Wednesday, February 16, 2011

૧૪૦૦ વર્ષ જૂની ગુજરાતની જીવરક્ષાની પ્રથા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની પૂર્વ દિશા તરફ પંદર કિ.મી.ના અંતેર રાયસીંગપુર (રોડા) ગામ આવેલું છે. રાયસીંગપુર ગામના સીમાડામાં પ્રાચીન અવશેષો ધરાવતા સાત મંદિરો આવેલા છે. સાત મંદિરોનો સમૂહ ધરાવતું આ પ્રાચીન સ્થાપત્યમાં પૂર્વ ચાલુક્ય શૈલીની કલા- કારીગરી જોવા મળે છે. આ મંદિરો રોડાના મંદિર તરીકે ઓળખાય છે.


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરથી ૧૫ કિ.મી. દૂર રાયસીંગપુર (રોડા) ગામના સીમાડમાં ભારતનું એકમાત્ર પશુ- પક્ષી મંદિર આવેલું છેે. ૧૪૦૦ વર્ષ પહેલા નિર્માણ પામેલા આ મંદિરમાં દેવી- દેવતા કે સંત- મહાત્માની મૂર્તિઓને બદલે પશુ- પક્ષીઓની મૂર્તિઓે બનાવવામાં આવી છે

મહત્ત્વની વાત એ છે કે આ મંદિરમાં સુશોભન કરેલી ધાતુઓની તકિતમાં દેવ- દેવી કે સંત- મહાત્માની જગ્યાએ પ્રાણીઓ અને પક્ષીઓના આકાર કોતરેલા છે. તેથી આ મંદિર પશુ- પક્ષીના મંદિર તરીકે ઓળખાય છે. અને ભારતમાં આ એક માત્ર પશુ- પક્ષીઓનું મંદિર છે.

આ મંદિરના સ્થાપત્યમાં સ્તંભો, દરવાજા, કમાનો તેમજ દીવાલો ઉફર ઉપસાવેલી ભાતવાળી કિનારીઓ પરથી આ મંદિરનું નિર્માણ સાતમી અને નવમી સદી વચ્ચે થયું હોવાનું કહેવાય છે. સામાન્ય રીતે મંદિરની અંદર દેવ- દેવતા અથવા સંત મહાત્માની મૂર્તિઓ હોય છે, પરંતુ આ મંદિરમાં પશુ- પક્ષીઓની મૂર્તિઓ બનાવવામાં આવી છે. આ અંગે હિંમતનગરના હરીશ પરમાર કહે છે કે, સાતમી સદીમાં બનેલા આ પક્ષી મંદિરો આપણને રાજા- રજવાડાઓના પક્ષી પ્રેમની યાદ અપાવે છે, પરંતુ આજની પેઢીને આવા અલભ્ય સ્થાપત્યો પ્રત્યે જાગૃત કરવી ખૂબ જ જરૃરી છે.

આ સાત મંદિરોના સમૂહમાંથી બે મંદિરો સમયની સાથે નાશ પામ્યા છે. મંદિરની અંદરની કેટલીક પ્રતિમાઓ પણ આજે હયાત નથી. આ મંદિરો એ વાતની સાક્ષી આપે છે કે આજે પશુ- પક્ષીઓને બચાાવવા માટે વિવિધ અભિયાનો હાથ ધરવા પડે છે. ત્યારે નવમી સદીમાં લોકો દેવી- દેવતાની સાથે સાથે પશુ- પક્ષીઓની પણ પૂજા કરતા હતા.

આ મંદિરની આસપાસ અસંખ્ય વૃક્ષો આવેલા છે. જેના પર આજે પણ હજારો પક્ષીઓ વાસ કરે છે. મંદિર તથા મંદિરની આજુબાજુનું વાતાવરણ આજે પણ પક્ષીમય બની જાય છે. આ મંદિરો પૈકી સૌથી જૂનું મંદિર અદ્વિતિય અને અજોડ સ્થાપત્ય શૈલી ધરાવે છે.

૧૪૦૦ વર્ષ જુનું આ પક્ષી મંદિર હવે ધીરે ધીરે નાશ પામી રહ્યું છે. દેશ- વિદેશથી આવતા અનેક પર્યટકો આજે પણ આ પક્ષી મંદિરની મુલાકાત લેવાનું ચૂકતા નથી.

શિલ્પકારો માટે સ્વર્ગ બનતા અમદાવાદના આઉટસ્કર્ટ્સ

કલાકારો કુદરતના સાનિધ્યની વચ્ચે રહીને જે આકૃતિનું સર્જન કરે છે તેમાં સ્વાભાવિક છે કે તેમાં કુદરતના વિવિધ રંગો પણ આપ મેળે જ ઉમેરાઇ જતા હોય છે. અમદાવાદની નજીક આવેલી આર્ચર આર્ટ ગેલેરી દ્વારા પણ એક આવો જ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં કલાકારો કુદરતના સાનિધ્યમાં રહીને કુદરતને લગતી વિવિધ શિલ્પ કૃતિઓનું સર્જન કરે તે માટે શીલજ રોડ પર આવેલા એક ફાર્મ હાઉસ ખાતે દસ દિવસના સ્કલ્પચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદની નજીક શીલજ રોડ પર આવેલા એક ફાર્મ હાઉસમાં ભારતના વિવિધ પ્રદેશોમાંથી આવેલા કલાકારોએ કુદરતના સાનિધ્યમાં રહીને ધ્રાંગધ્રાના સેન્ડસ્ટોન અને બેસલાણાના બ્લેક માર્બલ પર વિવિધ કુદરતી શિલ્પકૃતિઓનું સર્જન કર્યું

 
અમદાવાદમાં પ્રથમ વખત આ પ્રકારના સ્કલ્પચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દસ દિવસના આ કેમ્પમાં ભારતના વિવિધ ભાગોમાંથી કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં હરિયાણાના રતનસિંહ, વડોદરાના ગણેશ ઉરાલા, ઉદવાડાના રમેશ પટેલ, ઉદેપુરના રાકેશકુમાર અને પુષ્પકાંત ત્રિવેદી અને અમદાવાદના ગૌરાંગ સોમપુરા તથા રિદ્ધિ શાહે આ કેમ્પમાં પાર્ટિશિપેટ કર્યું હતું.

આ કલાકારોમાંથી કેટલાક કલાકારો વિવિધ આર્ટ કોલેજમાં સ્નાતક થયેલા છે. જ્યારે ઉદવાડાના રમેશ પટેલ સ્વયંસ્ફૂરિત કલાકાર છે. તેમણે કદી આર્ટ કોલેજના પગથિયા પણ નથી ચઢ્યા. આ કલાકારોએ દસ દિવસ સુધી કુદરતી વાતાવરણની વચ્ચે રહીને ધ્રાંગધ્રાના સેન્ડસ્ટોન તથા બેસલાણાના બ્લેક માર્બલમાંથી વિવિધ કલાકૃતિઓનું સર્જન કર્યું છે. તેઓએ કુદરતમાંથી પ્રેરણા લઇને પોતાના તથા કુદરતના સ્વભાવને પથ્થરમાં વ્યક્ત કર્યો છે.

