અમદાવાદમાં અષાઢી અણસારે હજી સુધી મહેર કરી નહોતી.બધા ચાતક નજરે વરસાદની રાહ જોતા હતા.પણ મેઘરાજા મહેર કરે એ પહેલા જ લઠ્ઠાકાંડનો કહેર ચાલુ થઇ ગયો.૬ જુલાઈ ૨૦૦૯ના દિવસે દેશી લઠ્ઠાએ પોતાનો કહેર વરસાવવાની શરૂઆત કરી.બે જ દિવસમાં લાશોનો ઢેર થઇ ગયો.દારૂબંધી છતાં પણ ગુજરાતના ઇતિહાસમાં આ સૌથી મોટો લઠ્ઠાકાંડ સર્જાયો.આ લઠ્ઠાકાંડના પડઘા આખા ભારતમાં પડ્યા.મીડિયામાં ગાંધીજી,દારૂબંધી અને ગુજરાત છવાઈ ગયા.'ગાંધીના ગુજરાતમાં લઠ્ઠાકાંડ' એવા મથાળા જોવા મળ્યા.પણ અંતે એક પ્રશ્ન થાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે કે નહિ?આ પ્રશ્નનો જવાબ સરદાર પટેલ અને ગાંધીજી વધારે જાણતા હશે.પણ આજે આ પ્રશ્નનો જવાબ ફક્ત ગુજરાતના ટોચના નેતાઓ અને સંસ્કૃત પ્રજા જ જાણે છે.જો સામાન્ય માણસને પૂછવામાં આવે તો તેનો જવાબ મળવો મુશ્કેલ છે.આમ જો ગુજરાતની સામાન્ય જનતા કે જેના વિકાસ માટે ગુજરાતે આઝાદીથી લઇ આજ દિન સુધી દારૂબંધી જાળવી રાખી છે તેને જ જો દારૂબંધી એટલે શું! એ ખબર ના હોઈ તો દારૂબંધીનો શો અર્થ?ગાંધીજીએ ગરીબો,મજૂરો અને શ્રમજીવીઓ દારૂની લતમાં પડી ખુવાર ન થાય અને તેમના બાળકો તથા સ્ત્રીઓની બરબાદી ન થાય એટલા માટે દારૂબંધી અપનાવી હતી.પણ આજે ગરીબો,તવંગરો અને મજૂરોના હિતમાં કોને રસ છે.અને દારૂબંધી શબ્દ જયારે આવે ત્યારે તેમાં ગાંધીજી,લઠ્ઠાકાંડ,પોલીસ,બુટલેગરો અને સામાન્ય પ્રજાનો સમાવેશ થઈ જાય છે.ગાંધીજી એટલા માટે કે તેણે દારૂબંધી જેવી પડકારજનક પ્રથાને અમલી બનાવી હતી.અને તેનું પરિણામ આજે એ આવ્યું કે ગાંધીનું નામ દારૂબંધી સાથે જોડાવાને બદલે લઠ્ઠાકાંડ સાથે જોડાય ગયું.અમદાવાદના લઠ્ઠાકાંડે ફરી એક વખત શાબિત કર્યું કે રાજ્યમાં દારૂબંધીનો અમલ હોવા છતાં દારૂની રેલમછેલ હતી.અને આ કાંડ ને કારણે બધાને યાદ આવ્યું કે ગુજરાતમાં દારૃબંધી છે.
લઠ્ઠાકાંડની વાત કરીએ તો દારૂબંધી સાથે લઠ્ઠાકાંડને કઈ જ લેવાદેવા નથી.કેમ કે કર્ણાટક દરુમુક્ત છે છતાં પણ સૌથી વધુ લઠ્ઠાકાંડ ત્યાં સર્જાય છે.અને આવા તો કેટલાય ઉદાહરણ મળે છે.જેમ કે તામિલનાડુ,બિહાર,ઓરિસ્સા,દિલ્હી,મહારાષ્ટ્ર વગેરે.અને ગુજરાતમાં પણ આ પહેલો લઠ્ઠાકાંડ નથી.ગુજરાતમાં આ પહેલા છ વખત લઠ્ઠાકાંડ થયો છે.જેની શરૂઆત ૧૯૭૭માં અમદાવાદ માંથી જ થઈ હતી.અને આ સાતમો લઠ્ઠાકાંડ છે.અને આ બધા કાંડમાં કુલ ૬૭૬થી વધુ લોકોએ ભોગ આપ્યો છે.આ લઠ્ઠાકાંડનો મુદ્દો ગુજરાતની વિધાનસભામાં પણ ગાજ્યો છે.અને રાજ્યના મુખ્યપ્રધાન ગુજરાતમાં દારૂબંધીના કારણે ગાંધીમૂલ્યો જળવાઈ રહ્યા હોવાના દવા સાથે કેન્દ્ર પાસેથી ત્રણ હાજર કરોડ રૂપિયા માંગી રહ્યા હતા ત્યારે જ આ બધું થયું.અને આ મુદ્દે સરકારે ભીંસ પણ અનુભવી.પરંતુ ગુજરાતની પ્રજા માટે દારૂબંધી નો મુદ્દો સંવેદનશીલ છે,પણ પ્રજાના પ્રતિનિધિઓ માટે આ મુદ્દો સંવેદનશીલ રહ્યો નથી.કેમ કે ગુજરાતમાં દારૂબંધી માત્ર ચોપડે જ છે.એ વાત ચૂટાયેલા પ્રતિનિધિઓ જાણે છે.
