વોલેન્ટરી પોતાનું પેટ્રોલ ખર્ચ કરીને પસ્તી ઉઘરાવવા માટે નીકળી જાય છે. આ અંગે આ ગુ્રપના કાર્યકર સનીભાઇ શાહ કહે છે કે, એક સેવાના ઉદ્દેશથી અમે આ પ્રવૃત્તિ ચાલુ કરી છે. અને ઘરે ઘરેથી ઉઘરાવેલી પસ્તીને રાખવા માટે મેં મારી પોતાની ઓફિસ આપી દીધી છે. જેમાં અમે પસ્તી ભેગી કરીએ છીએ, અને પછી એક સાથે વેંચી દઇએ છીએ.

નવકાર યુવક મંડળની આ પ્રવૃત્તિ જોઇને આપણને પણ સમાજે માટે કંઇક સેવા કાર્ય કરવાની ઇચ્છા થાય છે. આ ગુ્રપના સભ્યો લગભઘ વાસણા વિસ્તારથી ૮૦ જેટલી સોસાયટીમાંથી પસ્તી ભેગી કરે છે. લોકોનો પણ આ ગુ્રપના સભ્યોને સારો સહકાર મળે છે. પરંતુ ક્યારેક એવું પણ બને છે કે ઘણાં લોકો ૨૦-૩૦ રૃપિયાની પસ્તી આપવાની ના પણ પાડે છે.તસ્વીર :  સુરેશ મિસ્ત્રી

નાના બાળકોમાં રોબોટિક ઈનોવેશનનો ક્રેઝ

ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે ૨, માર્ચ સુધી સાયન્સ ઇન સોશ્યલ વિષય પર એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. આ સાયન્સ ઉત્સવમાં સાયન્સ અને સમાજને આધારિત વિવિધ વિષયો પર ૫૦થી વધારે સ્ટોલ મુકવમાં આવ્યા છે. શનિવારે અમદાવાદની વિવિધ સ્કૂલના બાળકોએ ઉત્સાહપૂર્વક આ એક્ઝિબિશન નિહાળ્યું હતું, અને સમાજમાં સાયન્સનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની માહિતી વિવિધ સ્ટોલ પરથી મેળવી હતી.
સાયન્સ સિટી અમદાવાદ ખાતે યોજવામાં આવેલા સાયન્સ ઉતસ્વમાં વિવિધ સ્કૂલના નાના બાળકાએ વિવિધ પ્રકારના રોબોટ બનાવીને તેમના રોબોટિક ઈનોવેશન રજૂ કર્યા.


સાયન્સ સિટી દ્વારા યોજવામાં આવેલા આ એક્ઝિબિશનમાં ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતો નડિયાદના એલ. એન. મેકવાને વેસ્ટ વસ્તુઓમાં બનાવેલા હાઇડ્રોલિક રોબોટને પ્રદર્શનમાં મૂક્યો હતો. આ અંગે મેકવાન કહે છે કે, મેં આયર્નમેન મૂવિ પરથી પ્રેરણા લઇને વિવિધ વેસ્ટ વસ્તુઓમાંથી હાઇડ્રોલિક રોબો બનાવ્યો છે. આ હાઇડ્રોલિક રોબો મનુષ્યના શરીરની જેમ દરેક પ્રકારની મુવમેન્ટ કરી શકે છે. ખાસ કરીને ઘરની સફાઇ, પોતું મારવું, ઝાડુંું મારવું જેવા ઘર કામ પણ આ રોબટ કરી શકે છે. આ ફોર વ્હીલ રોબોને રિમોટની અંદરની પેરેલલ સિસ્ટ્મ દ્વારા કન્ટ્રોલ કરી શકાય છે.

આ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ થનાર સાતમાં ધોરણમાં ભણતો શિવમ ત્રિવેદીએ બનાવેલી એક માત્ર ઉંધી ઘડિયાળ અને જમીન તથા પથ્થરની રંગ બદલવાની પ્રક્રિયાને જોઇને લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. આ અંગે શિવમ કહે છે કે, મેં લોકોને જમીન અને પથ્થર કલર બદલે છે તેની ડેફિનેશન લોકોને આપી છે.