આ અંગે ઉદવાડાના કલાકાર રમેશ પટેલ કહે છે કે, મેં પથ્થરના સ્વભાવને ધ્યાનમા ંરાખીને ફૂલોની નજાકતને પત્થરમાં કંડારવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે ફૂલને આપણે પ્રત્યક્ષ નિહાળીને ફૂલના સ્વભાવને પથ્થરમાં સ્થાપિત કરવો ખૂબ જ અઘરો છે. મારબલ કરતા સેન્ડસ્ટોનમાંથી સ્કલ્પચર બનાવવું થોડું સહેલું પડે છે, કારણ કે સેન્ડસ્ટોન થોડો સ્મૂધ હોય છે. આ અંગે અમદાવાદના કલાકાર ગૌરાંગ સોમપુરા કહે છે કે, મેં સેન્ડસ્ટોન અને માર્બલ સ્ટોનની ખાસિયતને આ કેમ્પમાં બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે. માર્બલ પર કામ કરતી વખતે ખૂબ જ ધ્યાનપૂર્વક અને સફાઇથી કામ કરવું પડે છે. કેમ કે એક નાનકડી ભૂલને કારણે ક્યારેક મહેનતથી તૈયાર કરેલું શિલ્પ નકામું બની જાય છે.

આ કેમ્પમાં પાર્ટિસિપેટ કરનાર વડોદરાના ગણેશ ઉરાલા કહે છે કે, મેં સ્ટોનમાંથી એક બાળકના માથાનું સ્કલ્પચર બનાવ્યું છે. આ માથું થોડું મોટું થઇ ગયુ છે. જેમાં એવો ભાવ વ્યક્ત થયો છે કે, પુસ્તકો વાંચવા માટે અને અન્ય જ્ઞાાન મેળવવા માટે મોટું માથું હોવુ જોઇએ.આ અંગે રિધ્ધી શાહ કહે છે, કોઈપણ કલાકારને શાંતિ જોઈએ. એમાં પણ શિલ્પ સાથે સંકળાયેલા કલાકારોને બહુજ ધીરજ અને શાંતિથી કામ કરવાનું હોવાથી અમદાવાદના આઉટસ્કર્ટ બેસ્ટ ઓપ્શન છે.એમાં પણ અત્યારે વસંત ઋતુના આગમનના કારણે માહોલ પણ આર્ટને લગતો છે.

વેલેન્ટાઇન ડે સેલિબ્રેશન માટેના હોટસ્પોટ

વેલન્ટાઇન ડે વિશ કરવા માટે યંગસ્ટર્સ પોતાની ફેવરિટ જગ્યા જ પસંદ કરે છે. વેલેન્ટાઇન ડેના દિવસે ફ્રેન્ડ સર્કલ નક્કી કરેલી જગ્યા પર પહોંચી જાય છે. અને વેલેન્ટાઇન ડે વિશ કરીને ફાસ્ટ ફૂડ અથવા ભોજન લઇને છુટા પડે છે. વેલેન્ટાઇન સેલિબ્રેશન માટે અમદવાદનો યુનિવર્સિટી એરિય,ા લો ગાર્ડન, એસ.જી હાઇવે, વસ્ત્રાપુર લેક યંગસ્ટર્સ માટે હોટ ફેવરિટ સ્પોટ છે, કારણ કે આ એરિયામાં ખાણી-પીણીની દરેક વસ્તુઓ સહેલાઇથી મળી રહે છે. આ અંગે કોલેજમાં અભ્યાસ કરતો રોનીલ શાહ કહ ેછે કે, અમારું ફ્રેન્ડ સર્કલ દર વર્ષે વેલેન્ટાઇન ડે વિશ કરવા માટે લો ગાર્ડન અથવા યુનિવર્સિટી વિસ્તારમાં સાથે મળે છે કારણ કે આ વિસ્તારમાં ખાણી- પીણીની સાથે સાથે પ્રાકૃતિક વાતાવરણ પણ મળી રહે છે.

પ્રેમી યુગલો વેલેન્ટાઇન ડેના દિવસે મોટા ભાગે એકાંત સ્થળ પસંદ કરે છે, પરંતુ જ્યારે ફ્રેન્ડ સર્કલની વાત આવે ત્યારે યંગસ્ટર્સ પ્રાકૃતિક સ્થળ પર જઇને સેલિબ્રેટ કરવાનું વધારે પસંદ કરે છે


પ્રેમી યુગલો વેલેન્ટાઇન ડેના દિવસે મોટા ભાગે એકાંત સ્થળ પસંદ કરે છે, પરંતુ જ્યારે ફ્રેન્ડ સર્કલની વાત આવે ત્યારે યંગસ્ટર્સ પ્રાકૃતિક સ્થળ પર જઇને સેલિબ્રેટ કરવાનું વધારે પસંદ કરે છે. અમદાવાદની નજીક આવેલા નળસરોવર તથા ઇન્દ્રોડા ગાર્ડન પણ વેલેન્ટાઇન ડે વિશ કરવા માટેના હોટ સ્પોટ છે. આ અંગે કોલેજ સ્ટુડન્ટ યોગેશ પટેલ કહે છે કે, અમે વેલેન્ટાઇન ડે વિશ કવા માટે નળસરોવર જઇએ છીએ. કેમ કે કુદરતના સાનિધ્યમાં મિત્રો સાથે મળીને વેલેન્ટાઇન ડે વિશ કરવાનો જે આનંદ મળે તે અન્ય કોઇ જગ્યાએ ના મળી શકે. અને વેલેન્ટાઇન સેલિબ્રેશનની સાથે સાથે પિકનિક પણ થઇ જાય છે. મિત્રો સાથે મળીને વેલેન્ટાઇન ડેનું સેલિબ્રેશન કરવું એ પણ એક લહાવો છે. યંગસ્ટર્સ તો વેલેન્ટાઇન ડેના દિવસે ફરવા માટેનું અગાઉથી જ પ્લાનિંગ કરી રાખે છે.

આ અંગે કોલેજમાં અભ્યાસ કરતી આયેશા પંડયા કહે છે કે, અમારું ફ્રેન્ડ સર્કલ દર વર્ષે ઇન્દ્રોડા પાર્કમાં વેલેન્ટાઇન સેલિબ્રેશન કરવા માટે મળે છે. નેચરલ અને શાંત વાતાવરણમાં વેલેન્ટાઇન સેલિબ્રેશન યાદગાર બની રહે છે. વેલેન્ટાઇ ડેના દિવસે યંગસ્ટર્સ મન મૂકીને મોજ- શોખ કરે છે. આ માટે યંગસ્ટર્સ પોતાના બજેટને પણ ધ્યાનમાં રાખે છે. નાના બજેટમાં વધારે આનંદ મળે તેવી જગ્યા યંગસ્ટર્સ માટે હોટ ફેવરિટ છે.

