Sunday, December 5, 2010

મૃત્યુ પછી ૫૦ લાખનો બંગલો વિકલાંગોની સેવાર્થે આપી દીધો

મોટા ભાગની જીંદગી ફિઝીયોથેરાપી ની સારવાર સાથે ગાળનાર ૬૪ વર્ષેીય જ્યોત્સનાબેન નાયક હમણાં જ મૃત્યુ પામ્યા.પરંતુ મૃત્યુ પહેલા તેમના વીલમાં તેમણે પોતાનો ઉસ્માનપુરા ખાતેનો આખો બંગલો લોકોને મફત ફિઝીયોથેરાપીની સારવાર મળે તે અર્થે અંધજન મંડળના પ્રજ્ઞાાચક્ષુ ફિઝીયોથેરાપિસ્ટને સેવાના આશયથી કાયમ માટે સમર્પિત કરી દીધો.

જીવનના અંત સુધી લોકસેવાના કાર્યને વરેલા સ્વર્ગીય જ્યોત્સ્નાબેન નાયકના ફેમીલી મેમ્બરોએ જ્યોત્સ્નાબેને કરેલા વીલ મુજબ ૫૦ લાખનો બંગલો બહુઉદ્દેશીય સેવાકાર્ય માટે અર્પણ કરી દીધો.

જ્યોત્સ્નાબેન પોતે શારીરિક વિકલાંગ હતા અને નવજીવન ટ્રસ્ટમાં સર્વિસ કરતાં હતાં. તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી લોકસેવાના કાર્યમાં રંગાયેલા રહેતા હતાં. જ્યોત્સ્નાબેન ડિસેબલ હોવા છતાં આજુબાજુના લોકોને મદદ કરવી, આજુબાજુના ગરીબ છોકરાઓને ભણાવવા, ગામની બહેનો સાથે રહીને વાનગીઓ બનાવતા શીખવાડવી વગેરે સેવાકામ કરતા હતાં. તેઓ જીવનને મહામુલુ અને ઈશ્વરની પ્રસાદી સમજીને જીવ્યા. જ્યોત્સ્નાબેને પોતે સેવાકાર્યને વરેલા હતા અને પોતે વિકલાંગ હોવાથી તેમણે એવું વીલ કર્યું કે ઉસ્માનપુરામાં આવેલું તેમનું મકાન વિકલાંગોની પ્રવૃત્તિ માટે વપરાય. જ્યોત્સ્નાબેનની આ અંતિમ ઈચ્છા તેમના ફેમેલી મેમ્બરે પુરી કરી છે. જ્યોત્સ્નાબેનના વીલ પ્રમાણે તેમના ફેમીલી સભ્યોએ આ બંગલાને વિકલાંગ બાળકોના વિકાસ અર્થે આપી દીધો. આ મકાનમાં ફિઝિયોથેરાપી સેન્ટર તથા વિકલાંગ મહિલાઓ માટે ઉદ્યોગ તાલીમ કેન્દ્ર શરૃ કરવામાં આવ્યું છે. જ્યોત્સ્નાબેનને ત્રણ બહેનો છે. જેમાંથી સૌથી મોટા મંજુલાબેન દવે કહે છે કે, 'જ્યોત્સ્ના શારીરિક વિકલાંગ હતી. પરંતુ તે પોતાને ક્યારેય વિકલાંગ ગણતી નહોતી. અને તેમની અંતિમ ઈચ્છાને ધ્યાનમાં રાખીને તેમનું મકાન સેવાકાર્ય માટે આપી દીધું છે ! ઉસ્માનપુરા ગામમાં આ પ્રકારનું પ્રથમ સેન્ટર છે. જેમાં આજુબાજુના લોકોને મફત ફિઝિયોથેરાપીનો લાભ મળશે તથા સેન્ટરની સામે મંદબુદ્ધિના બાળકો માટેની ડૉ. જીત મહેતા બાળશાળા છે. તેથી આ બાળકોને પણ ફિઝિયોથેરાપીનો લાભ મળશે. તો આ સેન્ટરમાં બે પ્રજ્ઞાાચક્ષુ થેરાપીસ્ટને રોજગાર પણ મળશે અને મહિલા વિકલાંગોને ઉદ્યોગ તાલીમ પણ આપવામાં આવશે. આ સેન્ટરમાં દરેકને મફત ફિઝિયોથેરાપી સારવાર મળશે. આ સેન્ટરના કો-ઓર્ડિનેટર અને અંધજન મંડળમાં વોલેન્ટીયર તરીકે સેવા આપતા આઈ.એલ. ચિતકારા કહે છે કે, 'જ્યોત્સ્નાબેનનું આખું જીવન ફિઝીયોથેરાપીની સારવારમાં ગયું. તેથી અમે તેમના બંગલામાં ફિઝિયોથેરાપી સેન્ટરનો પ્રારંભ કર્યો છે. જેમાં વિકલાંગો અને ઉસ્માનપુરા ગામના લોકોને મફત ફિઝિયો સારવાર મળશે !'
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

No comments:

Post a Comment