આ ઉપરાંત આ એક્ઝિબિશનમાં પર્યાવરણ, હેલ્થ, વાઇલ્ડ લાઇફ, પ્લાસ્ટિકના ઉપયોગથી થતું પ્રદૂષણ જેવા વિષયોની માહિતી મેળવવા માટે લોકોની ભીડ જામી હતી. તો બીજી તરફ ગ્રીબોટ ટેક્નોલોજી દ્વારા મૂકવામાં આવેલા એજ્યુકેશનલ રોબોએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. સેન્સરની મદદથી આ રોબો સામેની વસ્તુથી દૂર રહી શકે છે. અને નિશ્ચિત કલર સેન્સર દ્વારા તે પોતાની જાતે જ જે તે કલર ઉપર ચાલે છે. આ અંગે પ્રજ્ઞાા તરાસીયા કહે છે કે, આ રોબોટને મોબાઇલ, કોમ્પ્યૂટર, ઇન્ટરનેટ, ટીવી રિમોટ જેવી મલ્ટિ વસ્તુઓ દ્વારા પણ કંટ્રોલ કરી શકાય છે. તથા ચલાવી શકાય છે.
તસ્વીર :  સુરેશ મિસ્ત્રી

ગાંઘીનગર પાસે બનતા હર્બિવોરસ પાર્કમાં, હરણ, ચિંકારા અને કાળીયાર મુક્ત રીતે ફરશે


ગુજરાતના બાળકો પર્યાવરણથી નજીક આવે તે માટે ખાસ ગાંધીનગરમાં આવેલા ઈન્દ્રોડા નેચર પાર્કની પાસે આવેલા શાહપુર-લવારપુર પાસે ૩૦૦ એકરની નદી કિનારાના વિશાળા કોતરોમાં અરણ્ય પાર્ક બનાવવામાં આવ્યો છે. જે આગામી ભવિષ્યમાં એક હર્બિવરસ પાર્ક બનશે. આમ ઈન્દ્રોડા પાર્ક પાસે આવેલી સાબરમતી નદીના સામેના કાંઠે આવેલા વિશાળ અરણ્ય પાર્કમાં હરણ, સાબર, વાંદરા, નીલ ગાય જેવા તૃણાહારી પ્રાણીઓ ખુલ્લા જંગલમાં ફરતા જોવા મળશે. છેલ્લા કેટલાંય વર્ષોથી ગુજરાતના બાળકોમાં પર્યાવરણની એક જાગુ્રતિ આવી છે.બાળકોની પ્રકૃતિ પ્રત્યેની ભૂખને સંતોષવા માટે અરણ્ય પાર્ક અમદાવાદ અને ગાંધીનગર પાસેનું બેસ્ટ ડેસ્ટિનેશન છે.

આ એક ઉત્તમ પ્રકારનો કોન્સેપ્ટ છે જેમાં આપણે સીઘા જ પ્રકૃતિના મૂળરૂપ સાથે સંપર્કમાં આવીને તેને માણી શકીએ છીએ.પરંતુ વાહનો બહાર રાખીને આ પ્રકારની શુઘ્ઘ જગ્યાને માણવામાં આવે તો ભવિષ્યમાં પણ આવી વિશાળા પ્રાકૃતિક જગ્યા પ્રાણીઓ માટે અને પર્યાવરણ માટે વઘુ સારી રીતે જળવાઈ રહે. અમેરિકામાં આ પ્રકારના કોન્સેપ્ટ છે પરંતુ શિસ્ત સાથે જળવાઈ રહ્યા છે. ત્યાં આ પ્રકારના પાર્કમાં પ્રવાસીઓ ચાલીને જ જોવા જાય છે. આપણે સ્વયં શિસ્તથી વાહનોની અવરજવર રોકીશું તો જ પ્રકૃતિની યોગ્ય રીતે જાણવણી થઈ શકશે. અરણ્ય પાર્ક ગાંઘીનગરથી વાયા લવારપુર- ચિલોડા જવાના રસ્તે સાબરમતી નદીનો બ્રિજ ઓળંગીને જઈ શકાય છે.પાર્કમાં ચાલતા ચાલતા જ અનેક નીલગાયોના ટોળાઓ અને વાંદરાઓને સરળતાથી કોઈપણ પર્યાવરણ પ્રેમી માણી શકે છે. આજ જગ્યાએ એક વિશાળ બટરફ્લાય પાર્ક બનાવવાનું આયોજન પણ થઇ ચૂક્યું છે.

