Saturday, July 23, 2011

ત્રણ મહિનામાં ૮૦ લાખથી વધુ નવકારમંત્રના જાપ


રાષ્ટ્ર, સંસ્કૃતિ અને ધર્મના ક્ષેત્રે આગવંંુ પ્રદાન કરનાર જૈન ધર્મના પંન્યાસ પ્રવર ચન્દ્રશેખર વિજયજી મહારાજના આજે ૭૮માં જન્મ દિવસની ઉજવણી નિમિત્તે તેમના સુંદરે આરોગ્ય માટે તપોવન સંસ્કાર પીઠ અમીયાપુરના વિદ્યાર્થીઓએ સાથે મળીને કુલ ૭૦ લાખ નવકાર મંત્રનો જાપ કર્યો હતો. વ્યસનો અને ફેશનના ફંદામાં ફસાયેલી યુવા પેઢીને સન્માર્ગે વાળવા માટે તેમણે વૈચારિક ક્રાંતિનો પ્રકાશ પાથર્યો છે. ત્યારે આજે તેમના ૭૮માં જન્મ દિવસ નિમિત્તે તેમને દીર્ધાયુ મળે તે માટે સમગ્ર ભારત ભરના જૈન સંઘો દસ હજારથી વધારે આયંબિલ તપની તપશ્ચર્યા કરશે.

જૈનાચાર્ય ચન્દ્રશેખર વિજયજી મહારાજ સાહેબના ૭૮માં જન્મ દિવસ નિમિત્તે આજે સમગ્ર ભારત અને અમદાવાદના જૈન સંઘો દ્વારા ૨૫૦૦૦થી વધારે આયંબીલ તપશ્ચર્યા કરવામાં આવશે. આ પ્રસંગ નિમિત્તે તપોવન સંસ્કાર પીઠના ૪૦૦ વિદ્યાર્થીઓ ૮૦ લાખથી વધુ નવકાર મંત્રનો જાપ કર્યો હતો

આ પ્રસંગ નિમિત્તે તપોવનના ૪૦૦ વિદ્યાર્થીઓએ ત્રણ મહિનામાં ૮૦ લાખથી વધુ નવકાર મંત્રનો જાપ કરીને તેમના સુંદર આરોગ્ય માટે પ્રભુને પ્રાર્થના કરી હતી. મહત્ત્વની વાત એ છે કે તપોવન સંસ્કાર પીઠના વિદ્યાર્થીઓ ડિસ્કો અને ક્રિકેટથી દૂર રહીને ભક્તિમય વાતાવરણમાં તપશ્ચર્યાની સાથે સાથે પરિક્ષાની તૈયારી પણ કરે છે. આ ઉપરાંત આજે સમગ્ર અમદાવાદના દરેક જૈન સંઘમાં કુલ મળીને દસ હજાર આયંબીલની તપશ્ચર્યા કરશે. આયંબીલ તપશ્ચર્યામાં ઘી, તેલ, ગોળ, દૂધ, દહીં જેવી છ મુખ્ય વસ્તુઓનો ત્યાગ કરવામાં આવે છે. અને આજે અમદાવાદમાં પાંચ હજારથી વધારે તથા સમગ્ર ભારતમાં ૨૫ હજારથી વધારે આયંબીલની તપશ્ચર્યા કરવામાં આવશે.

ચન્દ્રશેખર વિજયજી મહારાજ સાહેબના સ્વસ્થ આરોગ્ય માટે જૈન મુનિ ગિરિ ભૂષણ વિજયજી મહારાજ સાહેબે ૨૨ વખત સોળ ઉપવાસની તપશ્ચર્યા કરી છે. તેઓ આજે ૨૨મી વખત સોળમો ઉપવાસ પૂર્ણ કરશે. તેઓ ઉપવાસના પ્રથમ દિવસે એક સાથે સોળ ઉપવાસ કરવાના છે તેમ નક્કી કરી દે છે. જેને જૈ શાસનમાં પચખાણ કહે છે. આમ આજે ચન્દ્રશેખર વિજયજી મહારાજ સાહેબના ૭૮માં જન્મ દિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર ભારત અને અમદાવાદમાં આયંબીલ તપશ્ચર્યા કરવામાં આવશે