Friday, February 11, 2011

નિયમિત પ્રાણીસેવાનું અતૂટ નેટવર્ક

 દરરોજ સવારે અગિયાર વાગે એટલે અમદાવાદની પાસે આવેલા શીલજ ગામની પંચાયતની સામે ચાલતા રોટલા કેન્દ્ર પર નિવૃત્ત જીવન જીવતા ભીખાભાઇ પટેલ અને શીલ જ ગામની નિવૃત્ત બહેનો પહોંચી જાય છે. અગિયારથી એક વાગ્યા સુધી તેઓ દરરોજ ૨૦ કિલો લોટની રોટલી કૂતરાઓને ખવડાવવા માટે બનાવે છે. છેલ્લા નવ વર્ષથી ભીખાભાઇ કૂતરાઓ માટે રોટલા કેન્દ્ર ચલાવે છે. આ કામમાં દશરથભાઇ ઠાકોર તથા ગામના અન્ય લોકોનો પણ પૂરતો સાથ- સહકાર આપવામાં આવે છે.
અમદાવાદની પાસે આવેલા શીલજ ગામમાં ચાલતા રોટલા કેન્દ્ર દ્વારા છેલ્લા નવ વર્ષથી દરરોજ ૨૦૦થી વધારે કૂતરાઓને રોટલા પહોંચાડવામાં આવે છે. જ્યારે મહેસાણા ના સાંઈ મંદિર અને વિજાપુર પાસે આવેલા લાડોલ ગામના સિનિયર સિટિઝનોએ આજુબાજુના ગામના કૂતરાઓને રોટલા પહોંચાડવા માટે સુંદર નેટવર્ક ઉભું કર્યું છે



આ અંગે ભીખાભાઇ કહે છે કે, છેલ્લા નવ વર્ષથી કૂતરાઓ માટે એક પણ દિવસ રોટલા ના બનાવ્યા હોય એવું નથી બન્યું. દરરોજ શીલજ ગામ અને આજુબાજુના વિસ્તારના ૨૦૦થી વધારે કૂતરાઓને રોટલા ખવડાવવામાં આવે છે. આ રોટલા કેન્દ્ર પર દરરોજ રોટલા બનાવવા માટે આવતાં વિજુબેન પટેલ કહે છે કે, નવરા બેસી રહેવાને બદલે અમે જીવદયાનું આ સેવા કાર્ય કરવાનું નક્કી કર્યું છે. આ કેન્દ્રની શરૃઆત ૫૦૦ ગ્રામ લોટથી કરી હતી અને આજે ડેઇલી ૨૦ કિલો લોટના રોટલા બને છે. અને દર વર્ષે તેમાં વધારો થતો જાય છે. કોઇ પણ તહેવાર હોય ત્યારે રોટલાને બદલે કૂતરાઓ માટે લાડું બનાવવામાં આવે છે.

રોટલા બની જાય એટલે રમણભાઇ અને બિપીનભાઇ થેલીમાં રોટલા લઇને કૂતરાઓને આપવા માટે નીકળી જાય છે. આ અંગે રમણભાઇ કહે છે કે, હવે તો કૂતરાઓનો પણ ટાઇમ બંધાઇ ગયો છે. ક્યારેક મોડું થઇ જાય તો કૂતરાઓ અમારી રાહ જોતાં હોય છે. આ રોટલા કેન્દ્રને ગામના લોકો દરેક પ્રકારનો સાથ- સહકાર આપે છે. જો ગામમાં કોઇના ઘરે સારો પ્રસંગ હોય તો તેઓ મહેમાનની રસોઇની સાથે ભીખાભાઇને પણ કૂતરાઓ માટે લાડું બનાવવાનો ઓર્ડર આપી દે છે. કંઇ આવું જ કાર્ય મહેસાણા જિલ્લાના વિજાપુર પાસે આવેલા લાડોલ ગામના સિનિયર સિટિઝન દ્વારા પણ થઇ રહ્યું છે. છેલ્લા ૨૫ વર્ષથી લાડોલ ગામના રણછોડજી મંદિરમાં જીવદયા પશુ- પક્ષી માનવ સેવાનું કાર્ય ચાલે છે. અને ગામના ૩૦થી વધારે સિનિયર સિટિઝનો દ્વારા આ કાર્ય કરવામાં આવે છે. દરરોજ સવારે દશ વાગે એટલે પશાભાઇ, મંજીબેન, સિતારામભાઇ વગેરે મંદિરમાં એકઠા થઇ જાય છે. અને ડેઇલી ૬૦ કિલો લોટની ભાખરીઓ કૂતરાઓ માટે બનાવવામાં આવે છે. દરરોજ લાડોલ અને આજુબાજુના ચાર- પાંચ નાનકડા ગામમાં તથા વાડી વિસ્તારના ૬૦૦થી વધારે કૂતરાઓને આ સેવાનો લાભ મળે છે. આ અંગે પશાભાઇ પટેલ કહે છે કે, આ કામ અમે મંદિરે આવતા ભાવિકો તથા સેવાના દાનમાંથી કરીએ છીએ.

મહત્ત્વની વાત એ છે કે લાડોલ ગામના આ મંદિર નેટવર્ક દ્વારા વાડી વિસ્તાર સુધી રોટલા પહોંચાડવામાં આવે છે. આ અંગે સિતારામભાઇ પટેલ કહે છે કે, મંદિરે દર્શનાર્થે આવતા લોકો પોતાના વિસ્તારના કૂતરાઓ માટે રોટલાઓ લઇ જાય છે. તેથી અમારે આપવા માટે જવું પડતું નથી. દરરોજ ૭૦થી વધારે લોકો મંદિરે આવીને કૂતરાઓ માટે રોટલા લઇ જાય છે. તો વળી મહેસાણા શહેરની બહાર આવેલા સાંઈ મંદિર ખાતે આખો દિવસ ૨૦૦૦ કૂતરા, હજ્જારો પક્ષીઓ અને ૩૦૦ જેટલા વાંદરાઓ માટે ખાસ પ્રકારનું ભોજન બનાવીને રિક્ષા દ્વારા ગામડે ગામડે જઈને પ્રાણીઓને ખવરાવવામાં આવે છે. આ અંગે મહેસાણા સાંઈ મંદિરના ગૌતમભાઈ પટેલ કહે છે, આ મંદિરમાં પ્રાણીપ્રેમને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. અહીં ઈશ્વરની ભક્તિને પ્રાણીઓની સેવાના સ્વરૃપમાં જ કરવામાં આવી રહી છે.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી

જે પુસ્તક ચોરે તેને ચોર ના કહેવાય

 ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ સાથે મળીને કંઇક સારું કાર્ય કરવાનું વિચાર્યું અને એ કાર્યના ભાગરૃપે તેમણે ગૂજરાત વિદ્યાપીઠની કેન્ટિનમાં ઓપન લાઇબ્રેરીની શરૃઆત કરવાનું વિચાર્યું. જેથી વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને કેન્ટિનમાં જ ચા- કોફીની સાથે સાથે સાહિત્ય પણ મળીરહે. છેલ્લા એક મહિનાથી ગૂજરાત વિદ્યાપીઠની કેન્ટિનમાં ઓપન લાઇબ્રેરી કોન્સેપ્ટ કાર્યરત છે. આ લાઇબ્રેરીમાં ગાંધીજીની આત્મકથા, ગ્રામસ્વરાજ, ગાંધીવાણી જેવા ગાંધી વિચારના પુસ્તકો મૂકવામાં આવ્યા છે.

 ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ ચા- કોફી, નાસ્તા સાથે ગાંધીવિચાર સાહિત્ય વાંચી શકાય એ માટે કેન્ટિનમાં ઓપન લાઇબ્રેરી શરૃ કરી. એક જ મહિનામાં આ ઓપન લાઇબ્રેરીમાંથી ગાંધીજીની આત્મકથા સહિત મોટા ભાગના પુસ્તકો વિદ્યાર્થીઓ લઇ ગયા જે આ કોન્સેપ્ટને મળેલી સફળતા દર્શાવે છે

કેન્ટિનમાં ૧૭ જેટલા ટેબલ પર પુસ્તકો રાખવા માટે સ્પેશિયલ બોક્સ બનાવી ૬૦થી વધારે પુસ્તકો અને ૬૦થી વધારે ગાંધીજીના ફોટા સાથેના સ્લોગનો લેમિનેટ કરીને રાખાવમાં આવ્યા હતા, પરંતુ અત્યારે આ ઓપન લાઇબ્રેરીમાં માંડ ૨૦થી ૨૫ પુસ્તકો અને ૨૦-૨૫ સ્લોગનો જોવા મળે છે. મોટા ભાગના પુસ્તકો અને સ્લોગનો વિદ્યાર્થીઓ અને બહારના લોકો પોતાની સાથે લઇ ગયા છે. આ અંગે વિદ્યાર્થી કિરીટ ચોધરી કહે છે કે, વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં જવાને બદલે કેન્ટિનમાં બેસીને ગાંધી સાહિત્ય વધારે વાંચે છે. વિદ્યાર્થીઓ હકીકતમાં આ ઓપન લાઇબ્રેરીમાંથી પોતાને ગમતું પુસ્તક વાંચવા માટે લઇ જાય છે. જે એક સારી વાત કહેવાય. આ ઓપન લાઇબ્રેરીમાં દર મહિને પુસ્તકો અને સ્લોગનો બદલવામાં આવે છે, કારણ કે એકના એક જ પુસ્તકો અને સ્લોગનો રાખવામાં આવે તો મોનોટોનસ થઇ જાય છે. આ કોન્સેપ્ટને સારો પ્રતિસાદ મળ્યો હોવાથી હજી વધારે પુસ્તકો અને ૧૫૦ જેટલા નવા સ્લોગનો મૂકવામાં આવશે. આ લાઇબ્રેરી બનાવવાનો ખર્ચ ૫,૦૦૦ રૃપિયા જેટલો થયો છે અને પુસ્તકો ગૂજરાત વિદ્યાપીઠ તરફથી પ્રોવાઇડ કરવામાં આવે છે.
 આ અંગે સ્ટુડન્ટ ભરત ગાંગાણી કહે છે કે, હકીકતમાં વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચવા માટે ચોરે છે. એટલે પુસ્તક ચોરે તેને ચોર ના કહેવાય, અને આ ઓપન લાઇબ્રેરીમાંથી મોટા ભાગના પુસ્તકો ચોરાઇ ગયા તે આ કોન્સેપ્ટને મળેલી સફળતા દર્શાવે છે.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી

નેશનલ સાયન્સ ઓલિમ્પિયાડમાં ગુજરાત પ્રથમ

 અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમમાં અગિયાર સાયન્સમાં અભ્યાસ કરતો જ્યોત અંતાણીએ હમણાં જ યોજાયેલ નેશનલ સાયન્સ ઓલિમ્પિયાડમાં ૯૯. ૭૪ ટકા સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન અને સમગ્ર ભારતમાં એકાવનમો રેન્ક મેળવ્યો છે. સમગ્ર ભારતમાંથી લાખ્ખો વિદ્યાર્થીઓ નેશનલ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભાગ લે છે. જેમાં જ્યોત અંતાણીએ ગુજરાતમાં પ્રથમ નંબર મેળવીને ગુજરાતના ગૌરવમાં વધારો કર્યો છે.
ધોરણ દસ સુધી ગુજરાતી માધ્યમમાં જ અભ્યાસ કર્યો હોવા છતાં રાષ્ટ્રીય કક્ષાના સાયન્સ ઓલિમ્પિયાડમાં રેન્ક મેળવવો ખૂબ મુશ્કેલ છે. જ્યોતે ગયા વર્ષે દસમાં ધોરણમાં ગુજરાતમાં નવમો અને અમદાવાદમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. આ અંગે જ્યોત કહે છે કે, હું પહેલેથી જ ટયૂશન વગર અભ્યાસ કરું છું. અને ગણિત મારો પ્રિય વિષય છે. અને આઇ.આઇ. ટીમાં પ્રવેશ મેળવવા માટે મેં અત્યારથી જ મહેનત કરવાની શરૃઆત કરી દીધી છે.
અમદાવાદની સી.એન. વિદ્યાલયમાં ધો. ૧૧ સાયન્સ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા જ્યોત અંતાણીએ નેશનલ સાયન્સ ઓલિમ્પિયાડમાં ગુજરાતમાં પ્રથમ નંબર અને સમગ્ર ભારતમાં એકાવનમું સ્થાન મેળવ્યું છે
માત્ર ભણવામાં જ નહીં ભણવાની સાથે સાથે સાહિત્ય સંગીતમાં પણ જ્યોત માહેર છે. અમદાવાદના જાણીતા સંગીતજ્ઞા ડો. મોનિકા શાહના માર્ગદર્શન હેઠળ જ્યોતે હમણાં જ શાસ્ત્રીય સંગીત ગાયનમાં વિશારદની ડિગ્રી મેળવી છે. અને તેમને હાર્મોનિયમ તથા તબલા વગાડવાનો પણ અદ્ભૂત શોખ છે. સાથે સાથે તેને ગુજરાત સુગમ સંગીતનો પણ અનહદ શોખ છે. જ્યોત ગુજરાતી સાહિત્ય વાંચવાનો પણ ખૂબ શોખીન છે. તેમણે ગુજરાતી સાહિત્યની મોટા ભાગની નવલકથાઓ વાંચી છે. જ્યોત માત્ર ભણવામાં જ નહીં પરંતુ સંગીત, શિક્ષણ અને સાહિત્યને લગતી બહુમુખી પ્રતિભા ધરાવે છે.

પ્રકૃતિની પાઠશાલામાં શિક્ષક- વિદ્યાર્થી ક્લાસમેટ

 આમ તો શિક્ષક શિખવે અને વિદ્યાર્થી શિખે એ વાત સામાન્ય છે. પરંતુ ઈન્દ્રોડાના પ્રકૃતિ શિક્ષણની શિબિરમાં તો શિક્ષક અને વિદ્યાર્થી સહાઘ્યાયી બનીને એક સાથે પ્રકૃતિના પાઠ શીખે છે.આમાં કોઈ અહમ્ની વાત નથી પરંતુ ઈન્દ્રોડાથી થોડે દૂર નવી કેમ્પ સાઈટમાં પ્રકૃતિના અદ્દભુત નજારા વચ્ચે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ એક સાથે બેસીને પ્રકૃતિનું સાચુ મહત્ત્વ સમજી રહ્યા છે. છેલ્લા એક અઠવાડીયાથી અહીંં પ્રકૃતિ શિક્ષણ શિબિરનો દૌર ચાલી રહ્યો છે ત્યારે ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો સાથે બેસીને રસ પૂર્વક પ્રકૃતિના પાઠ ભણી રહ્યા છે.

