Saturday, July 23, 2011

મોલ કલ્ચરમાં કલાકે કલાકે મહિલા-બાળકો સહિત ગણતરી માંડતી સિસ્ટમ

 શું તમે મોલમાં શોપિંગ કરવા માટે ગયા છો? જો હા, તો સમજી લો કે તમારી ગણતરી થઇ ગઇ છે, કારણ કે મોલમાં શોપિંગ કરવા માટે જતા દરેક લોકોની ગણતરી કરવામાં આવે છે. જેની અપણને ખબર હોતી નથી. મોલના દરવાજેથી એન્ટ્રી કરો કે તરત જ દરવાજા પાસે ઉભેલા સિક્યુરિટી ગાર્ડ નાનકડા કાઉન્ટિંગ મશીનમાં તમાર એન્ટ્રી કરી દે છે, અને દર કલાકે કેટલા લોકો મોલની અંદર આવ્યા તેનો રેકોર્ડ તૈયાર કરવામાં આવે છે. આખા દિવસમાં કેટલા લોકો મોલમાં શોપિંગ કરવા માટે આવ્યા તેનો રેકોર્ડ તૈયાર કવામાં આવે છે અને પછી તે રેકોર્ડને જે તે મોલની હેડ ઓફિસમાં મોકલવામાં આવે છે.


અમદાવાદના મોલ્સમાં અનોખા કાઉન્ટિંગ મશીન અને ક્લોઝ સર્કિટ કેમેરાની મદદથી દર કલાકે કેટલા પુરુષો,મહિલાઓ અને બાળકો ખરીદી કરી રહ્યા છે તેની રજે રજની માહિતી મળે છે

આ અંગે એક મોલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મુકેશ ઠાકોર કહે છે કે, અમારા હાથમાં લેડિઝ, જેન્ટ્સ અને કિડ્સની ગણતરી કરવા માટે નાનકડા કાઉન્ટિંગ મશીન હોય છે. જેમાં ત્રણયે કેટેગરીને અલગ અલગ રેકોર્ડ રાખવામાં આવે છે. આ ગણતરી કરવા પાછળું કારણ એ છે કે જેનાથી ખ્યાલ આવે છે કે કેટલા લોકો મોલમાં શોપિંગ કરવા માટે આવે છે, કારણ કે જ્યારે મોલ કલ્ચરની શરૃઆત થઇ ત્યારે લોકોમાં મોલમાં જઇને ખરીદી કરવાનો ખૂબ જ ઉત્સાહ હતો, પરંતુ લોકો ફરીથી મોલને બદલે શહેરના જુના બજારોમાંથી ખરીદી કરવા તરફ આકર્ષાયા છે. અત્યારે શહેરમાં અનેક હાઇ પ્રોફાઇલ મોલ બની ગયા છે. જેમાં નાનામાં નાની વસ્તુથી લઇને જીવન જરૃરિયાતની દરેક વસ્તુ એક જ જગ્યાએથી મળી રહે છે. હકીકતમાં મોલમાં જઇને શોપિંગ કરનારો વર્ગ ઘટયો હોવાથી મોલમાં જનાર લોકોનું કાઉન્ટિંગ કરવામાં આવે છે.
 આ અંગે અન્ય એક મોલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા શૈલેષ શ્રીમાળી કહે છે કે, મોલની અંદર પ્રવેશ કરતા લોકોને ખબર નથી હોતી કે તેમની ગણતરી કરવામાં આવે છે, પરંતુ દરરોજ મોલમાં કેટલા લોકો ખરીદી કરવા માટે આવે છે તેની જાણકારી મેળવવા માટે દરેક મોલમાં આ સિસ્ટમ કાર્યરત છે. પરંતુ આ કાઉન્ટિંગને મોલમાં જનાર લોકો સાથે કોઇ લેવા દેવા નથી. આ કાઉન્ટિંગ માત્ર જે તે મોલની ઓથોરિટી સાથે જ સંબંધ ધરાવે છે. આ સિસ્ટમને કારણે એક ફાયદો એ થાય છે કે મોલની ઓથોરિટીને ખબર પડે છે કે કયા સમયે અને કયા દિવસે લોકો મોલમાં વધારે આવે છે.
તસ્વીર :  સુરેશ મિસ્ત્રી

No comments:

Post a Comment