જો કે દારૂબંધીનો અમલ કરવો એ પોલીસની પ્રાથમિક ફરજ છે,અને તેમાંથી તે છટકી શકે નહિ.પણ દારુબંધીને નિષ્ફળ બનાવવા માટે પોલીસની હપ્તાખોરી જવાબદાર છે.ગૃહખાતું તથા સરકાર પણ આ હપ્તાખોરી પર બ્રેક લગાવવામાં નિષ્ફળ ગઈ છે.પોલીસની રહેમ નજર હેઠળ જ બુટલેગરરાજ ફૂલ્યું- ફાલ્યું હતું.બુટલેગરો પોલીસની ઈમાનદારી જાળવી રાખવા માટે મોઢે માંગ્યા હપ્તા આપતા હતા.અને આપે છે.આ મલાઈ માણવામાં માત્ર પોલીસખાતું જ નહિ ગૃહખાતું પણ તેમાં આવી જાય છે.પણ કમનશીબે ગૃહખાતું 'કમીશન'ની રચના કરી ભૂલકણી પ્રજાને ભૂલાવી દે છે.અને પોલીસ એન્સ્પેકટરોને સસ્પેન્ડ કરીને પોતાની ઈમાનદારી બતાવે છે.જો પરિસ્થિતિ વધારે કફોડી હોય તો કેટલાક બુટલેગરોને પકડીને એવી જાહેરાત કરવામાં આવે છે કે,લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા કસૂરવારોને કડકમાં કડક સજા કરવામાં આવશે.જો ખરેખર સજા કરવામાં આવે તો પ્રથમ પોલીસખાતું ત્યાર પછી ગૃહખાતું અને પછી બુતાલેગરોનો વારો આવે.કેમ કે પોલીસ અને બુટલેગરોની 'ભાઈબંધી'એવી ગઢ છે કે બંને એકબીજાથી દૂર રહી શકે એમ નથી.અને પોલીસનું હપ્તા ઉઘરાવવાનું નેટવર્ક પણ એટલું જબરદસ્ત હિય છે કે કોણ 'ખાવાવાળા' છે અને કોણ 'આપવાવાળા' છે એને માત્ર બુટલેગરો જ ઓળખી શકે.એટલે વર્તમાન ગુજરાતને બાહોશ અને ઈમાનદાર પોલીસ અધિકારીઓની જરૂર છે.
છેલ્લે લઠ્ઠાકાંડમાં જો સૌથી વધુ જવાબદાર હોય તો તે પ્રજા છે.કાયદો સમાજની વ્યવસ્થા માટે કરવામાં આવે છે પણ તેનો અમલ કરવો એ આપના હાથની વાત છે.કાયદો કોઈને લઠ્ઠો પીતા,ઝેર પીતા કે આત્મહત્યા કરતા રોકી શકે નહિ.કેમ કે લઠ્ઠો પીવો કે ના પીવો એ આપણા હાથની વાત છે.આમ પણ ગુજરાતમાં દારૂબાંધી હોવા છતાં કેમ પરમીટ પર દારૂ આપવામાં આવે છે.કેમ ગુજરાતની મોટા ભાગની હોટલોમાં બ્રાન્ડેડ દારૂ મળે છે.અને જો ગુજરાતની સરકારને દારૂબંધીમાં રસ હોય તો કેમ ગુજરાતમાં દારૂને આવવા દેવામાં આવે છે.અને આપણે લઠ્ઠાકાંડ સાથે ગાંધીજીનું નામ કેમ જોડીએ છીએ.કેમ 'ગાંધીના ગુજરાત'માં એવો શબ્દ વાપરીએ છીએ.શું ગુજરાત ગાંધીજીનું પોતાનું હતું?ના ગુજરાતમાં ગાંધીજી હતા.કેમ 'મોદીના ગુજરાતમાં લઠ્ઠાકાંડ' એવો પ્રયોગ નથી થતો.ખરેખરતો લઠ્ઠાકાંડ સાથે ગાંધીજીનું નામ જોડીને આપણે 'રાષ્ટ્રપિતા'નું અપમાન કરીએ છીએ.બીજી વાત એ છે કે લોકતંત્ર માણસને ગમે તે ખાવાની,ગમે તે પીવાની અને ગમે તે રીતે જીવવાની સ્વતંત્રતા આપે છે.ઝેર પીવાની સ્વતંત્રતા છે,પરંતુ તે ન પીવાનો વિવેક શિક્ષણ જ આપી શકે.કોઈ પણ કાયદો આ વિવેક આપી શકે નહિ.અને આપણા કલ્યાણની સઘળી જવાબદારી સરકારની નથી.એટલે જો રાજ્યમાં જો શાંતિ સ્થાપવી હોય તો ગાંધીજીનું નામ લીધા વગર પણ દારૂબંધીનો અમલ કરાવી શકાય છે.જો સરકારની નીતિ ખરેખર દારૂબંધીનો ચૂસ્ત અમલ કરાવવાની દિશામાં હોય તો દેશ અને દુનિયામાં 'ડ્રાય સ્ટેટ' તરીકેની આગવી ઓળખ ધરવાનાર ગુજરાત ગરવું કહેવાશે.બાકી જનતાની યાદદાસ્ત ટૂંકી છે એટલે થોડા સમયમાં બધી ભૂલી જશે અને ગુજરાત ફરીથી 'વાઈબ્રન્ટ' થઈ જશે.
-દીપેન એ. પઢીયાર
No comments:
Post a Comment