તસ્વીર : સુરેશ મિસ્ત્રી

ગાંધીજીના મુખ્ય મથક અમદાવાદમાં ખાદી બનતી નથી

આશ્ચર્યની વાત એ છે કે ગાંધીજીની કર્મભૂમિ અમદાવાદમાં ક્યાંય ખાદીનું કાપડ બનતું નથી. ૧૯૮૦ સુધી માત્ર ગાંધી આશ્રમમાં જ ખાદી વણાટનું કામ ચાલતું હતું, પરંતુ ૧૯૮૦ પછી કારીગરોના અભાવને કારણે ખાદી વણવાનું બંધ થઇ ગયંં. અમદાવાદમાં ૪૦થી ૪૫ ખાદી ભંડારો છે, પરંતુ આ ખાદી ભંડારોમાં અમદાવાદની આસપાસના ગામડાઓ અને સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી, ભાવનગર, સિંહોર, ગૌડલ, રાજકોટ, ગઢડા, ઢસા વગેરે જગ્યાએથી ખાદીનું કાપડ બનીને આવે છે. અને જે પાતળી ખાદી આવે છે તે પરપ્રાંતમાંથી આવે છે. આ અંગે ગાંધી આશ્રમમાં ઇમામ મંઝિલમાં રહેતા ૪૨ વર્ષના ધીમંતભાઇ બઢિયા કહે છે કે, મારા દાદા અને પર દાદા ગાંધી આશ્રમમાં ખાદી વણાટનું કામ કરતા હતા. હું પોતે એક મિલ કામદરા છું અને હવે આશ્રમની ભૂમિ પર કોઇ ખાદી વણાટનું કામ કરનાર રહ્યું નથી. પરંતુ આશ્રમની મુલાકાતે આપતા ટુરિસ્ટોને ખાદી કેવી રીતે બને અને કોટનમાંથી વસ્ત્ર કેવી રીતે તૈયાર થાય એ જાણકારી મળી રહે તે માટે મેં બે વર્ષથી ખાદી વણાટનું સેન્ટર ચાલુ કર્યું છે. પરંતુ ખાદીનું ઉત્પાદન નથી થતું.
ગાંધીજીની કર્મભૂમિ અમદાવાદમાં ક્યાંય ખાદીનું કાપડ બનતું નથી. અમદાવાદમાં આવેલા ૪૦થી ૪૫ જેટલા ખાદી ભંડારોમાં આસપાસના ગામડાઓ, સૌરાષ્ટ્ર તથા પરપ્રાંતમાંથી ખાદીનું કાપડ આયાત કરવામાં આવે છે

ખાદીનું કાપડ બનાવવા માટે સુતરની આંટીઓની ચાર- પાંચ દિવસ સુધી પ્રોસેસ કરવી પડે છે. અને ત્યાર પછી ખાદીનું કાપડ બને છે. આ અંગે ગાંધી આશ્રમમાં રહેતા ૭૧ વર્ષીય સાન્તાબેન બઢિયા કહે છે કે, શરૃઆતમાં આશ્રમમાં વણાટ શાળા હતી. જેમાં ખાદી વણાટકામ શીખવા માટે સમગ્ર દેશમાંથી લોકો આવતા હતા. સમય જતાં બધું જ બંધ થઇ ગયું અને આજે તો અમદાવાદમાં ગાંધીજીના આશ્રમમાં પણ કાદીનું કાપડ નથી બનતું. જ્યાં સુધી જુની પેઢીના લોકો હતા ત્યાં સુધી તેઓએ પોતાનો ખાદી વણાટનો વ્યવસાય પકડી રાખ્યો હતો, પરંતુ ઓછા વળતરને કારણે નવી પેઢી પોતાના ખાદીના વ્યવસાયને છોડીને અન્ય વ્યવસાયમાં લાગી ગઇ છે. આ અંગે આશ્રમમાં રહેતા નરશીભાઇ બઢિયા કહે છે કે, અમદાવાદમાં હવે કોઇને ખાદી વણાટનું કામ આવડતું નથી. ખાદીનું કાપડ બનાવવા માટે ગામડામાંથી કારીગરોને લાવવા પડે છે, પરંતી ખાદીમાં રોજી- રોટી ઓછી મળતી હોવાથી ખૂબ જ ઓછા લોકો હવે ખાદી વણાટનું કામ કરે છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

