Monday, January 24, 2011

ક્રિકેટની જન્મભૂમિ એચ.એલ. કોલેજની પ્લેટિનમ જ્યુબલીનું સેલિબ્રેશન



 એચ.એલ. કોમર્સ કોલેજમાં પ્લેટિનમ જ્યુબલી નિમિત્તે વિવિધ સેલિબ્રેશન ચાલી રહ્યું છે ત્યારે, રવિવારે એક અલગ જ પ્રકારની ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. જેમાં એચ.એલ. કોલેજના ૧૯૩૬થી લઇને ૨૦૧૦ સુધીના ૨૦૦થી વધારે ક્રિકેટરો ભેગા થયા હતા. અને એક ફેસ્ટિવલ મેચ રમીને ક્રિકેટર્સ પ્લેટિનમ જ્યુબલી ઉજવી હતી.


એચ.એલ. કોલેજના ૧૯૩૬થી લઇને ૨૦૧૦ સુધીના ૨૦૦થી વધારે જૂના- નવા ક્રિકેટરોએ સાથે મળીને ક્રિકેટર્સ પ્લેટિનમ જ્યુબલી ઉજવી. જેમાં નવા ખેલાડીઓએ જૂના ક્રિકેટર્સને સન્માનિત કર્યા હતા
એક બાજુ ૮૦ વર્ષની વય વટાવી ચૂકેલા એચ.એલ. કોલેજના જૂના ક્રિકેટર્સ ૭૫ વર્ષ પછી મળ્યા ત્યારે તેમની આંખો ભીની થઇ ગઇ હતી. જ્યારે બીજી બાજુ એચ.એલ. કોલેજના ગ્રાઉન્ડ પર યુવા ક્રિકેટર જયદેવ ઉનડકટે
બોલિંગ કરી હતી.

એચ.એલ. કોલેજના ગ્રાઉન્ડે રણજિત ટ્રોફી, દીલીપ ટ્રોફી, અંડર નાઇન્ટિન તથા ભારતીય ક્રિકેટ ટીમને સારા ખેલાડીઓ તૈયાર કરીને આપ્યા છે. એચ.એલ. કોમર્સ કોલેજ ગ્રાઉન્ડનું હિસ્ટોરિકલ મહત્ત્વ વધારે છે. એશિયાનું આ પ્રથમ ગ્રાઉન્ડ હતું જ્યાં ટેસ્ટ મેચો રમવામાં આવતી. આ ગ્રાઉન્ડમાં ઓરિજનલ પેવેલિયન પણ હતું, પરંતુ અન્ય ગ્રાઉન્ડ બનતા આ ગ્રાઉન્ડનું મહત્ત્વ ઓછું થતું ગયું. એચ.એલ. કોલલેજના ગ્રાઉન્ડ પર ક્રિકેટ માસ્ટર સચીન તેન્ડુલકર, વિનોદ કાંબલી, જશુ પટેલ, દિપ શોધન, સર ફ્રેન્ક વોરેલ, સર ગાર્ફિલ્સ, વેસ્લી હોલ જેવા ધુરંધર ક્રિકેટરાએે ફટકા માર્યા છે. આ ગ્લોરીયસ ગ્રાઉન્ડે અનેક ક્રિકેટરોને પ્લેટફોર્મ પૂરું પાડયું છે અને આજે પણ પાડે છે.
ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદ થયેલ અને એચ.એલ. કોલેજમાં એફ.વાય. બી.કોમમાં અભ્યાસ કરતો યુવા ક્રિકેટર જયદેવ ઉનડકટ પણ આ પ્રસંગે હાજર રહ્યો હતો. જયદેવ ઉનડકટ કહે છે કે, હું જ્યારે અમદાવાદમાં હોઉં છું ત્યારે આ ગ્રાઉન્ડ પર મેચ રમ્યા વિના જતો નથી. અને આજે એચ.એલ. કોલેજના જૂના ક્રિકેટર્સને ભેગા થયેલા જોઇને ખૂબ જ આનંદ થયો.
૧૯૮૯માં અંડર નાઇન્ટિન ટ્રોફીની ફાઇનલ મેચ ગુજરાત અને બોમ્બે વચ્ચે આ ગ્રાઉન્ડ ઉપર રમાઇ હતી. જેમાં સચીન તેન્ડુલકરે ૨૧૯ રન ફટકાર્યા હતા. આ અંગે એચ.એલ. કોલેજ ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન વિનુ પંચાલ કહે છે કે, એક વખતે આ ગ્રાઉન્ડ ખૂબ પોપ્યુલર હતું. રવિવારે બધા સાઇકલ લઇને અહીં ક્રિકેટ રમવા આવતા હતા.
એચ.એલ. કોલેજના જૂના ક્રિકેટરો અત્યારે ૮૦ વર્ષથી પણ વધારે ઉંમરના છે. તેઓ નવા પ્લેયર સાથે કનેક્ટ થવા માટે ફરી ભેગા થયા ત્યારે દરેકે પોતાના સમયની જૂની યાદો તાજી કરી ત્યારે દરેકની આંખો ભીની થઇ ગઇ હતી. તો કોઇએ 'સોડા લેમન કોકો કોલા, એચ.એલ. કોલેજ બમ્બ બમ્બ બોલા' જેવા જૂના સૂત્રોને યાદ કર્યા હતા.
આ અંગે એચ.એલ. કોલેજના સ્પોર્ટ ડિપાર્ટમેન્ટના પ્રોફસેર એન.જે. ચનીયારા કહે છે કે, દિલમાં એક વસવસો હતો કે જૂના ખેલાડીઓને છાપાં અને ફોટાઓમાં જોયા હતા, જ્યારે આજે જૂના ખેલાડીઓને રૃબરૃ મળીને એમ લાગે છે કે, આ ફન્કશન ટેસ્ટ મેચ કરતાં પણ મોટું છે. આજે પણ જૂના ખેલાડીઓની ભાવના આ ગ્રાઉન્ડ સાથે અડીખમ ઊભી છે. આ અંગે એચ.એલ. કોલેજના પ્રિન્સિપાલ મોના કેલ્શિકર કહે છે કે, એચ.એલ. માત્ર એકેડેમિક સંસ્થા નથી પણ એક સારી સ્પોર્ટ સંસ્થા પણ છે અને ઘણા સારા ખેલાડીઓ આપ્યા છે.
તસ્વીર -  સુરેશ મિસ્ત્રી

No comments:

Post a Comment