અમદાવાદના ખેલૈયાઓ કેવા ગીત સંગીતના તાલે ધૂમશે તેની જાણકારી ધમાકેદાર રિહર્સલ પરથી જ મળી જાય છે. અમદાવાદના ખેલૈયાઓમાં ટ્રેડિશનલ ગરબા, ટીટોડો, હિંચ, બોલીવૂડના ગીતો, પંજાબી ભાંગડા, ઇન્ટરનેશનલ ડી.જે. અને કેનેડિયન કોરસ છવાઈ જશે.આ અંગે એક ગુ્રપના ખેલૈયા સ્નેહા કોઠારી કહે છે કે, ‘અમારા ગુ્રપમાં ૧૫ ખેલૈયાઓ છે. અમે છેલ્લા એક મહિનાથી દરરોજ ત્રણ-ચાર કલાકનું રિહર્સલ કરીએ છીએ. આ વખતે અમે ગરબામાં ચાલ્સા મિક્સ તથા ઉંધો રાસડો એવી રીતે નવા સ્ટેપ બનાવ્યા છે. પંચીયામાં પણ નવી સ્ટાઇલ લીધી છે. છત્રી ગરબા તો જૂની સ્ટાઇલ થઈ ગઈ છે પરંતુ આ વખતે અમે દીવડા અને ખંજરી સાથે ગરબા રમવાની પ્રેકટીસ કરી રહ્યાં છીએ.’ અમદાવાદના ખેલૈયાઓ દર વર્ષે કંઈક નવું કરતાં હોય છે. તો બીજી તરફ ખેલૈયાઓ પંજાબી, રાજસ્થાની, બોલીવૂડ, હોલીવૂડ, ડી.જે. રિમિક્સ વગેરેના તાલે ઝુમવા માટે પણ છેલ્લા એક મહિનાથી તૈયારીઓ કરી રહ્યાં છે. આ અંગે ખેલૈયાઓને નવા સ્ટેપ શિખવતો ખેલૈયો રાજ સીનિજિયા કહે છે કે, ‘આ વખતે અમે ગરબામાં રોક મ્યુઝિક, સૂફી મ્યુઝિક અને ટ્રેડિશનલ મ્યુઝિક પર ફયુઝન ગરબા કરવાના છે. જેમાં ૧૦૨ સ્ટેપ છે. આ ૧૦૨ સ્ટેપમાં અમે ચાલ્સા, હિપોપ, ટેન્ગો, કન્ટમપરી, પંજાબી ભાંગડા, રાજસ્થાની પોપટીયું, ડોડીયું, પંચીયું, ફ્રી સ્ટેપ, હિંચ આ બઘું મિકિસંગ કરીને ટ્રેડિશનલ ગરબા સાથે રોક ડાન્સના સ્ટેપ પણ મિક્સ કર્યાં છે. આ ૧૦૨ સ્ટેપ સુધી રીધમ એક જ રહે છે પણ સ્ટેપ કંમ્પોઝ કરેલા છે. જેમાં બોલીવુડના સ્ટેપ, ડાન્સના સ્ટેપ, સૂફી સ્ટેપ, સનેડાના સ્ટેપ, ગરબાના સ્ટેપ, રોક ડાન્સના સ્ટેપ વગેરે મીકસ કર્યાં છે.’ ખેલૈયાઓ ડાન્સ અને ગરબા બંનેની એક સાથે રમઝટ બોલાવશે. તો ગુજરાતી ગરબાની સાથે સાથે રાજસ્થાની, મહારષ્ટ્રી અને પંજાબી સ્ટેપને પણ ઇન્વોલ કર્યાં છે. નવરાત્રિના નવે નવ દિવસ રમઝટ બોલાવવા માટે ખેલૈયાઓ પરસેવો પાડી રહ્યાં છે.
બીજી તરફ ખેલૈયાઓના ગરબાની બીટને રીધમમાં ઢાળવા માટે કમ્પોઝરો પણ રાત-દિવસ ઉજાગરા કરી રહ્યાં છે. કારણ કે દેશી ગરબા, ટિટોડા, લોકગીતો કે સંગીતની સાથે સાથે ખેલૈયાઓને બોલીવુડના સુપરહીટ ગીતો, હોલીવુડનું ડી.જે. રોક, પંજાબી અને રાજસ્થાની મ્યુઝિક પણ પિરસવું પડે છે. આ અંગે મ્યુઝિક કમ્પોઝર કલ્પેશ પટેલ કહે છે, ‘આજે ગરબો ઉંધો ફરે છે. ગરબામાં ૭૦ ટકા નવું મ્યુઝિક આપવું પડે છે. ટ્રેડિશનલ મ્યુઝિકની સાથે આ વરસે બોલીવુડમાં અસંખ્ય મેલોડિયસ આવ્યા છે. જેમાં મુન્ની બદનામ, કાંટા લગા, એ ખુદા, પૈસા પૈસા કરતી હો, સહિત ૨૦૦ જેટલા બોલીવુડ ગીતો ખેલૈયાઓને ઝુમાવશે.’ બોલીવુડ, હોલીવુડ અને રોકમાં મ્યુઝિક કમ્પોઝરો ડાંડિયાના બીટસ અને રીધમ ફીટ કરવા રાત-દિવસ મહેનત કરી રહ્યાં છે. હિન્દી ફિલ્મોના નવા ગીત અને હાઈ ટેમ્પાવાળા B.J. રિમિક્સ અને રોક સોંગ છવાઈ જશે. સંગીતકારોને ખેલૈયાઓને ફયુઝન મ્યુઝિક આપવું પડે છે. એટલે કે ચલતી વખતે ગીત-સંગીતનો ટ્રેક સતત દરિયાની ભરતીની જેમ રાખવો પડે છે. સંગીતકારો દેશી અને વિદેશી ગીતોના ટુકડાઓને બીટસ અને રિધમમાં ઢાળવાની તૈયારીઓ કરી રહ્યાં છે. આ અંગે સંગીતકાર રાજુ સુદ્રા કહે છે કે, ‘આજે ખેલૈયાઓને રાસ, ગરબા, બે તાળી, ત્રણ તાળી, હિંચ, ટીટોળો વગેરેનું ટ્રેડિશનલ મ્યુઝિક નથી ગમતું. આજે નવરાત્રિ ફેશન પરેડ થઈ ગઈ છે. તેથી ખેલૈયાઓને લેટેસ્ટ ગીતો કમ્પોઝ કરીને આપવા પડે છે.’ નવા નવા સ્ટેપ મુજબ નવી રીધમ અને ટેમ્પો સેટ કરવો પડે છે. રૂટીન કરતાં દર વર્ષે મ્યુઝિક કમ્પોઝરો કંઇક નવી રીધમ આપતાં હોય છે. આ અંગે કલાકાર અતૂલ ભોજક કહે છે કે, ખેલૈયાઓમાં આપણા પરંપરાગત ગરબાની સાથે, રાજસ્થાની પોપટીયું, ડોડીયું, પંચીયું, ફ્રી સ્ટેપ, ચાલ્સા, હિપોપ, ટેન્ગો, સનેડો, રોક અને રિમિક્સના સ્ટેપ પણ જોવા મળશે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી
No comments:
Post a Comment