દારુણ ગરીબીમાં પણ મસ્ત રહેતા સીદીઓ 'બાદશાહ' કહેવાયા

 સાસણ ગીર એટલે એશિયાટિક સિંહની ત્રાડોથી ગુંજતો એક વિસ્તાર. અહીં જંગલમાં સતત ફરતા ફરતા તમને ડાલામથ્થા સાવજોની સતત પ્રતિતિ થયા કરે. સિંહ સિવાય પણ સાસણ અને તાલાળા ગીરમાં એક બીજી વિશેષતા છે અને એ છે અહીંના સીદી બાદશાહ. આફ્રિકન જેવી લાગતી આ અનોખી આદિ જાતિનો ખડતલ પુરુષ છ ે આજે પણ ગીરના જંગલોમાં ખુલ્લા પગે આગ ઝરતી આંખો વાળા સિંહ સામે ગભરાયા વગર ઉભા રહી જાય છે. ગીરના માલધારીઓની જેમ અહીંના સીદીઓની પણ આગવી સંસ્કૃતિ છે. આ વિસ્તારના મોટાભાગના સીદીઓ છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગરીબીમાં જીવતા હોવા છતાં તેમના માં રહેલા સંતોષને કારણે સૌરાષ્ટ્રમાં તેમને સીદી-બાદશાહ કહેવામાં આવે છે.

જૂનાગઢ જિલ્લાના જાંબુર અને શિરવાણ ગામના સીદીઓ છૂટક મજૂરી કરીને જીવન નિર્વાહ ચલાવે છે. અનેક મુશ્કેલીઓમાં પણ સંતોષી અને મસ્ત જીવન જીવવાનો ગુણ દરેક સીદીમાં સ્વાભાવિક પણે જોવા મળે છે

સીદીઓનું ધમાલ નૃત્ય તો આજે ગુજરાતના દરેક પ્રદેશમાં જાણીતું બની ગયું છે. હવે તો હાઈપ્રોફાઈલ ફેમીલીના લગ્નોમાં પણ સિદી ધમાલ નૃત્યનું આયોજન કરવામાં આવે છે.
 ૫૦૦ વર્ષ પૂર્વે આફ્રિકાથી ગુલામ તરીકે ભારતમાં આવેલા સીદીઓને આપણા નવાબો તથા સુબાઓએ તેમને ખરીદ્યા હતા. ખડતલ પ્રજા હોવાથી તેમણે સીદીઓને સિંહના શિકાર અને લશ્કરમાં રોક્યા. સીદી બાદશાહનું ધમાલ નૃત્ય વિશ્વ વિખ્યાત બન્યું છે. સીદીઓ જ્યારે શિકાર કરવા જતા ત્યારે આ નૃત્ય કરતાં અને શિકાર મળી જાય એટલે આનંદમાં આવીને જે નૃત્ય કરતા તે આદિમ સંસ્કૃતિની ઝાંખી આજે પણ જોવા મળે છે.

આખા ગુજરાતમાં કુલ ૧૫ હજાર જેટલા સીદીઓની વસ્તી છ,જ્યારે આખા ભારતમાં ૨૫૦૦૦ સીદીઓ છે..જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જોવા મળે છે. જૂના ગઢ જિલ્લાનું તાલાળા, જાંબુર, શિરવાણમાં તેમની વસ્તી સૌથી વધુ છે.ભારતમાં ગુજરાત,ગોવા,કેરળ અને કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સીદીઓની વસ્તી જોવા મલે છે. લોકવાયિકા પ્રમાણે ગુજરાતમાં સીદીઓ સૌપ્રથમ ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે આવ્યા હતા. સીદીઓના સૂફી સંત બાબા ગોરની દરગાહ આજે પણ ઝઘડીયા ના રતનપુરમાં છે. સીદીઓ ઈસ્લામને અનુસરે છે. અમદાવાદમાં પણ પથ્થરકુવા અને ખાનપુરમાં સીદીઓની વસ્તી છે.આ અંગે જાણીતા લોક ઈતિહાસકાર જોરાવરસિંહ જાદવ કહે છે, ' ગુજરાતના સીદીઓ તેમની આગવી કલાથી આખા વિશ્વમાં પ્રસિધ્ધ છે. ભરુચના સિદી ગોમાનું ધમાલ નૃત્ય વિશ્વના અનેક દેશોમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે આ કલાને ગુજરાતની આગવી કલા તરીકે ખ્યાતિ મળી હતી.લોકકલા ફાઉન્ડેશન દ્વારા ભરુચના સીદી કલાકાર શબ્બીરભાઈ સીદીને તેમના કલા ક્ષેત્રે આગવા પ્રદાન બદલ ગુજરાત લોકકલા ગૌરવ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે.
તસ્વીર :  સુરેશ મિસ્ત્રી

