Sunday, December 5, 2010

દિવાળીની મજા ત્યારે જ આવે જ્યારે નાસ્તા ઘરે બને

આ પરંપરાને કારણે ગૃહિણીઓની આત્મીયતા, સમૂહભાવના અને પ્રેમ વધારે ગાઢ બને છે. બીજી તરફ ઘરમાં વાનગી બનાવવાથી તહેવારના પ્રસંગે પૈસાની પણ બચત થાય છે


એક સમય એવો હતો કે પોળોમાં કે સોસાયટીમાં દરેક મહિલાઓ પાડોશીને ત્યાં દિવાળીની સ્પેશીયલ વાનગીઓ બનાવવા જતી હતી અને પાડોશીઓને મદદ કરતી અને દરેક ગૃહિણીઓ સાંજે ચા-નાસ્તો કરીને છુટી પડતી. આજની ગૃહિણીઓ કે યુવતીઓ લોટ દળવાની, લોટ બાંધવાની, પાપડ વણવાની કે પછી તેની દેખરેખ કરવાની મથામણમાં પડતી નથી. જો કે દિવાળીની સ્પેશીયલ વાનગીઓ જાતે ઘરે જ બનાવવાની પરંપરાને જીવંત રાખનાર કેટલીય ગૃહિણીઓ આજે પણ જોવા મળે છે. આ પરંપરા ખાસ કરીને જે ઘરમાં મોટી ઉંમરની ગૃહિણીઓ હોય એ ઘરમાં જ જોવા મળે છે. દિવાળીની દરેક વાનગીઓ દર વર્ષે ઘરે જ બનાવતા ૮૪ વર્ષના વિમળાબેન ઠાકર કહે છે કે, 'હવે મોહનથાળ, ઘુઘરા, ચેવડો, મઠીયા, દહીથરા, ફરસી પુરી જેવી મહેનતવાળી દિવાળીની સ્પેશીયલ વાનગીઓ ઘરે બનાવવાની પરંપરા ભૂલાઈ રહી છે. મને યાદ છે કે એક સમય હતો કે દિવાળીના ચાર-પાંચ દિવસ પહેલાથી જ શેરી અને મહોલ્લાના દરેક ઘરમાંથી શુધ્ધ ઘી અને તેલની સુગંધ આવતી હતી. જેનાથી દરેકને ખબર પડી જતી હતી કે દિવાળીની સ્પેશીયલ વાનગીઓ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે.'
દર વર્ષે દિવાળીની સ્પેશીયલ વાનગી ઘરે બનાવતા જાગૃતિબેન પટેલ, કહે છે કે, 'દિવાળીની સાફ સફાઈનું કામ પુરું કરીને ઘરે-ઘરે વાનગીઓ બનાવવાનું કામ ચાલુ થઈ જતું હતું. દરેક ઘરમાંથી જુદી જુદી મીઠાઈઓ કે ફરસાણાની સુગંધ ના આવતી ત્યાં સુધી દિવાળી જેવું વાતાવરણ લાગતું જ નહોતું.' દિવાળીના સમયે મઠીયા, ઘુઘરા, મોહનથાળ, ચેવડો વગેરે વાનગીઓ સ્ત્રીઓ ઘરે બનાવે અને તે માટે પાડોશીઓને પણ મદદ કરાવે એવું વાતાવરણ આજે પણ અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારની મિત્રમંડળ સોસાયટી તથા સાન ફ્લેટમાં જોવા મળે છે. આ અંગે મિત્રમંડળ સોસાયીટમાં રહેતા સંગીતાબેન શાહ કહે છે કે, અમે આજે પણ દિવાળીનું ફરસાણ અને મિઠાઇ જેવી કે ચોકલેટ બરફી, કાજુ કતરી, ધાબાના લાડવા, ચકરી, ખસ્સા કચરોી, ચેવડો, ખસ્સા સમોસા, મઠિયા, ફાફડા, ઘુઘરા, ટોપરાપાક, મોહનથાળ વગેરે બનાવવામાં પાડોશીઓને પણ મદદ કરવા જઇએ છીએ, અને સાંજે ચા- નાસ્તો જોડે કરીને જ છુટા પડીએ છીએ. આ આઇટમો એકલાથી ના બને અટેલે આ સોસાયટીની ગૃહીણીઓ પોતાના પાડોશીઓને મદદ કરાવવા માટે તેમના ઘરે જાય છે. ઉસ્માનપુરા ગામના સાન ફ્લેટમાં પણ આવા પ્રકારનું જ વાતાવરણ જોવા મળે છે. સાન ફ્લેટમાં રહેતા રૃપલબેન શેઠ કહે છે કે, અમે દિવાળીની સ્પેશિયલ વાનગી બનાવવા માટે પાડોશીઓને ત્યાં વારા ફરતી ટાઇમ સેટ કરીએ છીએ. અને સમય અનુકૂળ હોય તેમ એકબીજાની મદદ કરીએ છીએ. આ ઉપરાંત કોઇના ઘૂઘરા સારા બનતા હોય છે તો કોઇના મઠિયા સારા બનતા હોય છે. તો આ પ્રથાને કારણે તેનો લાભ સોસાયટીના દરેક ઘરોને પણ મળી રહે છે.
આ પરંપરાને કારણે ગૃહિણીઓની આત્મીયતા, સમૂહભાવના અને પ્રેમ વધારે ગાઢ બને છે. બીજી તરફ ઘરમાં વાનગી બનાવવાથી તહેવારના પ્રસંગે પૈસાની પણ બચત થાય છે એમ કેટલીક ગૃહિણીઓ માને છે. કેમ કે ૫૦૦ રૃપિયાની સામગ્રી ઘરે લાવીને જેટલી વાનગીઓ બનાવી શકાય છે. એટલી વાનગી માર્કેટમાં રૃ. ૨૦૦૦માં મળતી હોય છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

No comments:

Post a Comment