Sunday, December 5, 2010

માઈન્ડેડ કલેકશન ઓફ ઓલ્ડ માઈન્ડ

કંઇક અલગ પ્રકારનો શોખ કેળવીને તેનું કલેક્શન કરવું તે અમદાવાદીઓનો શોખ છે. ૭૨ વર્ષના મહમદભાઇ ગાંઘીને પણ આવો જ શોખ છે. છેલ્લા ૪૦ વર્ષથી તેઓ રિઝર્વ બેન્કની ખામીયુક્ત ચલણી નોટો અને સિક્કાઓનું કલેક્શન કરે છે. આ કલેક્શમાં એવી નોટ અને સિક્કાઓ છે જે માત્ર એક જ બાજુ છપાયેલા હોય અને બીજી તરફ કોરા છે.
આજકાલ માર્કેટમાં ડુપ્લીકેટ ચલણી નોટો અને સિક્કાઓ આપણને પણ અવાર-નવાર જોવા મળે છે. ચલણી નોટ અથવા સિક્કામાં જરા પણ ખામી હોય એટલે આપણે એવું માની લઇએ છે કે આ ડુપ્લીકેટ છે. પરંતુ ક્યારેક આવા ડુપ્લીકેટ લાગતા ખામીવાળા સિક્કા પણ ઓરિજનલ હોય છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા ૭૨ વર્ષના મહમદભાઇ એન. ગાંધીએ ગવર્નમેન્ટ મીસ્ટેકવાળા ચલણી સિક્કાઓ અને નોટનું અદ્ભૂત કલેકશન કર્યું છે. મહમદભાઇ પાસે ૩૫૦ રૂપિયાનું ગવર્નમેન્ટ પ્રિન્ટીંગ મિસ્ટેકવાળું પરચુરણ છે.
તેઓ છેલ્લા ૪૦ વર્ષથી મિસ્ટેકવાળી ઈન્ડિયન કરન્સીનું કલેકશન કરી રહ્યાં છે. મહમદભાઇને અમદાવાદના કાલુપુર વિસ્તારમાં કોલ્ડ્રીંક્સની દુકાન હતી. કોલ્ડ્રીંક્સની દુકાનમાં સાંજ સુધીમાં ઘણું પરચુરણ આવતું. પરંતુ એકવાર પરચુરણની ગણતરી કરતી વખતે મહમદભાઇના હાથમાં પાંચ રૂપિયાનો એવો સિક્કો આવ્યો કે આ સિક્કો એકબાજુ ક્લીયર હતો અને એક જ બાજુ પ્રિન્ટ થયેલો હતો. અહીંથી મહમદભાઇની કલેકશન યાત્રા શરૂ થઇ. મહમદભાઇ કહે છે કે, ‘પ્રિન્ટીંગ મિસ્ટેક પર મારું ઘ્યાન ગયા પછી મને આવા સિક્કાઓ અને નોટોનું કલેકશન કરવાનો રસ જાગ્યો. ઘણી વખત મેં વધારે પૈસા આપીને પણ સિક્કાઓ લીધા છે.’
આ કલેકશન કરવામાં મહમદભાઇને તેમની કોલ્ડ્રીંક્સની દુકાને સિંહફાળો ભજવ્યો છે. કારણ કે લોકો પાસે પ્રિન્ટીંગ મિસ્ટેક સિક્કાઓ હોય તો ક્યાંય કોઇ તેને રાખે નહીં.
આપણી પાસે કદાચ આવા સિક્કા અથવા નોટ આવી જાય તો આપણે આવા સિક્કા અથવા નોટને અન્ય નોટોની થપ્પી વચ્ચે અથવા અન્ય સિક્કાઓ જોડે નાંખીને હાંશકારો અનુભવતા હોઇએ છીએ. પરંતુ હકીકતમાં ક્યારેક આવી નોટો અને સિક્કાઓનું કલેક્શન કરતાં લોકોને એક રીતે ફાયદો થઇ જાય છે.
મહમદભાઇ આવા સિક્કાઓ ગ્રાહકો પાસેથી ફટ દઇને લઇ લેતા. અને ક્યારેક તો સામા પૈસા પણ આપતા. ૪૦ વર્ષથી મહમદભાઇની નજર આવા સિક્કાઓ અને નોટો પર જ રહે છે. મહમદભાઇના હાથમાં કોઇ નોટ કે સિક્કો આવે એટલે પ્રથમ તે એ જ જુએ છે કે આમાં કોઇ પ્રિન્ટીંગ મિસ્ટેક તો નથી ને. આમ તો ટંકશાળામાંથી ભાગ્યે જ કોઇ મિસ્ટેક છપાતી હોય છે. અને એ મિસ્ટેકવાળા સિક્કાઓ શોધવા એ પણ એક અઘરું કામ છે. પરંતુ મહમદભાઇએ ૪૦ વર્ષથી આ કામને પોતાની હોબી બનાવી દીધી છે.
મહમદભાઇ પાસે ૧૦ પૈસાથી લઇને ૧૦ રૂપિયા સુધીની ગવર્નમેન્ટ પ્રિન્ટીંગ નોટો અને સિક્કાઓ છે. કેટલીક નોટ એવી છે કે જેની એક બાજુ કમ્પ્લેટ પ્રિન્ટ હોય પણ બીજી સાઈડ કોરી જ હોય. તો કેટલીક નોટમાં ક્રોસ પ્રિન્ટીંગ થયેલી પણ છે. કેટલીક નોટમાં સીરીયલ નંબર જમણી સાઇડ ઉપર છપાવાને બદલે જમણી સાઈડ વચ્ચે જ છપાયેલા છે. સિક્કાઓમાં પણ એવી જ મિસ્ટેકવાળા છે. કેટલાક સિક્કાઓ તો એવા છે કે જે બંને સાઈડ તદ્દન કોરા જ છે. તો કેટલાક સિક્કાઓ સિંગલ સાઈડ પ્રિન્ટ થયેલા છે. કેટલાક સિક્કાઓ બંને બાજુ અડધા-અડધા પ્રિન્ટ થયેલા પણ છે. કેટલાક સિક્કાઓ બન્ને બાજુ સરખી રીતે પ્રિન્ટ થયેલા હોય તો પણ તેનું પ્રિન્ટીંગ બન્ને બાજુ સરખું હોવાને બદલે થોડું ક્રોસ થયેલું છે. આમ તો મહમદભાઇ હાલ નિવૃત્ત જીવન જીવે છે પણ તેમનો શોખ આજે પણ બરકરાર છે. તેઓને તલત મહેમૂદના ગીતો સાંભળવાનો પણ શોખ છે. મહમદભાઇ કહે છે કે, ‘ક્યારેક તો મહેમૂદના ગીતો સાંભળતા સાંભળતા સવાર પડી જાય છે!’ ભાગ્યે જ જોવા મળતી ભૂલનું અદ્ભૂત કલેકશન મહમદભાઇ પાસે જોવા મળે છે. આ કલેકશન જોઇને હર કોઇ એમ જ કહે છે કે માઈન્ડ બ્લોઇંગ યાર...

No comments:

Post a Comment