આપણો પ્રાચીન વાદ્યનો વારસો લુપ્ત થવાના આરે છે ત્યારે ત્રિભુવનદાસ ગંગારામ મેવાડા સેટેલાઈટ વિસ્તારમાં એક નાનકડા ટેનામેન્ટમાં રહીને ગુજરાતના આ ભવ્ય વારસાને જીવંત રાખવાનું કામ કરે છે. ત્રિભુવનદાસ મેવાડા કહે છે કે, ૧૯૮૮માં મારા સાળાને રાવણહથ્થાની જરૂર હતી, પણ તેને કોઈ જગ્યાએથી રાવણહથ્થો મળ્યો નહીં એટલે તેમણે મને રાવણહથ્થો બનાવવાનું કહ્યું. પછી એકવાર રાવણહથ્થો જોઈને બનાવવાની કોશિષ કરી પરંતુ શરૂઆતમાં હું ત્રણ-ચાર વખત તેને બનાવવામાં નિષ્ફળ ગયો. અંતે મારી મહેનત અને લગનના કારણે હું રાવણહથ્થો બનાવવામાં સફળ થયો. તેઓ કહે છે કે, રાવણહથ્થો બનાવતી વખતે એક શિલ્પી જેવી ઝિણવટપૂર્વક કામ કરે છે તેમ રાવણહથ્થો બનાવતી વખતે પણ કુશળતાપૂર્વક કામ કરવું પડે છે.
અત્યારે હું ચારપાંચ દિવસમાં ત્રણ નંગ રાવણહથ્થા બનાવી શકું છું. રાવણહથ્થો બનાવવો એ મહેનતનું કામ નથી પણ કારીગરીનું કામ છે. રાવણહથ્થાનો અવાજ આપણને જેટલો આકર્ષે છે એટલી જ એની બનાવટ અને કલાપૂર્ણતા આપણું ઘ્યાન ખેંચે છે. રાવણહથ્થાના નીચેના ભાગમાં મોટા નાળિયેરની કાચલી પર ચામડું મઢી તેમાં નાનકડો ડંડો બેસાડવામાં આવે છે. કાચલી પર મઢેલાં ચામડાંની ઉપર વાંસની પટ્ટીની ઘોડી રાખી તેના પર સ્ટીલના તાર રાખવામાં આવે છે અને તેને વગાડવા માટે ઘોડાની વાળની કામઠી બનાવવામાં આવે છે. રાવણહથ્થો અત્યંત સાદું લોકવાદ્ય છે. તે બે ફૂટની લંબાઈનો હોય છે. તેને બનાવવા માટે લગભગ ૧૫૦ રૂપિયાનું મટીરીયલ ખર્ચ થાય છે.
હું સાવ નજીવી કિંમત ૩૫૦ રૂપિયામાં રાવણહથ્થો બનાવીને વેચુ છું. હું છેલ્લા ૧૦ વર્ષથી રાવણહથ્થો બનાવું છું અને અમદાવાદના કિરણ શાહ, નવસારીના વિપુલ મ્યુઝીક અને વલસાડના લક્ષ્મી તબલાં આ ત્રણ જગ્યાએથી મને રાવણહથ્થો બનાવવાનો ઓર્ડર મળે છે અને ઘરેથી છૂટક પણ વેચું છું. અત્યારે મારી પાસે ૧૦ નંગ તૈયાર થયેલા રાવણહથ્થા પડ્યા છે. આજે ગણ્યાં-ગાંઠ્યાં કલાકારો જ આ વાદ્યને વગાડે છે. જેમાં તૂરી બારોટ, બોપા અને ભરથરી જાતિના લોકો રાવણહથ્થાના તાલે લોકગીતો અને ભજનો ગાય છે.
પરંતુ હવે આ વાદ્ય વગાડનાર કલાકારોની સંખ્યા ઘટતી જાય છે. અને રાવણહથ્થો બનાવનાર કલાકાર તો ભાગ્યે જ જોવા મળે છે. આજે ભરથરી જાતિના લોકો આ વાદ્ય વગાડીને પોતાનું પેટ ભરે છે. પરંતુ હવે પછીના દસ-પંદર વર્ષ પછીના સમયમાં કદાચ રાવણહથ્થો જોવા નહીં મળે. ત્રિભુવનદાસ કહે છે કે, આજે ઈલેકટ્રોનિક અને ડીઝીટલ ટેકનોલોજીની હરિફાઈને કારણે રાવણહથ્થો વગાડવાની પરંપરા બંધ થતી જાય છે.
આજના આઘુનિક સાધનો સામે રાવણહથ્થાનો અવકાશ ખૂબ ઓછો થઇ ગયો છે. શરૂઆતના વર્ષે ત્રણ ડઝન (૩૬) રાવણહથ્થા બનાવવાનો ઓર્ડર મળતો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી મંદીને કારણે રાવણહથ્થો બનાવવાનો કોઈ ઓર્ડર મળ્યો નથી. આજે વિદેશના લોકો રાવણહથ્થાને ‘શૉ પીસ’ તરીકે રાખવા માટે લઈ જાય છે. ભારતમાં પણ ઘણા લોકો ડ્રોઇંગ રૂમમાં ‘શૉ પીસ’ તરીકે રાવણહથ્થાને રાખે છે. આ ઉપરાંત માગી ખાનારા લોકો આજે પણ રાવણહથ્થો વગાડીને પોતાનું ગુજરાન ચલાવે છે.
આમ ઔદ્યોગિકરણ, શહેરીકરણ, યાંત્રિકરણ ઉપરાંત નવું શિક્ષણ, નવા મૂલ્યો, નવા વિચારો અને સમાજમાં થઈ રહેલા આઘુનિકરણના કારણે ભારતીય સમાજનો આગવો વારસો વિસરાઈ રહ્યો છે. આપણા લોકસંગીતના જે સાધનો છે તે લુપ્ત થઈ રહ્યા છે. ત્યારે ત્રિભુવનદાસ મેવાડા રાવણહથ્થાના વારસાને આજે પણ જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. અમદાવાદમાં નહીં કદાચ સમગ્ર ગુજરાતમાં ત્રિભુવનદાસ મેવાડા જ એક એવા કલાકાર છે જે રાવણહથ્થો બનાવે છે.
હુ ઘણા વર્ષો થી રાવણહથ્થો શોધું છુ
ReplyDeleteમને આ કાકા નુ સરનામું જોઈએ છે આપશો? મારો મોબાઈલ નંબર 9998002356
Hu pan શોધું છું જો તમને મળે તો ૭૫૬૭૩૧૫૯૭૨ પર કોલ કરવો
Delete9825604275
ReplyDeleteMare joie che