 ઇન્દ્રોડા નેચર પાર્ક દ્વારા ધોરણ આઠથી બારના ૨૫૦૦ વિદ્યાર્થીઓને નેચર અને વાઇલ્ડ લાઇફ પ્રત્યે અવેર કરવા માટે નેચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

આ અંગે ઈન્દ્રોડા નેચર પાર્કના એન્વાયરમેન્ટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર એન. કે. નંદા કહે છે કે, છોકરાઓ આઠ ધોરણ સુધી વિજ્ઞાન અને પર્યાવરણ ભણે છે. તેઓ જાણે છે કે આપણે નેચરને કેટલું નુકસાન કરીએ છીએ. પરંતુ પર્યાવરણ વિશે છોકરાઓને જ જાગૃત કરીને તેમને જ પર્યાવરણના એમ્બેસેડર બનાવવા માટે આ નેચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નેચર અને વાઈલ્ડ લાઈફને લગતા દરેક મુદ્દાની વિદ્યાર્થીઓને ઊંડાણ પૂર્વક સમજાવવામાં આવે છે. આ કેમ્પમાં પાર્ટિસિપેટ કર્યા પછી વિદ્યાર્થીઓ નેચર અને વાઈલ્ડ લાઈફ પ્રત્યે સો ટકા અવેર થઈ જાય છે. આ કેમ્પમાં પાર્ટિસિપેટ કરનાર કલોલની શાંતિનીકેતન સ્કુલનો સ્ટુડન્ટ હાર્દિક પ્રભાકર કહે છે કે, આપણી નાની નાની ભુલને કારણે પણ પર્યાવરણને નુકશાન થતું હોય છે. અને આ અંગે જો આપણે જ ઉદાસીન રહેશું તો તેનું પરીણામ ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડશે.
આ કેમ્પમાં દિવસ દરમ્યાન ઈન્દ્રોડા પાર્કમાં વિદ્યાર્થીઓને પક્ષીદર્શન, વનસ્પતિ દર્શન જેવી પ્રવૃતિઓ દ્રારા પ્રકૃતિના જ્ઞાનની સાથે જીવનમાં નેચરનું કેટલું મહત્વ છે તે અંગેનું શિક્ષણ પણ આપવામાં આવે છે. અંગે સ્ટુડન્ટ કર્મ પટેલ કહે છે કે, આપણે નેચર પાસેથી જેટલું લઈએ છીએ એટલું એને આપતાં પણ શિખવું જોઈએ. જો જંગલો નષ્ટ થઈ જશે તો એક દિવસ એવો આવશે કે આપણે શ્વાસ લેવા માટે પાછળ ઓક્સિજનનો બાટલો લઈને ફરવું પડશે. આ ઉપરાંત પર્યાવરણને લગતું કેટલુક જ્ઞાન શૈક્ષણિક રમતો દ્રારા આપવામાં આવે છે. કેમ કે બાળકો ગમ્મત સાથે જ્ઞાનને ઝડપથી એક્સેપ્ટ કરે છે. કેમ્પમાં વદ્યાર્થીઓને રાત્રીના સમય દરમ્યાન પ્રકૃતિ અને વાઈલ્ડ લાઈફને લગતી ફિલ્મો દર્શાવવામાં આવે છે. ઉપરાંત બાળકો પોતે જ પોતાની સમજ પ્રમાણે નાટકો તૈયાર કરીને રજૂ કરે છે. આ અંગે સ્ટુડન્ટ અમરજીત મોડીયા કહે છે કે, કેમ્પમાં અમે પ્રકૃતિક શિક્ષણ મેળવવાની સાથે પ્રકૃતિની વચ્ચે રહીને એન્જોયમેન્ટ પણ કરીએ છીએ. આ અંગે ઇન્સ્ટ્રક્ચર આલાપ પંડિત કહે છે કે, અત્યાર સુધીમાં ૮૦૦થી વધારે વિદ્યાર્થીઓએ આ કેમ્પમાં પાર્ટીસિપેશન કર્યું છે. અને વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકો પણ પાર્ટિશિપેટ થઇને નેચર એજ્યુકેશન મેળવે છે.

મેડિકલ ટુરિઝમ પછી આયુર્વેદ ટુરિઝમ વિદેશીઓને આકર્ષે છે

 આયુર્વેદનું શિક્ષણ મેળવવા માટે ચીલીથી પંદર સ્ટુડન્ટ્સ અને જર્મનીથી બે સ્ટુડન્ટ્સ છેલ્લા પાંચ દિવસથી અમદાવાદમાં આવ્યા છે. ચીલી લેટીન અમેરિકાનો નાનકડો દેશ છે. અને આ સ્ટુડન્ટ્સ ચીલીના સાન્ટિયાગો શહેરમાંથી આવ્યા છે. તેઓએ પોતાની કન્ટ્રીમાં આયુર્વેદનું જે શિક્ષણ મળ્યું તે મેળવીને હવે આયુર્વેદને વધારે ઊંડાણપૂર્વક સમજવા માટે અમદાવાદમાં આવ્યા છે. તેઓ માત્ર સ્પેનિશ ભાષામાં સમજી શકે છે. આયુર્વેદના વિજ્ઞાનને સમજવાની લગન હોવાને કારણે તેઓ પોતાની સાથે ઈંગ્લીશ- સ્પેનિશ ટ્રાન્સલેટર લઇને આવ્યા છે.

લેટીન અમેરિકામાં આવેલા ચીલીના પંદર સ્ટુડન્ટ્સ આયુર્વેદ વિજ્ઞાનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે અમદાવાદમાં આવ્યા છે. તેઓ ભારતીય આયુર્વેદ સાહિત્યનો અભ્યાસ કરીને પોતાના દેશમાં આયુર્વેદને પ્રમોટ કરવા માટે પ્રયત્નશીલ છે

ચીલીથી આવેલી લૈલા ડેંસા કહે છે કે, અમે આયુર્વેદના પાઠ શીખવા માટે બીજી વખત ભારતમાં આવ્યા છીએ. આયુર્વેદ જીવન જીવવા માટેનો સિમ્પલ રસ્તો છે. અને મારા મતે ચરક સંહિતા આયુર્વેદનો સૌથી બેસ્ટ ગ્રંથ છે. લૈલા પોતે ચીલીમાં આયુર્વેદને પ્રમોટ કરવા માટે આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે.મહત્ત્વની વાત એ છે કે આ બઘા પોતે શાકાહારી છે અને તેઓ આલ્કોહોલિક ડ્રિન્ક પણ નથી પીતા. આ અંગે કરિના અરેન્ગિઝ કહે છે, આયુર્વેદ જીવવા માટેનું વિજ્ઞાન છે. અને ભારતમાં હજારો વર્ષો પહેલા ઋષિમુનિઓએ આયુર્વેદની શોધ કરી હતી. તેથી ભારતમાં અમે આયુર્વેદને મૂળમાંથી સમજવા માટે આવ્યા છીએ, અને જીવવા માટેનો ઓરિજનલ રસ્તો આયુર્વેદ જ છે. આયુર્વેદ શીખવા માટે આવેલા એન્ડિસ સુરખોફ કહે છે કે, મને ઇન્ડિયન ફૂડ, બ્યુટી, કોન્ટ્રાસ્ટ અને ઇન્ડિયન કલ્ચર ખૂબ જ ગમ્યું છે. અને અમે અમારા દેશમાં આયુર્વેદને વધારે સારી રીતે પ્રમોટ કરવા માગીએ છીએ.
ભારતમાં પુષ્કળ પ્રમાણમાં આયુર્વેદિક સાહિત્ય ઉપલબ્ધ છે. આ અંગે જર્મનીના હેમ્બર્ગ શહેરમાંથી આવેલી માર્ટીના કોબ્સ અને એલેક્સ કહે છે કે, અમે જર્મનીમાં આયુર્વેદ અને યોગને પ્રમોટ કરીએ છીએ.
આયુર્વેદિક કુકિંગ સિમ્પલ અને ફાસ્ટ છે. માર્ટીના પોતે આયુર્વેદ ટિચર છે અને ન્યુટ્રિશન કુકિંગ કંપની પણ ચલાવે છે. એલેક્સ જર્મનીમાં ૧૪ વર્ષથી યોગા શીખવે છે. તેઓ કહે છે કે, જર્મનીમાં લોકો હેલ્થ માટે વઘારે કોન્સિયસ છે.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી

