Monday, January 24, 2011

કંકોત્રીમાં તમારૂં નામ હશે તો જ પાંચ રૂપિયાની ફ્રેશ નોટનું બંડલ મળશે



કમૂર્તામાં પણ લગ્નની તૈયારીઓ તો ચાલતી જ હોય છે.જેમાં સૌથી શૌર્ટેજ પડે તેવી વસ્તુઓ એટલે વ્યવહાર કરવા માટે ઉપયોગી એવી રૂ.૫ની નોટો.
પાંચ રૂપિયાની ફ્રેશ નોટના બંડલ મેળવવા લગ્ન હોય તેવા પરિવારો ે રિઝર્વ બેંકમાં દોડી જાય છે. દિવાળીના પ્રસંગે રિઝર્વ બેંક દ્વારા લાખ્ખો રૂપિયાની ફ્રેશ નોટો પબ્લીકને આપવામાં આવી હતી.પરંતુ દિવાળી પછી કેટલાંક કારણોસર રિઝર્વ બેંકમાંથી પાંચ રૂપિયાની ફ્રેશ નોટો મેળવવી અઘરૂં બન્યું છે.

જો તમારે રિઝર્વ બેંકમાંથી પાંચ રૂપિયાની ફ્રેશ નોટનું બંડલ મેળવવું હોય તો જે તે પ્રસંગની આમંત્રણ પત્રિકા અથવા કંકોત્રીમાં આમંત્રણ તરીકે તમારું નામ અને પ્રુફ આઇડી હોય તો જ મળે છે


અત્યારે પાંચ રૂપિયાની ફ્રેશ નોટ મેળવવા માંગતા લોકોને જે પ્રસંગ માટે જરૂરિયાત હોય તે પ્રસંગ અન્વયે છપાવેલ આમંત્રણ પત્રિકા સાથે લાવવી જરૂરી બન્યું છે.સાથે આ પત્રિકા અથવા કંકોત્રીમાં આમંત્રક તરીકે તેમનું નામ હોય તો જ રિઝર્વ બેંકમાંથી પાંચ રૂપિયાની ફ્રેશ નોટના બંડલ મળી શકે છે.
આ અંગે રિઝર્વ બેંકના કર્મચારીઓ કહે છે કે,દિવાળી પછી આ નિયમ એટલા માટે લાગુ કર્યો છે કે રિઝર્વ બેંકની આજુ બાજુના વિસ્તારના બેકાર લોકો અહીંથી પાંચ રૂપિયાની નોટના બંડલો લઇ જઇને બહાર ૩૦-૪૦ રૂપિયા મળે એટલે બીજાને આપી દે છે. લોકો જરૂર ના હોય તો પણ આવી રીતે લઇ જાય છે.
હજી પણ ઘણા લોકો જૂની કંકોત્રી અથવા અન્ય કોઇ જગ્યાએથી બે- પાંચ રૂપિયામાં કંકોત્રી ખરીદીને પાંચ રૂપિયાની નોટ લેવા માટે આવે છે. તેથી કંકોત્રીમાં આમંત્રક તરીકે નામ અને પ્રુફ આઇડી હોય તેને જ હવે પાંચ રૂપિયાની નોટના ફ્રેશ બંડલ મળી શકે છે.
આ સિસ્ટમ ફક્ત પાંચ રૂપિયાની નોટ માટે જ છે. બાકી દસ- વીસ રૂપિયાની નોટ અને પાંચ રૂપિયાના સિક્કા મેળવવા માટે કંકોત્રી કે આમંત્રણ પત્રિકાની જરૂર પડતી નથી. આ અંગે પાંચ રૂપિયાની ફ્રેશ નોટ મેળવવા માટે આવેલા ગ્રાહક કિરીટ ચૌધરી કહે છ ેકે, આજે પાંચ રૂપિયાની નોટો બહુ ઓછી જોવા મળે ચે. સિક્કાઓ વદારે વપરાય છે. તેથી ઘણા લોકો કંકોત્રી લીધા વિના આવતા હોવાથી તેમને ફ્રેશ નોટો લીધા વગર જ પાછુ જવું પડે છે.
કંકોત્રીમાં આમંત્રક તરીકે તમારું નામ હોય અને તમારું આઇડી પ્રુફ હોય તો સહેલાઇથી પાંચની ફ્રેશ નોટો મળી જાય છે. લગ્ન- પ્રસંગ માટે પાંચ રૂપિયાની ફ્રેશ નોટો મેળવવા આવેલા વિજય કોટક કહે છે કે, આ સિસ્ટમને કારણે ખરેખર જેને જરૂરિયાત હોય તેને જ પાંચની નોટો મળે છે.
આ અંગે સાબરકાંઠાના રાજેન્દ્રસિંહ પરમાર કહે છે કે અમારી જ્ઞાતિમાં ઢોલીઓે રમાડવામાં આવે છે.જેમાં લગભગ અડઘો કિલોમીટર સુઘી રૂ.૫ની કે રૂ.૧૦ની નોટો ઉડાડવાની હોય છે.આ માટે નોટોની ખૂબ જરૂર પડે છે.
તો શહેરી વિસ્તારોમાં પણ લગ્નના પ્રસંગો અને પાર્ટીઓમાં નોટો ઉડાડવાના રિવાજ પ્રમાણે પાંચની નોટોની સૌથી વઘુ શોર્ટેજ રહે છે.કેટલાંક સમાજમાં લગ્નની પહેરામણીમાં પણ પાંચની નોટોની જરૂર પડે છે.

1 comment:

  1. ઘણી સારી વ્યવસ્થા છે , ખુશીમાં આવી સુવિધાઓ પણ મળે તો વધારે ખુશીનો ઉમેરો થાય છે અને લગ્નની બીજી તૈયારીમાં સમયની પણ બચત થઇ જાય છે

    ReplyDelete