
અમદાવાદની ડબગરવાડના ઢોલ બજારમાં ચામડાના ઢોલના કારીગરો નવરાત્રી જેવા ઉત્સવમાં પણ નવરા બેઠા છે. હવે લાકડાં અને ચામડાના ઢોલનું સ્થાન પ્લાસ્ટિક અને સ્ટીલે લીઘું છે.
આ અંગે ઢોલના કારીગર લાલભાઇ ડબગર કહે છે કે, હવે ડબગરવાડની રોનક પહેલા જેવી રહી નથી. ચામડાના ઢોલનું સ્થાન પ્લાસ્ટિકે લીઘું છે. અત્યારે ઢોલનું માર્કેટ એકદમ ડાઉન છે. જરા પણ વેચાણ નથી. અત્યારે નવરાત્રિને લઇને સોસાયટીના લોકો ચાલુ ઢોલ ખરીદવા આવે છે. તેથી આ માર્કેટ અત્યારે મરવાના વાંકે જીવી રહ્યું છે.
અત્યારે જે ઓરિજિનલ ઢોલ છે તેવી સાઇઝ અને હેવી લાકડાંનો તેનો ભાવ પણ વધી ગયો છે. કેમ કે એ માટે બીયાનું લાકડું મળતું નથી. એક સમય હતો કે લોકો ઢોલના તાલે ગરબા રમતાં અને લગ્ન પ્રસંગમાં પણ ઢોલનું મહત્ત્વ ખૂબ જ હતું. આજે લગ્ન પ્રસંગમાં ઢોલની જગ્યા બેન્ડવાજાએ લીધી તો નવરાત્રિમાં ઓરકેસ્ટ્રાએ અત્યારે માર્કેટાં ચામડાનો ઢોલ જોવા નથી મળતો. ચામડાની જગ્યાએ પ્લાસ્ટિક આવી ગયું છે. આ અંગે ઢોલના વેપારી ચંદ્રકાન્ત ડબકર કહે છે કે, દિલ્હીમાં આવેલા પૂરને કારણે માલ આવતો નથી. તેથી ભાવ વધી ગયા છે. અત્યારે સોસાયટીના એસોસિએશન ઢોલ લેવા આવે છે. પરંતુ એ બધાં પ્લાસ્ટિક અને સ્ટીલના સસ્તાં ઢોલ ખરીદે છે. અત્યારે બજાર ખાલી છે. પવનનું જોકું આવે તેવી રીતે ક્યારેક બે- ચાર ઘરાક ટપકી પડે છે. બજારમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમો અને સ્ટીલ તથા પ્લાસ્ટિકના ઢોલ આવવાને કારણે હવે લોકો ચામડાના ઢોલ પાછળ વધારે પૈસા નથી ખર્ચતા. પરંતુ ચામડાના ઢોલમાં જે રીધમ અને બાસ મળે તે સ્ટીલના પ્લાસ્ટિકના ઢોલમાં ના મળે.
આ અંગે ઢોલના વેપારી નિકુંજભાઇ કહે છે કે, અત્યારે ડબગર બજાર આજુ બાજુના ગામડાઓની ઘરાકી પર જ ટકી રહ્યું છે, કારણ કે નવરાત્રિ અને લગ્ન પ્રસંગની સિઝન પર જ આ માર્કેટ ટકે છે, પરંતુ હવે દર વર્ષે ઢોલની ડિમાન્ડ ઘટી રહી છે. આ વર્ષે પણ ઢોલની ડિમાન્ડમાં ગયા વર્ષની સરખામણીમાં ૪૦ ટકાનો ઘટાડો છે. હવે ચામડાના ઢોલનો તાલ કદાચ ક્યારેય સાંભળવા નહીં મળે. ચામડાના જે ઓરિજનલ ઢોલ હતાં તેની મોનોપોલી ઇલેક્ટ્રિકલ સાધનો અને પ્લાસ્ટિકના ઢોલે તોડી નાંખી છે. તસ્વીર : સુરેશ મિસ્ત્રી
No comments:
Post a Comment