Sunday, December 5, 2010

વીકેન્ડની મજા માણી પાંજરાપોળમાં....



વીકેન્ડમાં સામાન્ય રીતે યંગસ્ટર્સમાં પિકનિક, સિનેમા, લોંગ ડ્રાઇવ, નાની-મોટી પાર્ટી, વગેરેનો ક્રેઝ હોય છે. કેટલાંક યંગસ્ટર્સ એવા પણ છે જે વીકેન્ડમાં ૧૨ વાગ્યા સુધી પથારીમાં પણ પડ્યા રહેતા હોય છે. પરંતુ અમદાવાદ શહેરમાં એક ગુ્રપ એવું પણ છે, જે વીકેન્ડમાં પોતાની પોકેટ મનીમાંથી કંઇને કંઇ એક્ટીવીટી કરે છે. ફેશન અને ગ્લેમર સાથે તાણાવાણાની જેમ વણાઇ ગયેલા આજના યંગસ્ટર્સ ભાગ્યે જ કોઇ સેવાકાર્યમાં ભાગ લેતા હોય છે. અમદાવાદના ત્યાગ ગુ્રપના યંગસ્ટર્સ વીકેન્ડની મજા સેવા કાર્ય કરવામાં માણે છે.
વીકેન્ડ હોય એટલે સામાન્ય રીતે યંગસ્ટર્સને ડીજે પાર્ટી, મલ્ટિપ્લેક્સ કે ડેટિંગ યાદ આવે. પણ કેટલાક યંગસ્ટર્સ એવા પણ છે જે સન્ડેના દિવસે કોઇ સોશ્યલ વર્ક પણ કરે છે. ત્યાગ ગુ્રપના યંગસ્ટર્સ વીકેન્ડમાં પાંજરાપોળમાં જઇને સેવાકાર્ય કર્યું.
આ ગુ્રપના યંગસ્ટર્સ અવાર-નવાર વીકેન્ડમાં સાથે મળીને પોતાની પોકેટ મનીનો સેવા કાર્યમાં ઉપયોગ કરે છે. આ ગુ્રપનો મેમ્બર નિર્વાણ શાહ કહે છે કે, ‘આજે યુવાનો સિનેમા, પિકનિક અથવા ડેટીંગ પાછળ પોતાની પોકેટ મનીનો દુરુપયોગ કરતાં હોય છે. જ્યારે અમે વીકેન્ડમાં પોકેટ મનીમાંથી કંઇને કંઇ સેવાકાર્ય કરીએ છે.’ રવિવારે આ ગુ્રપના લગભગ ૫૦થી પણ વધારે યંગસ્ટર્સ વહેલી સવારમાં ગુરૂરામ અભયદાન પાંજરાપોળમાં પહોંચ્યા અને પાંજરાપોળમાં નિરાધાર, રોગીષ્ટ અબોલ પશુઓને ખૂબ જ પ્રેમ અને ઉત્સાહપૂર્વક ઘાસ અને લાડુ ખવડાવ્યા હતાં.
વહેલી સવારમાં આટલા બધાં યુવાનોને પાંજરાપોળમાં આવતાં જોઇને પાંજરાપોળના કાર્યકરો તો સ્તબ્ધ જ થઇ ગયા. પાંજરાપોળના કારોબારી સભ્ય મયંક શાહ કહે છે કે, ‘રવિવારે અબોલ ગાયોની સેવાર્થે આવેલા યુવાનોને જોઇને અમે ગદગદીત થઇ ગયા. મેં પ્રથમવાર એવું જોયું કે યુવાનો ગાયોની સેવા માટે આવે અને તે પણ રવિવારે.’ આ ગુ્રપ સાથે જોડાયેલા યંગસ્ટર્સ જુદા જુદા ક્ષેત્રો અને શહેરોમાં જોડાયેલા છે. છતાં પણ અવાર-નવાર વીકેન્ડમાં સાથે મળીને સેવાકાર્ય કરતાં રહે છે. આ ગુ્રપ દ્વારા શિયાળામાં સ્લમ એરિયામાં ધાબળા આપવા, ગરીબો અને નિરાધારને અનાજ-કરીયાણાની કીટ આપવી, પશુ-પક્ષીઓની સેવા કરવી વગેરે કાર્યો કરવામાં આવે છે. ગુ્રપના સભ્ય રાહુલ શાહ કહે છે કે, ‘રાષ્ટ્ર રક્ષા, સંસ્કૃતિ રક્ષા અને ધર્મ રક્ષા માટે તથા માનવપ્રેમ, પક્ષીપ્રેમ અને જીવદયા માટે અમે પોકેટ મનીનો રાઈટ ઉપયોગ કરીએ છીએ.’
આજના યુવાનો ભારતીય સંસ્કૃતિથી વિમુખ થતાં જાય છે ત્યારે આ ગુ્રપના યુવાનો એક રીતે ભારતીય સંસ્કૃતિને પણ જાળવવાનું કાર્ય કરે છે. આ ગુ્રપના સભ્ય તેજસ શાહ કહે છે કે, ‘આજના યુવાનો સામાજિક- ધાર્મિક પ્રવૃત્તિમાં ભાગ નથી લેતા. તેથી અમે પર્સનલ લાઇફ તથા સામાજિક- ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાઇને લાઇફનું બેલેન્સ રાખીએ છીએ.’
આજના બધાં જ યંગસ્ટર્સ ડિજેના તાલની પાછળ પાગલ હોય છે તેમણે પણ આવી એક્ટીવીટીમાં ઉત્સાહ સાથે જોડાઇને વીકેન્ડનો આનંદ માણવો જોઇએ. આ અંગે ગુ્રપના અન્ય એક સભ્ય અભય શાહ કહે છે કે, ‘જીવદયાના સંસ્કારો યુવાનીમાં જીવંત રહે તેવા શુભ આશયથી અમે અબોલ પશુઓની દુઆ મેળવવા માટે આ સત્કાર્ય કર્યું છે.’

No comments:

Post a Comment