
લાભપાંચમના દિવસે ૬ કરોડ આસોપાલવના પાન દુકાનોના દ્વારે બંધાયા છે અને અમદાવાદીઓએ આસોપાલવના પાનના તોરણ પાછળ એક જ દિવસમાં ૬૦ થી ૭૦ લાખ રૃપિયા ખર્ચી નાંખ્યા છે.
આસોપાલવના પાનને હિન્દુ પૂજનવિધીમં પવિત્ર ગણવામાં આવે છે.આ અંગે આસોપાલવના તોરણ વેચતા મીનાબેન પરમાર કહે છે કે, 'લાભપાંચમ હોવાથી આસોપાલવની માંગમાં ૧૫૦ ટકાનો વધારો થયો છે. બીજી તરફ પાનનો જથ્થો ઓછો હોવાથી લોકો ડબલ ભાવ આપવા પણ તૈયાર હતા.' રસ્તાઓ પરના આસોપાલવના વૃક્ષો પર નજર કરતા જ આપણને જાણ થાય છે કે આસોપાલવના પાનની કેટલી ડિમાન્ડ હતી.
રસ્તા પરના ફેરિયાવાળાઓએ તકનો લાભ લેવા માટે સાંજનાસમયેજ રસ્તાઓ પરના આસોપાલવના વૃક્ષમાંથી પાન કાપી લીધા હતા અને સવારના માત્ર બે કલાકમાં જ તેઓએ આખા દિવસની કમાણી કરી લીધી હતી. એક તોરણની કિંમત સામાન્ય રીતે પાંચ રૃપિયા હતી તે ૧૦ રૃપિયાથી ૨૦ રૃપિયા સુધીમાં મળતા હતા. આ અંગે આસોપાલવના વેપારી ચંદુભાઈ કહે છે કે, 'લાભપાંચમના દિવસે લગભગ ૬ કરોડથી વધારે આસોપાલવના પાન વેચાય છે.' લાભપાંચમના દિવસે અમદાવાદીઓએ ૭૦ થી ૮૦ લાખ રૃપિયા આસોપાલવના તોરણ પાછળ ખર્ચી નાંખ્યા છે. લગભગ ૬૦ ટકા પાન શહેરના રસ્તાઓ પરના આસોપાલવના વૃક્ષોએ પૂરા પાડયા હતા. રસ્તાઓ પરના મોટાભાગના આસોપાલવના વૃક્ષો પાનખર પહેલા જ પાન વગરના થઈ ગયા છે. તો બીજી તરફ ફેરીયાવાળાઓએ પણ લાભપાંચમની તકનો બરોબર લાભ લીધો છે.
આ અંગે ફૂલના વેપારી મહેશભાઈ રબારી કહે છે કે, માત્ર ૪૦ ટકા પાન જ બહારથી આવે છે. મોટા વેપારીઓ જ બહારથી પાન મંગાવે છે. જ્યારે નાના ફેરીયાવાળાઓ તો શહેરમાંથી જ પાનનો જથ્થો મેળવી લે છે. લાભપાંચમના દિવસે ફેરિયાવાળાઓને આસોપાલવના પાને જ લાભ કરાવી દીધો છે. હવે જોવાનું એ રહ્યું કે આસોપાલવના તોરણ ખરીદરનારને કેટલો લાભ મળશે...?
આમ તો આસોપાલવને આયુર્વેદમાં અશોક વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. અશોક એટલે જે શોકને દૂર કરે.આસોપાલવ એક પ્રકારનું નેચરલ ટ્રાક્વિલાઈઝર તરીકે કામ કરે છે.જેના સેવનથી મન શાંત થાય છે. પરંતુ તેના ઉંડાણમાં ન પડતા લોકો માત્ર તેના તોરણ બનાવીને આવનારા દિવસોમાં આ વૃક્ષનું નિકંદન ના કાઢી નાંખે તો સારું. શહેરના મુખ્ય માર્ગેમાં રાત્રે ખુલ્લે આમ આ વૃક્ષના પાંદડા ખેરવીને તેને ખોખલું બાનાવનારા તત્ત્વો લોકોની ટેમ્પરરી ધાર્મિક લાગણી તો સંતોષે છે પરંતુ આ વૃક્ષના ખરા ં ધાર્મિક મહત્ત્વને ઠેસ પહોંચાડે છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી
No comments:
Post a Comment