તસ્વીર : સુરેશ મિસ્ત્રી

ખાદી પહેરીને ચા પીવા આવો, રૂ.૧નું ડિસ્કાઉન્ટ મેળવો


સામાન્ય રીતે ઓક્ટોબર મહિનો આવે એટલે આપણને ખાદી ભંડારમાં ખાદીની ખરીદી માટે ખાસ વળતરના પાટિયા જોવા મળે છે. પરંતુ હવે તો સરકારે પણ ખાદીની ખરીદી પરનું કન્સેશન આપવાનું બંધ કરી દીઘું છે. ત્યારે અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તારમાં ચાની લારી ચલાવતા કાલુએ જે ગ્રાહકો ખાદીના કપડા પહેરીને આવે તેને એક રૂપિયો કન્સેશન આપવાનું નક્કી કર્યું છે. કાલુ દરબાર રાજસ્થાનના ઉદેપુરના એક નાનકડા ગામડાનો વતની છે. અને તે છેલ્લા ૩૫ વર્ષથી પોતાના કુટુંબી સભ્યો સાથે અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તારમાં ચાની લારી ચલાવીને પોતાના પરિવારની જવાબદારી નિભાવે છે.

અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તારમાં ચાની કિટલી ચલાવતા મૂળ રાજસ્થાનના કાલુએ ગાંધીજીના ખાદીના વિચારને ટકાવી રાખવા માટે જે ગ્રાહકો ખાદીના કપડા પહેરીને ચા પીવા માટે આવે તેને એક રૂપિયો કન્સેશન આપવાનું નક્કી કર્યુ


આ અંગે કાલુ કહે છે કે, હું રાજસ્થાનનો વતની હોવા છતાં ગાંધીજી પ્રત્યે મને નાનપણથી જ ખૂબ આર અને પ્રેમ છે. સંજોગો વસાત અમદાવાદમાં ગાંધીજીની ગૂજરાત વિદ્યાપીઠની સામે જ મારી ચાની લારી હોવાથી વિદ્યાપીઠના અનેક વિદ્યાર્થીઓ ખાદી પહેરીને મારી કિટલી પર ચા પીવા માટે આવે છે. તેમને જોઇને મને ખાદી પ્રત્યે વધારે પ્રેમ જાગ્યો. તેથી શરૂઆતમાં અમે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને પાંચ રૂપિયાની જગ્યાએ એક રૂપિયો કન્સેશન આપીને ચાર રૂપિયામાં ચા આપવાનું નક્કી કર્યું. જો તમે કાલુની કિટલી પર ખાદી પહેરીને ચા પીવા જશો તો તમને હવે એક રૂપિયો કન્સેશન મળશે. 
આ અંગે કાલુની સાથે કામ કરતા હરીશભાઇ દરબાર કહે છે કે, ખાદી પહેરેલી હોવાથી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ તરત ઓળખાઇ જાય છે. તેથી કન્સેશન આપવામાં પણ તકલીફ નથી પડતી, પરંતુ આજના યુવાનો ખાદીની વિચારધારાને ભૂલી રહ્યા હોવાથી કાલુએ નક્કી કર્યુ કે કોઇ પણ ગ્રાહક ખાદી પહેરીને આવે તો તેને પૂછ્યા વગર એક રૂપિયો કન્સેશન આપવાનું. જેને કારણે આજના યુવાનોમાં ખાદીનો પ્રચાર પ્રસાર પણ થશે.
આ અંગે શ્યામ સુંદર કહે છે કે, જો વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ક્યારેક મિલના કપડા પહેરીને આવે તો અમે તેને કન્સેશન આપતા નથી. અને હવે તો અમને ખાદી પહેરીને આવતા ગ્રાહકોને કન્સેશન આપવાની ટેવ પડી ગઇ છે. આજે જ્યારે યુવાનો ગાંધી વિચારથી દૂર જઇ રહ્યા છે ત્યારે ગાંધી વિચારને વળેલા કાલુએ ગાંધીજીના ખાદીના વિચારને ટકાવી રાખવા તથા લોકો ખાદી પહેરતા થાય તે માટે અનોખું ખાદી બચાવો અભિયાનની શરૂઆત કરી છે.


તસ્વીર : સુરેશ મિસ્ત્રી