Thursday, December 9, 2010

અમદાવાદના લાખ્ખો સાઈનબોર્ડસનું ગુજરાતીકરણ

અમદાવાદના સી.જી. રોડની વાત હોય કે પછી એસ.જી. રોડની મોટા ભાગના રોડ પર તમને ગુજરાતી સાઇન બોર્ડનું પાટિયું ભાગ્યે જ જોવા મળશે. વૈશ્વિકરણ અને એજ્યુકેશનના કારણે આપણી ગુજરાતી ભાષાનો વપરાશ ઓછો થઇ ગયો છે. અંગ્રેજી આજના સમય માટે જરૂરી છે પરંતુ સાથે ગુજરાતી ભાષાના બોર્ડ પણ હોવા જોઇએ. ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવા અને જીવંત રાખવાના હેતુથી હવે કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શોપિંગ મોલ, સ્કીમના બોર્ડ, દુકાનો વગેરે જગ્યાએ સરકારે ફરજિયાત ગુજરાતી સાઇન બોર્ડ રાખવાનો આદેશ આપ્યો છે. જેને કારણે સાઇન બોર્ડ અને ફ્લેક્ષ બોર્ડનો વ્યવસાય ફરી ગરમી પકડી રહ્યો છે.

આમ તો અમદાવાદમાં નાના-મોટા ફેરફારો તો થતાં જ હોય છે.પરંતુ થોડા જ સમયમાં અમદાવાદના લાખ્ખો સાઈન બોર્ડનું ગુજરાતીકરણ થઈ જશે.રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે અસંખ્ય પેઈન્ટરો અને સાઈન બોર્ડ બનાવનારાઓને રાતોરાત કામનો ખડકલો થઈ ગયો છે


આ અંગે વેપારી કમલેશ ઠક્કર કહે છે કે, ઈંગ્લિશની સાથે ગુજરાતી બોર્ડ રાખવાની ખૂબ જ સારી બાબત છે. આ વાત યંગ જનરેશ માટે નવી છે કારણ કે આજે ઘણા યુવાનોને ગુજરાતી વાંચતા નથી આવડતું, તો યુવાનો પણ ગુજરાતી વાંચતા થશે. ગુજરાતી સાઇન બોર્ડ ફરજિયાત રાખવા બાબતે વેપારીઓ અને સાઇન બોર્ડ બનાવનારાઓ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તો બીજી તરફ આપણને પણ હવે અંગ્રેજી બોર્ડ વાંચવાની ટેવ પડી ગઇ છે.
ફ્લેક્ષ બોર્ડ પ્રિન્ટ કરનાર રાજેન્દ્રસિંહ ચૌહાણ કહે છે કે, ૯૦ ટકા બોર્ડ અંગ્રેજીમાં જ પ્રિન્ટિંગ કરવાના હોય છે, પરંતુ હવે સાઇન બોર્ડ અને ફ્લેક્ષ બોર્ડ બનાવનારને રાત-દિવસ કામ મળી રહેશે. સાઇન બોર્ડ અને ફ્લેક્ષ બોર્ડના બિઝનેસમાં ૫૦ ટકાનો વઘારેે થશે, કારણ કે હવે અંગ્રેજી બોર્ડ બનાવવાની સાથે ગુજરાતી બોર્ડ બનાવવાનો ઓર્ડર પણ મળશે.
ગુજરાત રાજ્ય સ્થાપનાનું સ્વર્ણિમ જયંતિ વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે ગુજરાતી ભાષાને પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓળખ મળે તેમજ ગુજરાતી ભાષા વઘુ સમૃદ્ધ થાય તે માટે સરકારનો આ પ્રયત્ન ખૂબ જ આવકાર દાયક છે.

અમદાવાદ સમગ્ર વિશ્વમાં જાણીતું શહેર છે. તેથી અહીં ફોરેનરો પણ ખરીદી માટે આવતા હોય છે. તેમને ગુજરાતીમાં તકલીફ પડે છે એટલે મોટા ભાગના બોર્ડ અંગ્રેજીમાં જ હોય છે. હવે ગુજરાતી અને અંગ્રેજી બંને બોર્ડ રાખવાથી ગુજરાતીનું ગૌરવ જળવાશે.
- કૌલાશ દવે, વેપારી

અંગ્રેજી સાઇન બોર્ડને કારણે અભણ સ્થાનિક લોકોને સોસાયટીના એડ્રેસ અને દુકાનો શોધવી મુશ્કેલ પડે છે. ગુજરાતી સાઇન બોર્ડને કારણે ગામડાના અભણ લોકો પણ સહેલાઇથી સરનામું શોધી શકશે.
- અજય જહા, વેપારી

અંગ્રેજી સાઇન બોર્ડ અને ફ્લેક્ષના કારણે જે પેઇન્ટરો બેરોજગાર બન્યા છ.ે તેઓને હવે ગજરાતીમાં લખીને રોજી-રોટી કમાઇ શકશે. હવે ગુજરાતી બોર્ડ ફરજિયાત હોવાથી સાઇન બોર્ડનો વ્યવસાય ફરીથી નવું રૂપ ધારણ કરશે.
- જીતુભાઇ ઢમઢોરે, પેઇન્ટર

ફરજિયાત ગુજરાતી બોર્ડને કારણે જે લોકો હાથ વડે લખીને બોર્ડ બનાવે છે તેઓનો વ્યવસાય ફરીથી જીવંત થશે. રસ્તા પરના નાના પેઇન્ટરોને પણ હવે ગુજરાતી સાઇન બોર્ડ બનાવવાનું કામ મળી રહેશે.
- દશરથ વાઘેલા, પેઇન્ટર
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

No comments:

Post a Comment