મોલ કલ્ચરમાં કલાકે કલાકે મહિલા-બાળકો સહિત ગણતરી માંડતી સિસ્ટમ

 શું તમે મોલમાં શોપિંગ કરવા માટે ગયા છો? જો હા, તો સમજી લો કે તમારી ગણતરી થઇ ગઇ છે, કારણ કે મોલમાં શોપિંગ કરવા માટે જતા દરેક લોકોની ગણતરી કરવામાં આવે છે. જેની અપણને ખબર હોતી નથી. મોલના દરવાજેથી એન્ટ્રી કરો કે તરત જ દરવાજા પાસે ઉભેલા સિક્યુરિટી ગાર્ડ નાનકડા કાઉન્ટિંગ મશીનમાં તમાર એન્ટ્રી કરી દે છે, અને દર કલાકે કેટલા લોકો મોલની અંદર આવ્યા તેનો રેકોર્ડ તૈયાર કરવામાં આવે છે. આખા દિવસમાં કેટલા લોકો મોલમાં શોપિંગ કરવા માટે આવ્યા તેનો રેકોર્ડ તૈયાર કવામાં આવે છે અને પછી તે રેકોર્ડને જે તે મોલની હેડ ઓફિસમાં મોકલવામાં આવે છે.


અમદાવાદના મોલ્સમાં અનોખા કાઉન્ટિંગ મશીન અને ક્લોઝ સર્કિટ કેમેરાની મદદથી દર કલાકે કેટલા પુરુષો,મહિલાઓ અને બાળકો ખરીદી કરી રહ્યા છે તેની રજે રજની માહિતી મળે છે

આ અંગે એક મોલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મુકેશ ઠાકોર કહે છે કે, અમારા હાથમાં લેડિઝ, જેન્ટ્સ અને કિડ્સની ગણતરી કરવા માટે નાનકડા કાઉન્ટિંગ મશીન હોય છે. જેમાં ત્રણયે કેટેગરીને અલગ અલગ રેકોર્ડ રાખવામાં આવે છે. આ ગણતરી કરવા પાછળું કારણ એ છે કે જેનાથી ખ્યાલ આવે છે કે કેટલા લોકો મોલમાં શોપિંગ કરવા માટે આવે છે, કારણ કે જ્યારે મોલ કલ્ચરની શરૃઆત થઇ ત્યારે લોકોમાં મોલમાં જઇને ખરીદી કરવાનો ખૂબ જ ઉત્સાહ હતો, પરંતુ લોકો ફરીથી મોલને બદલે શહેરના જુના બજારોમાંથી ખરીદી કરવા તરફ આકર્ષાયા છે. અત્યારે શહેરમાં અનેક હાઇ પ્રોફાઇલ મોલ બની ગયા છે. જેમાં નાનામાં નાની વસ્તુથી લઇને જીવન જરૃરિયાતની દરેક વસ્તુ એક જ જગ્યાએથી મળી રહે છે. હકીકતમાં મોલમાં જઇને શોપિંગ કરનારો વર્ગ ઘટયો હોવાથી મોલમાં જનાર લોકોનું કાઉન્ટિંગ કરવામાં આવે છે.
 આ અંગે અન્ય એક મોલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા શૈલેષ શ્રીમાળી કહે છે કે, મોલની અંદર પ્રવેશ કરતા લોકોને ખબર નથી હોતી કે તેમની ગણતરી કરવામાં આવે છે, પરંતુ દરરોજ મોલમાં કેટલા લોકો ખરીદી કરવા માટે આવે છે તેની જાણકારી મેળવવા માટે દરેક મોલમાં આ સિસ્ટમ કાર્યરત છે. પરંતુ આ કાઉન્ટિંગને મોલમાં જનાર લોકો સાથે કોઇ લેવા દેવા નથી. આ કાઉન્ટિંગ માત્ર જે તે મોલની ઓથોરિટી સાથે જ સંબંધ ધરાવે છે. આ સિસ્ટમને કારણે એક ફાયદો એ થાય છે કે મોલની ઓથોરિટીને ખબર પડે છે કે કયા સમયે અને કયા દિવસે લોકો મોલમાં વધારે આવે છે.
તસ્વીર :  સુરેશ મિસ્ત્રી

