ક્રિકેટ મહાકુંભનો આજથી પ્રારંભ થઈ રહ્યો છેે ત્યારે અત્ર-તત્ર-સર્વત્ર સૌના હૈયે અને હોઠે ક્રિકેટ વર્લ્ડકપનો ક્રેઝ જોવા મળે છે. અને ક્રિકેટક્રેઝી અમદાવાદીઓમાં પણ વર્લ્ડકપ ફિવર જોવા મળી રહ્યો છે.
પ્રેમરૂપી ક્રિકેટના મેદાન પર નેટ પ્રેક્ટિસ સમય, બજરંગ ક્રિકેટ કલબના વનડાઉન્ડ પ્લેપર હિતેન ફ/જી ઘમંડે ઈલેવનની બોલર દિપાલીના ગુગલી બોલ પર બેટના બહારની કિનારીએ ટચ કરતા પોતાના દિલનો કેચ આપી દેતા, કોટ બિહાઈન્ડ જાહેર કરવામાં આવ્યો છે. અને હવે નવા સંસારની લાંબી ઇનિંગ્સ રમવા શનિવારના રોજ થશે પણ ચિયર્સઅપ કરવા સ્ટેડીયમ સરખા નિવાસ સ્થાને હાજર રહેશો એવી આશા છે. આ શબ્દો કોઈ ક્રિકેટ મેચના નથી પણ લગ્નની કંકોત્રીના શબ્દો છે. અમદાવાદના હિતેન બજરંગે પોતાની લગ્ન કંકોત્રી કંઈક અલગ જ અંદાજમાં છપાવી છે. આ અંગે હિતેન કહે છે કે, વર્લ્ડકપના પ્રથમ દિવસે જ મારા લગ્ન હોવાથી મેં મારી કંકોત્રી ક્રિકેટ મેચની કોમેન્ટ્રીની જેમ બનાવી છે.
અમદાવાદના ક્રિકેટપ્રમી હિતેન બજરંગે પોતાના લગ્ન આજે વર્લ્ડકપના દિવસે હોવાથી તેણે પોતાના લગ્નની કંકોત્રી ક્રિકેટ મેચની કોમેન્ટ્રીના અંદાજમાં છપાવી છે. તો ૫૧ વર્ષના રજનીકાંત ચૌહાણે પોતાના સચિન‘પ્રેમ’ને ૮૮૦ ફોટાઓ અને ૪૧૯ પેપરો પર લખીને વ્યક્ત કર્યો
આ કંકોત્રીમાં ગણેશ સ્થાપનાની જગ્યાએટોસ, રાસ-ગરબાની જગ્યાએ ચિયર્સ લીડર્સ, હસ્ત મેળાપની જગ્યાએ બેટીંગ, ભોજન સમાંરભની જગ્યાએ લન્ચ બ્રેક, નિવાસ સ્થાનની જગ્યાએ સ્ટેડિયમ, શુભ-વિવાહની જગ્યાએ ઈન્ડિયા ફ/જી બાંગ્લાદેશ, લગ્નની જગ્યાએ મેચ અને સ્નેહીની જગ્યાએ ઓડિયન્સ એવી રીતે સંપૂર્ણ કંકોત્રી ક્રિકેટ વર્લ્ડકપની ભાષામાં લખવામાં આવી છે. હિતેન પોતે ક્રિકેટર અને ક્રિકેટપ્રેમી તથા યુવરાજનો ફેન છે. તેથી તેમણે આવી રીતે કંકોત્રી છપાવી સૌને આશ્ચર્યમાં મૂકી દીધાં છે.
અહીં આપણને લગ્નની કંકોત્રીમાં વર્લ્ડકપ ફીવર જોવા મળ્યો. હવે રજનીકાંત ચૌહાણના સચિન ફીવરની વાત કરીએ, અમદાવાદના અંધજન મંડળમાં છેલ્લા ૨૬ વર્ષથી છાત્રાલયમાં ગૃહપતિ તરીકે ફરજ બજાવતા ૫૧ વર્ષના રજનીકાંત ચૌહાણ વર્ષોથી સચિનની રમત અને વિચારોના પરમ ફેન છે. તેમનો સચિન પ્રેમ માત્ર ગામગપાટા પુરતો મર્યાદિત નથી પણ ઊંડા અભ્યાસનો વિષય બન્યો છે. સચિન આ વર્લ્ડકપ જીતે અને તેને ભારત રત્ન મળે તેવી શુભેચ્છા આપવા માટે રજનીકાંતભાઈએ વર્તમાનપત્રો અને સામયિકોમાં સચિન વિશે છપાતી માહિતીના કટીંગ્સ અને તસ્વીરોનો રસપ્રદ ઈતિહાસનું કલેકશન કરીને તેનું પ્રદર્શન યોજાયું છે. તેઓ છેલ્લા પંદર વર્ષથી સચિનની સફળતા અને જીવન જીવવાના વિચારોના ફેન છે. તેમણે સચિન તેંડુલકરના જન્મના ઈતિહાસથી માંડીને સચિનની ક્રિકેટર તરીકેની જીવનયાત્રાનું દર્શન કરાવતી તસ્વીરો અને માહિતીનું અનોખું કલેકશન કર્યું છે.
તેમણે ૪૧૯ પેપર પર સચિનના વન-ડે, ટેસ્ટ, આઈ.પી.એલ. અને વર્લ્ડકપના રેકોર્ડ તારીખ, વાર, રન, બોલ, સદી જેવી નાનામાં નાની બાબતનો પોતાના કલેકશનમાં સમાવેશ કર્યો છે.
આ ઉપરાંત સચિનની બેટિંગ અદા, પરિવાર સાથેના ફોટો, સામાજિક ફોટો, સેલિબ્રિટી સાથેનો ફોટો તથા સચિનના બાળપણના ૮૮૦ લખાણ સાથેના ફોટાઓ કલેકટ કર્યા છે. આ અંગે રજનીભાઈ કહે છે કે આ ઐતિહાસિક ખજાનો મેં ફુરસતના સમયે ભેગો કર્યો છે અને તેઓ અંધ વિદ્યાર્થીઓને પણ ફુરસદના સમયે સચિન વિશેની રેકોર્ડ માહિતી સંભળાવે છે એ રીતે અનેક અંધ વિદ્યાર્થીઓને પણ તેમણે ક્રિકેટનું ઘેલું લગાડ્યું છે. તેઓ કહે છે કે મેં આ પ્રવૃત્તિ દ્વારા માનસિક બેલેન્સ જાળવવાનો પ્રયત્ન કર્યો છે. સચિન વિશેની નાનામાં નાની વાતનું કલેકશન તેમની પાસે છે. છતાં પણ તેઓ હજી સુધી સચિનને મળ્યા નથી. પરંતુ હવે તેમને મળવાની તમન્ના જાગી છે.

No comments:
Post a Comment