Wednesday, January 26, 2011

સંન્યાસની સાચી ઉર્જા તો યુવાનીમાં જ મળે

અમદાવાદના ત્રણ સુખી સંપન્ન પરિવારના યુવાનો ૨૨મી તારીખે સંસાર અને ભૌતિક સુખનો સંપૂર્ણ ત્યાગ કરીને તપોવન સંસ્કારપીઠ- અમિયાપુર ખાતે દીક્ષા ગ્રહણ કરશે.


આજના યુવાનો ભૌતિક સુખ મેળવવા માટેનો શોર્ટકટ શોધી રહ્યા છે. ત્યારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતો ૧૮ વર્ષનો ચિરેન રાઠોડ, લાંભામા રહેતો ૧૭ વર્ષનોમિહિર અને નરોડામાં રહેતો ૩૦ વર્ષનો તેજસ આ ત્રણેય યુવાનો ૨૨મી તારીખે સંસાર અને ભૌતિક સુખનો સંપૂર્ણ ત્યાગ કરીને તપોવન સંસ્કારપીઠ- અમિયાપુર ખાતે દીક્ષા ગ્રહણ કરશે.

પંન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી આ ત્રણેય યુવાનો મોક્ષ મેળવવા માટે દીક્ષા લે છે. આ ત્રણેય યુવાનો ભણેલા છે. ચિરેન અને મિહિર બંને સાથે તપોવન વિદ્યાલયમાં ૧૧ કોમર્સમાં સાથે જ અભ્યાસ કરતા હતા. જ્યારે તેજસ બી.કોમ પાસ કરીને પોતાનો વ્યવસાય ચલાવતો હતો. આ અંગે ચિરેન કહે છે કે, મેં ક્યારેય ગાડીની નીચે પગ મૂક્યો નથી. પણ હવે હું દીક્ષા ગ્રહણ કરીને ઉઘાડા પગે જ કુદરતના સાનિઘ્યમાં ફરવા માગુ છું.

ચિરેનના પરિવારમાં એક તરફ આનંદનું મોજુ ફરી વળ્યું છે ત્યારે તેમના માતા-પિતાને પોતાના પરિવારનો સૌથી નાનો પુત્ર ઘર છોડીને વિશ્વ કલ્યાણ માટે જઇ રહ્યો છે તેનું દુઃખ પણ છે. આ અંગે ચિરેનના પિતા નગરાજભાઇ કહે છે કે, પુત્ર મોટો થાય ત્યારે પરિવારનું કલ્યાણ કરે છે પણ વિશ્વના કલ્યાણ માટે અમે તેને અનુમતિ આપી છે.

સામાન્ય રીતે સંસારનું સુખ ભોગવીને અનેક લોકો દીક્ષા ગ્રહણ કરે છે. ત્યારે આટલી નાની ઊંમરમાં ઘર બાર અને પરિવારથી દૂર જવું સહેલું નથી. આ અંગે મિહિર શાહ કહે છે કે, મને આઘ્યાત્મિક માર્ગ વધારે આકર્ષતો હતો તેથી મેં દીક્ષા લેવાનું નક્કી કર્યું.

હું જે પણ છું આજે એ મારા માતા-પિતાની પ્રેરણા અને આશિષને કારણે આ ધર્મ પ્રત્યે આટલો આગળ વધી શક્યો છું. યુવાનીના સમયમાં સુખ- સમૃદ્ધિનો ત્યાગ કરીને સંયમના માર્ગ આગળ વધવા માટે મનોબળ મજબૂત હોવુ જોઇએ.

તેજસ શાહ છેલ્લા દસ વર્ષથી દીક્ષા લેવા માટે તાલીમ લઇ રહ્યો હતો. તેજસ કહે છે કે, સંસારની વાસ્તવિકતાનો પરિચય મેળવ્યા પછી હું મારો વ્યવસાય છોડીને દીક્ષા લઇ રહ્યો છું. આ ત્રણેય યુવાનો દુનિયાની સંપૂર્ણ સુખ સંપત્તિનો ત્યાગ કરીને મોક્ષ મેળવવા માટે કુદરતના વાતાવરણમાં આઘ્યાત્મિક માર્ગે જઇ રહ્યા છે.

આ અંગે તેજસના માતા ભાવનાબેન કહે છે કે, યુવાન દીકરો દીક્ષા લઇ રહ્યો છે તેનો આનંદ પણ છે અને દુઃખ પણ છે. આમ જોવા જઈએ તો સામાન્ય રીતે સમાજમાં વૃઘ્ઘા અવસ્થામાં આઘ્યાત્મિક માર્ગ લેવાની એક પ્રથા જોવા મળે છે. પણ ઉપરોક્ત ત્રણેય યુવાનોનો એક સૂર એવો હતો કે આઘ્યત્મિક કાર્ય તો યુવાનીમાં જ થાય.

યુવા આવસ્થાની ઉર્જાથી જ મોક્ષના માર્ગે જઈ શકાય. વૃઘ્ઘાવસ્થામાં શરીરની સેન્સીસ નબળી પડતા કોઈપણ વ્યક્તિ ભયથી પણ ઈશ્વરનો માર્ગ પકડે છે. પરંતુ મોક્ષના માર્ગનો વિચાર યુવાનીમાં જ આવે તો લાંબા સમય સુઘી વિશ્વના અનેક લોકોને મદદરૂપ થઈ શકે.

No comments:

Post a Comment