વિશ્વની નામશેષ થતી ક્રેઓલ ભાષામાં જાઝ મ્યુઝિક

ભારત પાસે આવેલા હંિદ મહાસાગરના રિયુનિયન ટાપુની ક્રેઓલ ભાષા આજે નામશેષ થવાને આરે છે. આ ભાષામાં ફ્રાન્સના જાણીતા કલાકાર ડેનિયલ વારો વસ્ત્રાપુર લેક ખાતે અનોખું સંગીત આપશે
ફ્રાન્સના તાબા હેઠળના હિન્દ મહાસાગરમાં આવેલા રિયુનિયન ટાપુના સ્ટેજ ગજવતા ડેનિયલ વારો અમદાવાદના વસ્ત્રપુર તળાવ પાસે આગામી ૧૨મી માર્ચે ફ્રેન્ચ મ્યુઝિકની રમઝટ બોલાવશે. ડેનિયલ વારોનો અવાજ મંત્રમુગ્ઘ કરી દે તેવો છે. એક વાર્તાકારની માફક ડેનિયલ વારો પોતાના સંગીતને રજૂ કરવાની અનોખી કળા ઘરાવે છે.
આ કલાકાર વિશે ખાસ લખવાનું કારણ એક જ છે કે ભારતની પાસે આવેલા રિયુનિયન ટાપુ આજે પણ ફ્રાન્સના તાબા હેઠળ છે. અહીં ફ્રેન્ચ કલ્ચર ચલણમાં છે. છતાં રિયુનિયન આઈલેન્ડમાં ક્રેઓલ અને મલોયા નામની બે સંસ્કૃતિ વિશ્વ વિખ્યાત છે. અહીંના લોકો શાંતિ પ્રિય હોવાના કારણે અહીંના એક એક સાંસ્કૃતિક સ્થાપત્યો વિશ્વ પ્રસિઘ્ઘ છે. આવા પ્રદેશથી ડેનિયલ વારો પોતાનું એક અલગ પ્રકારનું સંગીત લઈને અમદાવાદ આવી રહ્યા છે. ડેનિયલ વારો ક્રેઓલ અને મલોયા ભાષામાં પોતાનું સંગીત પિરસશે. આ બંન્ને ભાષા આપણા માટે નવી છે. પરંતુ સંગીતના સૂરો તો દરેક વ્યક્તિ અંતરથી માણી શકે છે.
 ડેનિયલ વારોની બીજુ વિશેષતા એ છે કે તેમના ગીતોમાં ફ્રાન્સનું કલ્ચર, રંગભેદ, પ્રેમ અને મૃત્યુને વઘુ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
ડેનિયલ વારો સાથે તેના ચાર સાથીદારો પણ ક્રેઓલ ઈન્સ્ટ્રુમેન્ટ સાથે પર્ફોર્મ કરશે.વોમેક્સ એવોર્ડ વિજેતા ડેનિયલ વારો ભારતના જુદા જુદા શહેરોમાં પોતાનું પર્ફોમન્સ આપશે. ૨૦૧૦માં કોપન હેગનમાં ભરાયેલ વોમેક્સ મ્યુઝિક માર્કેટમમાં ડેનિયલ વારોને ૨૦૧૦નો બેસ્ટ વર્લ્ડ મ્યુઝિશિયન વોમેક્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ડ આ અંગે એલિયન્સ ફ્રોન્સેઝ અમદાવાદના ડાયરેક્ટ ફિલીપ માર્ટિન કહે છે કે, લોકોના મનને તંદુરસ્ત કરવા માટે આ મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના દરેક લોકો આ મ્યુઝિક કોન્સર્ટના ફ્રી ઓફ કોસ્ટમાં આનંદ માણી શકશે.