કાર ચલાવતી વખતે અમે અમારી વિકલાંગતા ભુલી જઈએ છીએ

અમદાવાદના અંધજન મંડળ દ્વારા રવિવારે એક યુનિક કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં કોઇ પણ કાર ચાલક ભાગ લઇ શકશે. અને એ કાર ચાલકને એક બ્લાઇન્ડ નેવિગેટર આપવામાં આવશે. બ્લાઇન્ડ નેવિગેટર બ્રેઇલ લીપીમાં તૈયાર કરવામાં આવેલા નકશામા ંજોઇને કાર ચાલકને જે મુજબ રસ્તો બતાવે તે રસ્તે કાર ચાલકે કાર ચલાવવાની રહેશે. મહત્ત્વની વાત એ છે કે કાર ચાલકને રેલીના રૃટની જાણકારી નથી હોતી. તેથી બ્લાઇન્ડ નેવિગેટર જે રસ્તો બતાવે તે જ રસ્તે કાર ચાલકે કરા ચલાવવાની રહેશે. જેમાં ડ્રાઇળર અને બ્લાઇન્ડ નવેગિેટર વચ્ચેનું જે કોમ્યુનિકેશન છે તે મહત્ત્વનું હોય છે.
પ્રથમ વખત બ્લાઇન્ડ નેવિગેટર સાથે ફિજિકલી ચેલેન્જ ધરાવતા કાર ડ્રાઇવરો કાર રેલીમાં પાર્ટિસિપેટ કરશે. ડિસેબલ લોકોએ પોતાની કારને હાથ વડે ચલાવી શકાય એ માટે ક્ચલ, બ્રેક અને એક્સિલેટરનું મોડિફિકેશન કરાવ્યું છે

આ વખતે આ કાર રેલીમાં બ્લાઇન્ડ નેવિગેટર સાથે ફિજિકલી ચેલન્જ ધરાવતા લોકો પ્રથમ વખત જોડાશે. અને એ માટે તેઓએ કારને ખાસ ડિઝાઇન કરાવી છે. બંને પગે વિકલાંગ સમીર કક્કડ કહે છ કે, મેં બ્લાઇન્ડ નેવિગેટર સાથે કાર રેલીમાં પાર્ટિસિપેટ કરવા માટે મારી કારને મેં જાતે જ ડિઝાઇન કરી છે. મારા ંબને પગ ડિસેબલ હોવાથી મેં ક્લચ, બ્રેક અને એક્સિલેટરને હાથ વડે મેનેજ કરી શકાય એ મુજબ ડિઝાઇન કરી છે. માત્ર નોર્મલ લોકો જ કાર ચલાવી શકે એવું નથી, પણ ડિસેબલ લોકો પણ બધું કરી શકે છે. પ્રથમ વખત કાર રેલીમાં પાર્ટિસિપેટ કરવા માટે કોકીલા ઠક્કરે પણ પોતાની કારનું મોડિફિકેશન કરાવ્યું છે. કોકીલા ઠક્કર કહે છે કે, હું વ્હીલચેઇરને સહારે ફરી શકું છું. અને હવે હું મારા હાથની મદદથી કાર ચલાવીશ. ફિજિકલી ચેલેન્જ ધરાવતા લોકો પોતાની તકલીફ પ્રમાણે કારનું મોડિફિકેશન કરાવે છે. આ અંગે બંને પગે વિકલાંગ અંજન મજેઠિયા કહે છે કે, બ્લાઇન્ડ નેવિગેટર સાથે કાર ચલાવવી એ એક રોચક અનુભવ હશે. અને બીજા ડિસેબલ લોકોને પણ આ રેલીમાંથી પ્રેરણા મળશે.

૮૭ વર્ષે સ્ફૂર્તીથી આખા જગતને જાદુ બતાવતા કે.લાલ કહે છે ઝડપનું બીજું નામ એટલે જાદુ

 દુનિયાભરમાં જાદુના ૨૨૦૫૧ શો પૂરા કરનાર જાદુગર હવામાં ઉડતી સ્ત્રી , ઝડપથી વસ્ત્રો બદલતી યુવતીઓ, હાઇ સ્પીડ કરવતથી જાદુગરના ટૂકડા અને ૨૦ હજાર વોલ્ટની રોશની વચ્ચે જાદુગર કે. લાલ ૮૭ વર્ષે પણ ગજબની સ્ફૂર્તિનો જાદુ પણ કરી શકે છે. અત્યાર સુધીમાં ૨૦૦૦થી વધુ જાદુની આઇટમો પ્રેક્ષકો સમક્ષ રજૂ કરનાર કે. લાલ કહે છે કે, હું આજે પણ પ્રેક્ષકોને નવું આપવાનો પ્રયાસ કરું છું.

જાદુમાં કોઇ તંત્ર, મંત્ર કે મેલી વિદ્યા નથી. જાદુ ઝડપનું બીજું નામ છે. જાદુ કલા છે. જ્યાં સુધી સમજ ના પડે એનું નામ જાદુ કહેવાય. હા, જાદુમાં હિપ્નોટિઝમ જરૃર છે.

સૌરાષ્ટ્રના નાનકડા બગસરા ગામમાં ૧૯૨૪માં જન્મેલા કે.લાલનું મૂળ નામ કાન્તિલાલ ગિરધરલાલ વોરા. પરંતુ દુનિયા તેમને કે. લાલના ઉપનામથી ઓળખે છે. પિતા કલકત્તામાં કાપડના વેપારી હતા અને કાન્તિલાલને નાનપણથી જ મદારીના ખેલ, લોકગીતો અને હાસ્ય પ્રયોગોમાં વધુ રસ હતો. ૧૯૩૮માં માઇટી ચેગના જાદુના ખેલ જોઇને પોતે પણ પિતાની મનાઇ હોવા છતાં જાદુગર બનવાનો નિર્ણય કર્યો.
પછી જ્યાંથી મળ્યું ત્યાંથી જાદુ અંગેનંુ શિક્ષણ મેળવી આપબળે પોતાનું કૌશલ્ય વિકસાવ્યું. કે. લાલ કહે છે કે, હું ૧૪ વર્ષનો હતો ત્યારે કલકત્તામાં યોજાયેલા જાદુગર અધિવેશમાં ભાગ લેવા ગયો. મારા સંસ્કાર ગુજરાતીના હતા. બીજા જાદુગરોએ આ અધિવેશનમાં એવી વાત કરી કે દર્શકો શો જોવા આવે અને મૂર્ખ સમજવાના અને આપણે સુપરમેન છે. આ વાતને કારણે મારા દિલમાં જબરદસ્ત ચોટ લાગી.

મેં અધિવેશનમાં મારા હાથમાં માઇક લઇને કહ્યું કે, દર્શકગણ આપણને ખરીદી શખે એટલી તાકાત ધરાવે છે. દર્શકો આપણા માલિક કહેવાય. આ સાંભળીને બીજા જાદુગરોએ કહ્યું કે, ગુજરાતી ક્યારેય જાદુગર બન્યો છે જે અમને શીખવાડે છે. આ સાંભળીને મેં કહ્યું કે ગુજરાતી જે ક્ષેત્રમાં પ્રવેશે તે ક્ષેત્રમાં તે બધાનો બાપ બની જાય છે. અહીં જો મને ચોંટ ના લાગી હોત તો હું આજે કલકત્તામાં કાપડ ફાડતો હોત. આ ચોંટ ઝિલીને મેં મહેનત કરી, પત્નીના દાગીના ગીરવે મૂક્યા અને આજે દુનિયામાં ઊંચી કક્ષા મેળવી છે.

કારકિર્દીની શરૃઆત સૌરાષ્ટ્ર વિસ્તારના જૂનાગઢ પાસેના વંથલી ગામે ૧૬ વર્ષની કિશોર વયે સૌ પ્રથમ જાદુનો ખેલ કર્યો હતો. કે. લાલ કહે છે કે, જાદુમાં કોઇ તંત્ર, મંત્ર કે મેલી વિદ્યા નથી. જાદુ ઝડપનું બીજું નામ છે. જાદુ કલા છે. જ્યાં સુધી સમજ ના પડે એનું નામ જાદુ કહેવાય. હા, જાદુમાં હિપ્નોટિઝમ જરૃર છે. એક બાજુ વલ્ગર કોમેડી, ગીતોની ભરમાર અને ગ્લેમર ચાલે છે, ત્યારે વિશ્વના આ મહાન જાદુગરે જાદુના શોમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર જાળવી રાખ્યા છે. કે. લાલ કહે છે કે, જીવનમાં ચારિત્ર્યથી વધુ મૂલ્યવાન કંઇ નથી. કે. લાલ પોતે શાકાહારી છે અને વિશ્વમાં ગમે ત્યાં ટુર કરે ત્યાં તેમની સાથે તેમનો રસોયો પણ હોય છે. પોતાના સ્ટાફના નાના માણસોની સાથે પણ પરિવારની જેમ રહે છે. કે. લાલ કહે છે કે મારો સ્ટાફ મારી અમાનત છે. કે. લાલની જીવનશૈલી એકદમ સાત્વિક છે. તેમણે ક્યારેય કલકત્તા, બોમ્બે કે અમદાવાદની હોટલોમાં પગ નથી મૂક્યો. કે. લાલનું જીવન કલ્પના બહારના સંઘર્ષ અને સુખમાં વિત્યું છે. જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો. ક્યારેય ડગ્યા નથી, અને મહત્ત્મા ગાંધીજીને પોતાના આદર્શ તરીકે સ્વીકારી હંમેશાં તેના અનુયાયી તરીકે રહ્યા છે.

ભ્રષ્ટાચારી લોકોની વાત સાંભળીને કે. લાલ ખૂબ દુઃખી થઇ જાય છે. તે કહે છે કે, ભારતના આદર્શો જેવા કે ખોટા વચનો ના આપવા, સારું બોલો, પ્રમાણિકતા, મહેમાનગતિ આ બધું ભૂલાઇ રહ્યું છે. તે વાતનું મને દુઃખ છે. આજે ન્યૂ જનરેશન ગાંધીજીને ભૂલી રહી છે ત્યારે તેમણે ગાંધીજીને સ્ટેજ પર રજૂ કરવાનો વિચાર આવ્યો. કે. લાલ કહે છે કે, ભારતમાં એકતા તૂટે છે ત્યારે ગાંધી બાપુ વેદનામય હોય તે સ્વાભાવિક છે. અને આ કલ્પનાને સાકાર કરતા પ્રયોગને મેં મારા શોમાં સમાવ્યો છે. કે. લાલ આજે પણ હિંમત ,તાકાત અને કોન્ફિડન્સ સાથે એચ.કે હોલનું સ્ટેજ ગજવી નાંખે છે.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી

અમે તો અંધ છીએ પણ તમને તો દેખાય છે ને?

 ચાર રસ્તા પર ટ્રાફિકના પોસ્ટર લઇને ઉભેલા અંઘજન મંડળના પ્રજ્ઞાચક્ષુ બાળકોએ ટ્રાફિકના પ્રોબ્લેમને દૂર કરવા માટે પ્રતિકાર કરતું કેમ્પેઇન ચલાવ્યું હતું. આ કેમ્પેઇન દ્વારા કોમન મેનને સેલ્ફ રેગ્યુલેશનનો મેસેજ આપવામાં આવ્યો


અમે તો અંધ છીએ પણ તમને તો દેખાય છે ને ?. આ શબ્દો ચાર રસ્તા પર ટ્રાફિકનું પોસ્ટર લઇને ઉભેલા પ્રજ્ઞાચક્ષુ બાળકોના છે. આ બાળકોએ ટ્રાફિકના પ્રોબ્લેમને દૂર કરવા માટે ચાર રસ્તા પર જઇને ટ્રાફિક કેમ્પેઇન ચલાવ્યું હતું.
 આ અંગે આ કેમ્પેઈનના પ્રણેતા વિપલુભાઇ કહે છે કે, કેનેડાની ટ્રાફિક સિસ્ટમ જોયા પછી મારા મનમાં એક સવાલ થયો કે અહીં કેમ આવી સિસ્ટમ છે. લોકો કેમ આડેધડ વાહનો ચલાવે છે. આ સિસ્ટમને બદલવા માટે પ્રજ્ઞાચક્ષુ બાળકો અને વિકલાંગ બાળકો સાથે મેં ટ્રાફિક કેમ્પેઇન કરવાનું શરૂ કર્યું. આપણી સેફ્ટી આપણાં જ હાથમાં છે.જો કોમન મેનમાં સેલ્ફ રેગ્યુલેશન આવે તો પરિસ્થિતિ જાતે જ સુધરી જશે. અંધ બાળકોને એટલા માટે આ કેમ્પેઇનમાં લેવામાં આવ્યા હતા કે લોકો સમજી શકે કે આ બાળકો તો અંધ છે પરંતુ આપમને તો બઘું દેખાય છે. છતાં પણ શા માટે અંધ બનીને નિયમોનો ભંગ કરીએ છીએ.
આ અંગે પ્રજ્ઞાચક્ષુ બાળકો કહે છે કે, આ કેમ્પેઇન થુ્ર લોકોને અમારે એક મેસેજ આપવો છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો, ફાયદો તમારો જ છે. રોંગ સાઇડમાં વાહન ના ચલાવવું જોઇએ, બાળકો પ્રજ્ઞાચક્ષુ, વિકલાંગ તથા સિનિયર સિટિઝન જ્યારે રોડ ક્રોસ કરે ત્યારે થોડી વાર ઊભા રહેવું એવો મેસેજ આ કેમ્પેઇન દ્વારા આપવામાં આવ્યો.
 આ કેમ્પેઇનમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોની સાથે ડિસેબિલિટી એડવોક્સી ગુ્રપના હેન્ડીકેપ લોકોએ પણ ચાર રસ્તા પર વ્હીલચેરમાં બેસીને ભાગ લીધો હતો. આ હેન્ડીકેપ લોકો એવો મેસેજ આપતા હતા કે અમે તો હાથ પગ ગુમાવ્યા તમે પણ હાથ- પગ ગુમાવશો પછી સમજશો? આ હેન્ડીકેપ બાળકોને જોઇને ટ્રાફિક સિગ્નલ પર ઘણો સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ કેમ્પેઇન પ્રતિકાત્મક અને યુનિક કેમ્પેઇન હતંંુ. જેની અસર ડાયરેક્ટ લોકોના મન ઉપર પડી હતી.
 અમદાવાદમાં આ પ્રથમ પ્રતિકારાત્મક ઝૂંબેશ જોવા મળી હતી જેમાં બહુ ટૂંકમાં છતા અસરકારક રીતે ફિઝિકલી ડિસેબલ્ડ બાળકોએ પોતાનો મેસેજ લોકોના મનના ઊંડાણ સુઘી પહોંચાડ્યો હતો.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી

વૃષભદેવના પંચકલ્યાણક પ્રસંગોમાં આખા જીવનનો સાર

મહારાષ્ટ્રમાં આવેલા ઓરંગાબાદમાં આખા દેશમાં ન હોય તેવું એક ચિત્ર આજે પણ પ્રત્યેક જૈનને આકર્ષે છે. કારણ એ છે કે આ ચિત્ર જૈનોના પ્રથમ તિર્થંકર વૃષભદેવના પંચકલ્યાણક પ્રસંગોને દર્શાવે છે.અત્યારસુઘીમાં વૃષભદેવના પંચકલ્યાણક પ્રસંગોને ક્યાંય દર્શાવાયા નથી.આ આબેહૂબ પ્રસંગોને મુઘલ,રાજપૂત અને દક્ષિણ એમ ત્રણ શૈલીના સમન્વય સાથે દર્શાવવામાં આવ્યા છે. મોટા ગજાના આ ચિત્રમાં શું છે એ વિષય પર એલ.ડી.ઈન્ડોલોજીમાં આવેલી એન.સી.મહેતા આર્ટ ગેલેરી ખાતે સાંજે ૫.૩૦ વાગે જાણીતા કલા ઈતિહાસકાર પદ્મશ્રી સરયુ દોશી ખાસ પંચકલ્યાણક ઈવેન્ટનું વિસ્તારવાર વિશ્વ્લેષણ કરશે.
એલ.ડી. ઈન્ડોલોજી ખાતે ઇન્ડિયન મિનિએચર પેઇન્ટિંગ્સ પર વક્તવ્ય આપવા આવેલા સરયુ દોશીના મતે જૈન ઘર્મના પ્રથમ તિર્થંકર વૃષભદેવના પંચકલ્યાણ પ્રસંગો દર્શાવતું ૧૭મી સદીનું ૪૦ ફૂટ લાંબું યુનિક પેઇન્ટિંગને આજે પણ આઘ્યાત્મિક અને કલા જગતની એક ખૂબી ગણવામાં આવે છે
ર્ભારતીય કલ્ચર અને આર્ટના કન્ટ્રીબ્યુશન માટે સરયુ દશીને ૧૯૯૮માં પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમણે ૧૯૭૧માં જૈન મિનિએચર પેઇન્ટિંગ પર પી.એચ.ડી કર્યું છે. સરયુ દોશી કહે છે કે, જૈન ધર્મમાં પ્રત્યેક તિર્થંકરની પાંચ કલ્યાણ ઇવેન્ટ હોય છે જેમ કે ગર્ભ, જન્મ, દિક્ષા, સમ્યક જ્ઞાન અને મોક્ષ. આ પંચ કલ્યાણક ઇવેન્ટ સેલિબ્રેટ થાય છે. જુદા જુદા તિર્થંકરોની આ પંચકલ્યાણક ઇવેન્ટ દર્શાવતા ચિત્રો જૈન કલ્પસુત્રમાં જોઇ શકાય છે. આ પાંચે પાંચ ઇવેન્ટ અલગ અલગ ચિત્રોમાં જોવા મળે છે. ઔરંગાબાદી શૈલીમાં વૃષભનાથની પંચકલ્યાણક ઇવેન્ટ બતાવતું ૪૦ ફૂટ લાંબુંે અને ૩ ફૂટ પહોળો પટ્ટો નાગપુરના કારંજમાં છે. આ અંગે સરયુ દોશી કહે છે કે, આ પ્રથમ એવું ચિત્ર છે કે જેમાં એક સાથે વૃષભનાથના જીવનની પંચકલ્યાણક ઇવેન્ટ પેઇન્ટ કરવામાં આવી છે અને આ પેઇન્ટિંગમાં ત્રણ પ્રકારની શૈલીનો સમન્વય થયેલો જોવા મળે છે.
સરયુ દોશી કહે છે કે, ઇ.સ. ૧૭૦૦ની આસપાસ આ ચિત્ર રાજપુત, મુઘલ અને દક્ષિણના કલારારો દ્વારા ઔરંગાબાદમાં તૈયાર કરવામાં આવ્યું છે.આ રીતે આ ત્રણેય શૈલીને ભેગી કરીને એક નવી જ શૈલી આ પેઇન્ટિંગ દ્વારા અસ્તિત્ત્વમાં આવી છે. ૧૭મી સદીના ઉતરાર્ધમાં અને ૧૮મી સદીના પૂર્વાધમાં રાજપૂત , મુઘલ અને દક્ષિણી શૈલીના મિક્ચર દ્વારા જે નવી શૈલી આકાર પામી તેનું આ પેઇન્ટિંગ એક્ઝામ્પલ છે. કેવી રીતે આ એક નવી શૈલી તૈયાર થઇ એ અંગે સરયુ દોશી કહે છે કે, ૧૭૦૦ની આસપાસ મુઘલ સૈનિકો દક્ષિણને કબ્જે કરવા માટે આગળ વઘ્યા. એ સમયે ઔરંગાબાદ લશ્કરી થાણું હતું. તેથી લડાઇ કરવાની યોજના ઔરંગાબાદમાંથી ઘડાતી હતી. પછી ઔરંગાબાદથી જ સૈનિકો આક્રમણ કરવા માટે જતાં. આ સૈન્યમાં રાજપૂત બટાલિયન પણ હતી. આ રીતે રાજપૂત , મુઘલ અને દક્ષિણી આર્ટિસ્ટો ઔરંગાબાદમાં સાથે રહીને ઔરંગાબાદી શૈલીમાં આ પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. સરયુ દોશી કહે છે કે, આ પેઇન્ટિંગમાં મુખ્ય ત્રણ વસ્તુ મહત્ત્વની છે. એક એ કે ત્રણ શૈલી ભેગી થઇને આ પેઇન્ટિંગ તૈયાર થયંુ છે. બીજું એ છે કે જૈન ધર્મમાં આ એક જ પેઇન્ટિંગ એવું છે કે જેના પર વૃષભનાથના જીવનની પંચકલ્યાણક ઇવેન્ટ એક સાથે દર્શાવવામાં આવી છે.
જૂના રાજવાડાઓમાં રાજાની ભોગ વિલાસ અને યુઘ્ઘના પ્રસંગોને ચિત્રોમાં દર્શાવવામાં આવતા. પરંતુ ભારતના ઈતિહાસમાં જૈન અને બોઘ્ઘ ઘર્મના અનેક પ્રસંગોને ચિત્રના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. એમાં પણ જૈન મિનિએચર પેઈન્ટિંગમાં ચોવીસ તિર્થંકરોની વાતોને વિવિઘ સરળ રીતે વણી લેવામાં આવી છે.આપણા યુવાનો પણ જો આ દિશા તરફ રસ કેળવે તો આર્ટ ઓફ લિવિંગનો સાચો અર્થ સમાજ સમક્ષ આવી શકે. જૈન ઘર્મને રાજ્ય ઘર્મ બનાવનાર અનેક રાજવીઓએ પોતાના અંગત પ્રસંગોને બદલે શ્રાવકો અને મુનિઓના ઘાર્મિક પાસાઓને લઈને આર્ટ અને સ્કલ્પચરને મહત્ત્વ આપ્યું તે અહીં પુરવાર થાય છે.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી